મહેન્દ્ર સિંઘ ધોની ભારતના સૌથી વધુ સફળ કેપ્ટનમાંથી એક રહ્યા છે. એમએસ ધોનીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ વર્ષ 2007માં ટી20 વર્લ્ડ કપ, વર્ષ 2011માં ODI વર્લ્ડ કપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત હાસલ કરી હતી. ધોની સાથે રમી ચૂકેલી અનેક ખેલાડીઓએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સારી એવી પ્રસિદ્ધિ મેળવી છે. જેથી સ્પષ્ટ થાય છે કે, ધોની જાણે છે કે ખેલાડીઓની પ્રતિભાનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો. 2020 માં ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, ત્યારબાદ વર્ષે 2021 T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના માર્ગદર્શક પણ રહ્યા હતા. હવે આકાશ ચોપડાએ એક એવા વિષય પર ચર્ચા કરી છે, જેના વિશે આખું ભારત જાણવા માંગે છે.
હવે એ સમય કદાચ દૂર નથી કે એમએસ ધોની પણ આઈપીએલમાંથી નિવૃત્તિ લેશે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે, શું ધોની પોતાની કારકિર્દીનો અંત લાવ્યા પછી ક્યારેય ભારતીય કોચ બનવાનું વિચારશે? ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડાનું માનવું છે કે ધોની કદાચ ક્યારેય કોચિંગની જવાબદારી પોતાના ખભા પર નહીં લે.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડાએ શું કહ્યું?
આકાશ ચોપડાએ તેમની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, ‘મને નથી લાગતું કે ધોની કોચિંગમાં રસ ધરાવે છે. કોચિંગના કામમાં મુશ્કેલીઓ હોય છે. કોચિંગમાં તમારે તમારા ક્રિકેટ કારકિર્દીના દિવસોમાં જેટલા વ્યસ્ત રહેતા હતા તેટલા જ વ્યસ્ત રહેવું પડે છે. ક્યારેક જવાબદારીઓ તેનાથી પણ વધુ હોય છે.
‘મોટાભાગના ખેલાડીઓ કોચિંગની નોકરી કેમ નથી લેતા? તેને લઈને આકાશ ચોપડાએ કહ્યું, ‘તમારો એક પરિવાર છે, તમને લાગે છે કે તમે તમારું આખું જીવન સુટકેસ સાથે મુસાફરી કરવામાં વિતાવ્યું છે. તો હવે આવું જ કેમ કરો છો? આ જ કારણ છે કે મોટાભાગના ખેલાડીઓ કોચિંગની નોકરી નથી લેતા. ભલે તેઓ કરે, પણ તે IPLમાં ફક્ત 2 મહિના માટે જ છે. બીજી બાજુ, જો તમે ભારતીય ટીમના કોચ બનો છો, તો તમારે વર્ષમાં 10 મહિના ટીમ સાથે રહેવું પડશે. એટલે મને નથી લાગતું કે ધોની પાસે આટલો સમય હશે.’


