ARTICLE : શાળા નરસંહારના કેન્દ્રો બનશે શું?

0
113
meetarticle

અમદાવાદની એક ખાનગી શાળામાં વિજ્ઞાન શિક્ષણના સાધનથી નાના છોકરાઓનું ટોળું એકલદોકલ મોટાં છોકરાઓ પર હુમલો કરે છે. બાળક ઘાયલ થઈ જાય છે, પરંતુ તેના તરફ કોઈ દ્રષ્ટિપાત કરતું નથી. શરીરમાં લોહી ગંઠાવાના કારણે બાળકનું પ્રાણ પંખેરુ ઉડી જાય છે. સરસ્વતીનું ધવલ મંદિર રક્ત રંજીત થાય છે.માં સરસ્વતીની આંખ પણ ભીની થઈ ગઈ હશે!! આ ઘટના માત્ર કોઈ એક શાળા મંદિરની નથી પરંતુ આવતા દિવસોમાં આવો સિલસિલો રોજિંદો બની રહે તો તેમાં કોઈ નવાઈ પામવા જેવું નહીં હોય!! કારણકે આપણી સમગ્ર શિક્ષણ વ્યવસ્થા જેમાં તમે પૂર્વ પ્રાથમિકથી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ સુધીના તમામ તબક્કાઓને આવરી લઈ જઈ શકો છો તે આખું વાડોલિયું માવજત કરવાને બદલે વાડ વગરનું ખેતર બની ગયું છે.અને તે પણ હવે લગભગ બિન ઉપજાંઉ જેવું લાગે છે.


ગાંધી થોટ એક્ટિવિટી બેઝ એજ્યુકેશન તરફ અંગુલી નિર્દેશ કરે છે. આપણા અનેક શિક્ષણના ચિંતકો જીવન શિક્ષણ તરફ વધુમાં વધુ ભાર આપી ગયાં.પણ આપણે એટલે કે વાલીઓ અને વાલીઓના ડિમાન્ડ અને સપ્લાયના આધારે ઊભા થયેલાં કારખાના એટલે કે શાળાઓ,પણ હવે જીવન અને જીવિકાને બેમાંથી કોઈના ઉપર પસંદગી ઉતારવી હોય તો જીવિકા તરફ ઉપર આંગળી મૂકે છે. તેનાથી આ વિટંબણાઓ,સમસ્યાઓ સર્જાઇ રહી છે! માત્ર નીતિગત ફેરફારો પોથમાના રીંગણ બની રહેશે જ્યાં સુધી સમરાંગણમાં યુધ્ધના વિજયની ગાથા નહીં લખાય!
શાળા,શિક્ષક અને બાળક એકબીજા સાથે એવી રીતે જોડાયેલાં હોવા જોઈએ કે ત્યાં કોણ કોને છાનો રાખે તે એક સમસ્યા થઈ પડે તેવી હાલત હોવી જોઈએ. પણ શિક્ષણનું વ્યવસાયીકરણ અને નફા- નુકસાનને ધ્યાનમાં રાખીને ઉભી થયેલી દુકાનોમાં ના તો કોઈ શાળા પોતાની માને છે કે પછી વિદ્યાર્થીને શાળા પોતાનો પારિવારિક ગણે છે.કોઈ શિક્ષકને બાળક સાથે કોઈ સ્નેહ તંતુ રાખ હોય કારણકે તે અહીં કલાકો મુજબ રોકાયેલો રોજમદાર છે! આ બધામાં બાળક સતત પોતાને એકલો, અટુલો અને ઉલઝાયેલો અનુભવે છે. પ્રેમ, કરુણાનો પ્રવાહ જ્યાં ખળખળ નિર્મળ વહેતો અનુભવાય તે શાળા આજે ગેંડાની ચામડી જેવી રુક્ષ બની ગઈ છે. જ્યાં માત્ર પૈસાની લેવડદેવડ માટે મશીનો ચાલે પણ તેમાંથી એક પણ લાગણીની ઝાપલી કે છીંડુ સંવેદના માટે ખુલતું નથી. માટે વિદ્યાર્થીઓ પ્રેમ માટે, સ્નેહ માટે વલખા મારી રહ્યો છે. આ પૂર્તતા હવે ન તો પરિવાર કરી શકે છે તેમ છે કે શાળાની તો વાત જ જવા દો! ટેક્નોક્રેટ લાઈફ સ્ટાઇલ બાળકને અઢુલો અને રેઢો મૂકીને રડાવી રહી છે અને તેથી સર્જાયું છે હિંસાત્મક વાતાવરણ. અહીં જીવનનો આચાર કે સંહિતા શિખવવામાં આવતા નથી.નથી સમજના કોઠાઓને ભેદી શકાય,વર્તનના કોઠાઓને જીતાય અને જીવન ઉત્તમ નિર્માણ કરી શકાય તેવું કંઈ નથી.આ સ્થિતીએ દરેકને હિંસા પર ઉતરી આવવા માટે છૂટો દોર આપ્યો છે.યુરોપ અમેરિકા વગેરેમાં ગન કલ્ચર વિકસ્યું તેમાં આ કારણો જવાબદાર છે.આપણે પરત ફરવાની દરકાર નહીં કરીએ તો આવતા દિવસોમાં આપણી શાળાઓ હિંસાચારી કેન્દ્રો બની જશે!
જીવન હશે તો જીવિકા તો મળી રહેવાની પણ ગમે તેવી જીવિકા તમારા પથને ઉજાળતી હશે પણ તેને માણવાની અને જાણવાની જો પદ્ધતિ એટલે કે જીવન નહીં હોય તો તેને થું થું કરીને થુંકી નાખવા સિવાય કશું જ નહીં હોય.આપણે કોઈ એવી દિશા તરફ પછી તે વાલી હોય, શાળા હોય કે પછી શિક્ષક હોય, વિચારવું જોઈએ કે આપણે આપણાં બાળકને જીવિકા આપવા માંગીએ છીએ કે જીવન આપવા માંગીએ છીએ?! ગુણાંક આપવા માગીએ છીએ કે ગુણ માટે મથામણ કરવા માગીએ છીએ.
આવો, Mark long jump નહીં Life long માટે બાળકોને તૈયાર કરીએ.

તખુભાઈ સાંડસુર

 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here