ભરૂચ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજય કુમાર મીણાના નેતૃત્વ અને મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ પી.આર. વાઘેલાના માર્ગદર્શન હેઠળ વાલિયા સ્થિત UPL યુનિવર્સિટી ખાતે સાયબર ક્રાઇમ અને મહિલા સુરક્ષા અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં પી.એસ.આઈ વી.એ. આહીર દ્વારા વિદ્યાર્થીઓને વર્તમાન સમયમાં વધી રહેલા ગુનાઓ અને તેનાથી બચવાના ઉપાયો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમણે સ્વરક્ષણ, જાતીય શોષણ, છેડતી અને સાયબર ક્રાઇમ જેવા સંવેદનશીલ વિષયો પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલું એક વિશેષ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને જાગૃતિ માટે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બતાવવામાં આવી હતી. આ ઉપરાંત, ભરૂચ-અંકલેશ્વરની ‘શી-ટીમ’ના સભ્યોએ તેમની કામગીરી અને મહિલાઓની સુરક્ષા માટેની પહેલ વિશે માહિતી આપી હતી.
આ સેમિનારમાં મોટી સંખ્યામાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યો ઉત્સાહભેર હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને, ખાસ કરીને મહિલાઓને, પોતાની સુરક્ષા અને સાયબર સ્પેસમાં સુરક્ષિત રહેવા માટે સક્ષમ બનાવવાનો હતો.
REPOTER : કેતન મહેતા, ભરૂચ


