નડિયાદમાં નારી વંદન ઉત્સવ સપ્તાહના ભાગરૂપે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ યુ.પી.એસ. મહિલા આર્ટસ કોલેજ ખાતે ખેડાના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં ત્રણ મહિલા ઉદ્યોગ સાહસિકો અને બે લખપતી દીદીનું સન્માન કરવામાં આવ્યું, સાથે જ પાંચ તેજસ્વી વિદ્યાર્થીનીઓને પણ સન્માનપત્ર એનાયત કરાયા.
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલા અને બાળ વિકાસ વિભાગનો પ્રારંભ કરાવ્યા બાદથી સરકારે દીકરીઓ ભણી-ગણીને આત્મનિર્ભર બની શકે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. તેમણે વહાલી દીકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજના, ૧૮૧ હેલ્પલાઇન અને મફત કાનૂની સહાય જેવી વિવિધ યોજનાઓની માહિતી આપી. તેમણે ઉમેર્યું કે ભવિષ્યમાં નડિયાદમાં મહિલાઓ પિંક ઈ-રિક્ષા પણ ચલાવશે.
સુરજબા મહિલા આર્ટસ કોલેજના આચાર્ય હર્ષિત મહેતાએ જણાવ્યું કે, શિક્ષણ દ્વારા મહિલાઓના સશક્તિકરણથી બહેનો પગભર બની રહી છે. તેમણે સન્માનિત થયેલી મહિલાઓની પ્રેરક સંઘર્ષગાથા રજૂ કરી. આ કાર્યક્રમમાં મહિલા ઉદ્યોગ સાહસિક મેઘાબેન પુરોહિત, ધર્મિષ્ઠાબેન પટેલ, અમીશાબેન પટેલ અને લખપતી દીદી મીનાબેન ડાભીનું બહુમાન કરવામાં આવ્યું. આ સાથે કોલેજની તેજસ્વી વિદ્યાર્થીનીઓનું પણ સન્માન કરાયું. કાર્યક્રમમાં ખાસ રોજગાર ભરતીમેળો પણ યોજાયો હતો, જેમાં અનેક વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી. આભારવિધિ જિલ્લા રોજગાર અધિકારી મીનાક્ષીબેન ચૌહાણે કરી હતી.
REPOTER : નરેશ ગનવાણી નડિયાદ


