WORLD : અમેરિકામાં મંદીના ભણકારા, રોજગાર વૃદ્ધિ 13 વર્ષના તળિયે, ટ્રમ્પના હાથના કર્યા હૈયે વાગ્યા!

0
12
meetarticle

કહેવત છે કે હાથના કર્યા હૈયે વાગ્યા, અત્યારે અમેરિકાના કિસ્સામાં તે એકદમ સાચી પડી રહી છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પના હાથે થયેલા કર્મો હવે અમેરિકન પ્રજાને ફક્ત હૈયે જ નહીં લમણે પણ વાગી રહ્યા છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સત્તા પર આવતાની સાથે અપનાવેલી આર્થિક નીતિઓના કારણે અમેરિકન અર્થતંત્રમાં તેમના શાસનના એક વર્ષની અંદર જ મંદીના ભણકારા વાગવા લાગ્યા છે. રોજગાર વૃદ્ધિ દર 2020ના કોવિડના સમયગાળાને બાદ કરતાં 13 વર્ષના તળિયે 3.3 ટકાએ પહોંચી ગયો છે.

તેની સામે બેરોજગારી દર 4.4 ટકાના ઊંચા સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ૨૦૨૫ના આખા વર્ષમાં માંડ 5.84 લાખ જોબ જ પૂરી પાડી હતી, જે દાયકામાં સરેરાશ વાર્ષિક જોબ વૃદ્ધિદર લગભગ 20 લાખના જોબ્સથી ઘણો નીચો આંકડો કહી શકાય. હજી બે વર્ષ પહેલા સુધી દર વર્ષે લગભગ 20 લાખ લોકોનું હાયરિંગ કરવામાં આવતું હતું. તેમાં પણ 2022 માં તો 40 લાખથી પણ વધુ લોકોને હાયર કરવામાં આવ્યા હતા. આ દર્શાવે છે કે ટ્રમ્પનું અમેરિકા હવે રોજગાર સર્જનમાં નહીં બેરોજગાર સર્જનમાં પણ ફર્સ્ટ રહેવાનું છે.આ બતાવે છે કે ગયા વર્ષે જોબ ગ્રોથ તેની ઐતિહાસિક સરેરાશના માંડ 30 ટકા જ હતો. આ આંકડા લેબર માર્કેટમાં હાયરિંગના મોરચે મોટાપાયા પર ઘટાડાનો સંકેત આપે છે. હાલના સંજોગોમાં 75 લાખથી પણ વધુ અમેરિકનો બેકાર હોવાનું મનાય છે. અમેરિકન અર્થતંત્ર હજી સુધી સત્તાવાર રીતે મંદીમાં પ્રવેશ્યું નથી, પરંતુ વર્તમાન સ્થિતિ જોતાં તેના ભણકારા ચોક્કસ વાગવા લાગ્યા છે. આ બતાવે છે કે ટ્રમ્પના બેફામ વલણે અને તેની આર્થિક નીતિઓએ અમેરિકાનો કેવો સોથ વાળ્યો છે. આજે અમેરિકાની 70 ટકા વસ્તી મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ ગઈ છે.

આર્થિક નિષ્ણાતોના જણાવ્યા મુજબ આજે અમેરિકામાં લો હાયરિંગ અને લો ફાયરિંગ જેવી સ્થિતિ છે.મોટાભાગના અર્થશાસ્ત્રીઓની માન્યતા છે કે અમેરિકા 2026માં મંદીમાં સરી જાય તેવી સંભાવના 35થી 45 ટકા છે. ટ્રમ્પની નીતિઓના કારણે કામદારોથી લઈને ઉદ્યોગપતિઓનો વર્ગ એટલી હદ સુધી ડરી ગયો છે કે તે અનિશ્ચિતતાના વાતાવરણમાં જ જીવે છે. ટ્રમ્પ કાલે શું કરે તેની કોઈને ખબર નથી. તેથી અમેરિકન કંપનીઓ પોતે જ ટ્રમ્પના શાસનમાં અમેરિકામાં નવું રોકાણ જ કરતી નથી. આ ઉપરાંત જે પણ રોકાણ થાય છે તે એઆઈમાં થાય છે, જ્યાં તેઓને હાયરિંગની ખાસ જરૂર પડતી નથી. ટ્રમ્પને ટેરિફ કદાચ બોર્ડ ગેમ જેવી લાગતી હશે, પરંતુ તેના કારણે સરેરાશ અમેરિકન કુટુંબનું બજેટ 1800થી લઈને બે હજાર ડોલર જેટલું વધી ગયું છે. ટ્રમ્પે જે રીતે દરેક સ્થળે ફોર્સ કરી રહ્યા છે તે જોતાં ઘણા મજાકમાં કહે છે કે અમેરિકામાં હવે ફોર્સ જ વર્ક કરી રહી છે, વર્કફોર્સ તો જાણે છે જ નહીં. ટ્રમ્પ વર્તમાન સ્થિતિ માટે પાછા પોતાને તો જવાબદાર જરાય ઠેરવતા જ નથી, તેઓ દોષનો બધો જ ટોપલો તેમના પુરોગામી બાઇડેનના શાસન પર ઢોળી રહ્યા છે. બેરોજગારીના આંકડા ધીમે-ધીમે બહાર આવી રહ્યા છે તે જોતાં કેટલાય નિષ્ણાતો માને છે કે હાલમાં દર્શાવવામાં આવતા આંકડા કરતાં પણ સ્થિતિ વધારે ખરાબ હોય તો આશ્ચર્ય ન થવું જોઈએ. ટ્રમ્પના કારણે તો લોકોને હવે સરકારી વિભાગ દ્વારા પાડવામાં આવતા આંકડાનો પણ ભરોસો નથી. ટ્રમ્પે આખા અમેરિકાને નાણાકીય રીતે રફેદફે કરી નાખ્યુ છે ત્યારે અમેરિકન પગારદાર વર્ગને સાચવવાની જવાબદારી ત્યાંની સેન્ટ્રલ બેન્કના બીજા પગારદારો પર આવી છે. 

ખાનગી ક્ષેત્રનું જોબ ઓપનિંગ 1.2 કરોડથી અડધુ થઈ 65 લાખ

ખાનગી ક્ષેત્રમાં જોબ ઓપનિંગ ઘટીને 65 લાખ પર પહોંચી ગયું છે, જે હજી થોડા વર્ષ પહેલાં તો 1.2 કરોડ હતી. આમ જોબ ઓપનિંગ ઘટીને અડધી થઈ ગઈ છે. ટ્રમ્પના શાસનમાં કર્મચારીઓના પગારધોરણ પણ સ્થિર થઈ ગયા છે અને અનિશ્ચિતતા વધતા બધાએ ખર્ચા ઘટાડયા છે અને તેની અસર કન્ઝ્યુમર સેક્ટર સહિતના બીજા સેક્ટરો પર પણ પડવા માંડી છે. તેના કારણે આ સેક્ટરની કંપનીઓએ પણ વિસ્તરણની કામગીરી અટકાવી દઈને ફક્ત ટકી રહેવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માંડયું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here