પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં શિયાઓની મસ્જિદ પર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, શિયા બહુમત વિસ્તારને નિશાન બનાવીને કરવામાં આવેલા આ આત્મઘાતી હુમલામાં ૬૯ લોકો માર્યા ગયા છે જ્યારે ૧૭૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થઇ ગયા છે. શુક્રવારની નમાઝ પઢી રહેલા શિયા મુસ્લિમોને મારી નાખવાના ઇરાદાથી આ હુમલો કરવામાં આવ્યો હતો.

ઇસ્લામાબાદમાં ભારે ભીડવાળા તરલાઇ વિસ્તારમાં શુક્રવારની નમાઝ માટે અનેક શિયા મુસ્લિમો પોતાની મસ્જિદમાં એકઠા થયા હતા. તમામ લોકો નમાઝ માટે લાઇનમાં ઉભા હતા એવા સમયે જ આ લાઇનમાં એક આત્મઘાતી હુમલાખોર ઘૂસી ગયો હતો. જ્યારે સુરક્ષાદળોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો તો તેના પર ગોળીબાર કરી દીધો અને બાદમાં ખુદને બોમ્બથી ઉડાવી દેતા મોટો ધડાકો થયો હતો. આ હુમલામાં ૬૯ લોકો માર્યા ગયા છે જે તમામ શિયા મુસ્લિમો હોવાના અહેવાલો છે. જોકે પાકિસ્તાની સરકાર અને પોલીસ સાચો આંકડો છૂપાવી રહી હોવાના અહેવાલો છે અને મૃત્યુઆંક ઓછો દેખાડવા પ્રયાસ કરી રહી છે.
સોશિયલ મીડિયા પર આ હુમલાની તસવીરો અને વીડિયો વાયરલ થઇ રહ્યા છે. જેમાં મસ્જિદની દિવાલો પર મુસ્લિમોના લોહીના ડાઘા, વેર વીખેર બારી બારણાના કાચ અને તુટેલી ઇમારતો દેખાડવામાં આવી રહી છે. આ હુમલા બાદ અનેક લોકો નજીકના ગાર્ડનમાં ઘાયલ અવસ્થામાં પડયા રહ્યા અને મદદ માગતા રહ્યા જોકે કોઇ મદદ માટે ના આવ્યું, એટલુ જ નહીં પાકિસ્તાની મીડિયાએ પણ આટલા મોટા હુમલાને મહત્વ ના આપ્યું, જેને પગલે પાકિસ્તાનના પત્રકારો વિફર્યા હતા અને ન્યૂઝ ચેનલોની ભારે ટિકા કરી હતી.
આવા જ એક પાકિસ્તાની પત્રકાર ઇહતીશમ ઉલ હકે કહ્યું હતું કે પાકિસ્તાનની રાજધાનીમાં ૫૦ લોકો બોમ્બ બ્લાસ્ટમાં માર્યા ગયા હોવા છતા મીડિયા તેના પર ધ્યાન ન આપી મનોરંજનના સમાચારો ચલાવી રહ્યું છે જે અત્યંત શરમજનક છે. પાકિસ્તાનમાં આઇએસ અને તાલિબાન પાકિસ્તાન નામના આતંકી સંગઠનો સક્રિય છે. આ બન્ને સંગઠનોમાં જે આતંકવાદીઓ છે તેઓ સુન્ની છે અને અગાઉ અનેક વખત પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં શિયા મુસ્લિમો પર હુમલા કરી ચુક્યા છે. તાજેતરમાં ઇસ્લામાબાદમાં આ સૌથી મોટો આતંકી હુમલો માનવામાં આવે છે.

