મધ્ય-પૂર્વમાં યુદ્ધ શરૂ થયા પછી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સામેનું યુદ્ધ જીતી ગયા હોવાનો દાવો કરવાની સાથે તેના પર શાંતિ સમજૂતી સ્વીકારવા દબાણ પણ કરી રહ્યા છે. ટ્રમ્પે ફરી એક વખત ઈરાનને તેમનો ૧૫ મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ સ્વીકારી લેવા ધમકી આપી છે. આ યુદ્ધ એક મહિના કરતાં વધુ સમય લંબાયું હોવાથી ઈરાન શાંતિ સમજૂતી નહીં કરે તો પ્રમુખ ટ્રમ્પે ઈરાનના પાણીના ડિસેલિનેશન પ્લાન્ટ, ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નાશ કરી નાંખવાની ધમકી આપી છે. ટ્રમ્પની ધમકીના જવાબમાં ઈરાને પણ અમેરિકાના સાથી દેશોના પ્લાન્ટ્સ પર હુમલાની ચેતવણી આપી છે. મધ્ય-પૂર્વના દેશો માટે આ યુદ્ધ પાણીની અછત સહિત અત્યંત ભયાનક સ્થિતિ ઊભી થઈ શકે છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટમાં લખ્યું કે, મધ્ય-પૂર્વમાં ચાલતું યુદ્ધ ઝડપથી બંધ કરવા માટે કોઈ ડીલ નહીં થાય અને હોર્મુઝની ખાડીની નાકાબંધી દૂર નહીં થાય તો અમે ઈરાનના બધા જ વીજળી પેદા કરતા પ્લાન્ટ, ઓઈલના કુવા, ખાર્ગ આઈલેન્ડ, પાણી શુદ્ધ કરવાના ડિસેલિનેશન પ્લાન્ટને ઉડાવી દઈશું, જેના પર અમે હજુ સુધી ઈરાદાપૂર્વક હુમલા કર્યા નથી. અમે ઈરાનને સંપૂર્ણપણે ખતમ કરી નાંખીશું.
પ્રમુખની ટ્રમ્પની આ ચેતવણીએ મધ્ય-પૂર્વમાં ભારે હોબાળો મચાવી દીધો છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે હાલમાં સૌથી મોટું જોખમ એ નથી કે ટ્રમ્પ શું કરી શકે છે, પરંતુ એ છે કે ઈરાન વળતા જવાબમાં શું કરી શકે છે. ઈરાન પોતાના એક નાના ભાગ માટે પાણીને શુદ્ધ કરતા ડિસેલિનેશન પ્લાન્ટ પર નિર્ભર છે, પરંતુ અખાતના અન્ય આરબ દેશો વ્યાપક સ્તર પર પાણી શુદ્ધ કરવાના પ્લાન્ટ પર નિર્ભર છે. ફારસની ખાડીના કિનારે અનેક ડિસેલિનેશન પ્લાન્ટ છે, જે લાખો લોકોને પીવાના પાણીનો સપ્લાય કરે છે અને આ બધા જ પ્લાન્ટ ઈરાનના મિસાઇલ અથવા ડ્રોન હુમલાની રેન્જમાં છે. આ પ્લાન્ટ વિના અખાતના દેશોના મોટા શહેરો જેમ કે યુએઈનું દુબઈ અને અબુ ધાબી અથવા કતરની રાજધાની દોહા કે સાઉદી અરબનું રિયાધ પોતાની વર્તમાન વસતીને સંભાળી નહીં શકે.
હ્યુમન રાઈટ્સ વોચના સંશોધક નિકુ જાફર્નિયાએ કહ્યું કે, ડિસેલિનેશન સુવિધા મોટાભાગે સામાન્ય લોકોના જીવતા રહેવા માટે જરૂરી છે અને આ પ્રકારની સુવિધા ઈરાદાપૂર્વક ખતમ કરવી એ વોર ક્રાઈમ છે. ઈરાન ડિસેલિનેશન પ્લાન્ટ પર ઓછું નિર્ભર હોવા છતાં કેટલાક ઈરાની મીડિયા રિપોર્ટ્સ મુજબ તહેરાન પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ઈરાન તેનું મોટાભાગનું પાણી નદીઓ, જળાશયો અને ખતમ થઈ ગયેલા અન્ડરગ્રાઉન્ડ એક્વિફિશરથી મેળવતું હતું. હાલ તહેરાનમાં પાણીનો સપ્લાય ખોરવાયોછે.
જોકે, જાફર્નિયાએ કહ્યું કે, ઈરાન સિવાય અખાતની ખાડીમાં ડિસેલિનેશનના અનેક પ્લાન્ટ છે, જે પાવર સ્ટેશનો સાથે જોડાયેલા છે. કુવૈતમાં લગભગ ૯૦ ટકા, ઓમાનમાં ૮૬ ટકા, સાઉદી અરબમાં ૭૦ ટકા પીવાનું પાણી ડિસેલિનેશન પ્લાન્ટમાંથી આવે છે. આ કારણે મધ્ય-પૂર્વના દેશો નહીં ઈચ્છે કે અમેરિકા ઈરાનના ડિસેલિનેશન પ્લાન્ટ પર હુમલા કરે, કારણ કે ઈરાન પાસે અમેરિકાને જવાબ આપવાની શક્તિ નથી, પરંતુ તે અન્ય દેશોના પ્લાન્ટને નુકસાન પહોંચાડીને તેમના પર મોટો આર્થિક બોજ નાંખી શકે છે.

