સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)ની બેઠકમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને અમેરિકા, તેના સહયોગી દેશો તેમજ રશિયા-ચીન વચ્ચે આક્રમક ચર્ચા થઈ હતી. આ મહિનાની બેઠકની અધ્યક્ષતા કરી રહેલા અમેરિકાએ લગભગ બે અઠવાડિયા પહેલા ઈરાન સામે શરૂ કરેલા યુદ્ધને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો. અમેરિકાનું કહેવું છે કે મધ્ય પૂર્વમાં શાંતિ માટે ઈરાનને પરમાણુ હથિયાર બનાવતા રોકવું અત્યંત જરૂરી છે અને આ જ કારણોસર સૈન્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

રશિયા અને ચીન ઈરાનને બચાવી રહ્યા છે: અમેરિકા
બેઠક દરમિયાન ઈરાન પરના પ્રતિબંધોની દેખરેખ રાખતી ‘1737 કમિટી’ની ચર્ચા અટકાવવા રશિયા અને ચીને પ્રયાસો કર્યા હતા, પરંતુ મતદાનમાં તેમને સફળતા મળી નહોતી. કુલ 15 સભ્યોમાંથી 11 દેશોએ ચર્ચા ચાલુ રાખવાની તરફેણમાં મતદાન કર્યું હતું, જ્યારે રશિયા અને ચીને વિરોધ કર્યો હતો. અમેરિકાના પ્રતિનિધિ માઈક વોલ્ટ્ઝે આક્ષેપ કર્યો હતો કે રશિયા અને ચીન ઈરાનને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે તમામ સભ્ય દેશોને ઈરાન પર હથિયાર પ્રતિબંધ લાદવા અને મિસાઇલ ટૅક્નોલૉજીના વેપાર પર રોક લગાવવા અપીલ કરી હતી.પરમાણુ પુરાવા મુદ્દે રશિયાએ અમેરિકાને ઘેર્યું
બીજી તરફ, રશિયા અને ચીને આ મામલે અમેરિકાના વલણની સખત ટીકા કરી હતી. રશિયાના રાજદૂત વાસિલી નેબેન્ઝિયાએ દલીલ કરી હતી કે અમેરિકા કારણ વગર ભયનો માહોલ ઊભો કરી રહ્યું છે, કારણ કે આંતરરાષ્ટ્રીય પરમાણુ એજન્સીના અહેવાલોમાં ઈરાન દ્વારા પરમાણુ શસ્ત્રો બનાવવામાં આવતા હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. ચીનના પ્રતિનિધિ ફૂ કાંગે પણ વોશિંગ્ટનને આ સંકટ માટે જવાબદાર ગણાવતાં કહ્યું કે, મુત્સદ્દીગીરીના સ્થાને સૈન્ય બળનો ઉપયોગ કરવાને લીધે શાંતિ મંત્રણાના પ્રયાસો ખોરવાયા છે. જોકે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો પક્ષ મજબૂત રાખતાં ફરી જણાવ્યું હતું કે, જો ઈરાન પરમાણુ મનસૂબામાં સફળ થશે તો તે સમગ્ર વિશ્વની સુરક્ષા માટે મોટું સંકટ સાબિત થશે.

