WORLD : ચીન પર 100 ટકા ટેરિફની ટ્રમ્પની ધમકી

0
78
meetarticle

ચીને અમેરિકાને ટાર્ગેટ કરતા સ્માર્ટફોન, ઈલેક્ટ્રિક કાર, ડિફેન્સ ઉદ્યોગ જેવા હાઈ-ટેક ઉત્પાદનોના નિર્માણમાં વપરાતા રેર અર્થ અને અન્ય વસ્તુઓની વિદેશમાં નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે, જેના પગલે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભડક્યા છે. ચીનના રેર અર્થ પર નિયંત્રણો સામે ટ્રમ્પે ચીનમાંથી આયાત થતા ઉત્પાદનો પર વધારાના ૧૦૦ ટકા ટેરિફ અને સોફ્ટવેર નિકાસ પર નિયંત્રણો મૂકવાની ધમકી આપી છે, જેને પગલે અમેરિકા અને ચીન વચ્ચે લાંબા સમયની અસહજ શાંતિ પછી ફરીથી ટ્રેડ વોરના સંકેતો છે.અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ચીન પર ૧ નવેમ્બર અથવા તેનાથી વહેલા વધારાના ૧૦૦ ટકા ટેરિફ અને સોફ્ટવેર નિકાસ પર નિયંત્રણો મૂકવાની જાહેરાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર જણાવ્યું હતું કે, ૧૦૦ ટકા ટેરિફ ચીનમાં હાલમાં લાગુ ૩૦ ટકા ટેરિફથી અલગ હશે. ચીન તરફથી કરવામાં આવનારી કોઈપણ ભાવી કાર્યવાહી અથવા પરિવર્તનના આધારે એટલે કે ૧ નવેમ્બરથી ચીન પર કુલ ૧૩૦ ટકા ટેરિફ લાગુ થશે. સાથે જ ટ્રમ્પ અમેરિકામાંથી બધા જ મહત્વપૂર્ણ સોફ્ટવેર નિકાસ પર પ્રતિબંધો મૂકશે.

આ સાથે ટ્રમ્પે આ મહિને દક્ષિણ કોરિયાના પ્રવાસમાં ચીનના પ્રમુખ જિનપિંગ સાથેની મુલાકાત ટાળવાના પણ સંકેતો આપી દીધા છે. ટ્રમ્પે કહ્યું કે, ચીને વ્યાપક સ્તર પર દુર્લભ ખનીજોની નિકાસ પર નિયંત્રણો મૂકવાનો નિર્ણય કર્યો છે, જેની દુનિયાના દરેક દેશો પર અસર પડશે. દુર્લભ ખનીજો અંગે ચીનનું આ આક્રમક વલણ દુનિયા માટે શત્રુતાપૂર્ણ છે. ચીને દુનિયાના દેશોને પત્ર મોકલ્યો છે, જેમાં કહ્યું છે કે ૧ નવેમ્બર ૨૦૨૫થી તેના લગભગ દરેક ઉત્પાદન અને કેટલાક એવા ઉત્પાદનો જે બનાવાયા જ નથી તેની નિકાસ પર નિયંત્રણો લાગુ કરશે.  ટ્રમ્પે જણાવ્યું કે, મને હંમેશા લાગતું હતું કે ચીન ઘાત લગાવીને બેઠું છે અને હંમેશાની જેમ હું સાચો ઠર્યો છું. પરંતુ ચીનને દુનિયાને બંધક બનાવવાની મંજૂરી આપી શકાય નહીં. ચીન સાથે છેલ્લા છ મહિનામાં અમારો વ્યવહાર ઘણો સારો હતો, જેનાથી ચીન આવું પગલું ભરશે તે વિશ્વાસ કરવો મુશ્કેલ છે, પરંતુ તેણે આ પગલું ભર્યું છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં આવું ક્યારેય થયું નથી અને અન્ય દેશો સાથેના વ્યવહારમાં આ નૈતિક અપમાન છે. 

આ સાથે ટ્રમ્પે આ મહિનાના અંતમાં દક્ષિણ કોરિયામાં એપીઈસીમાં ચીનના પ્રમુખ જિનપિંગ સાથે યોજાનારી બેઠક રદ કરવાના પણ સંકેત આપ્યા છે. ટ્રમ્પે કહ્યું કે, હું બે સપ્તાહમાં પ્રમુખ શી જિનપિંગને મળવાનો હતો, પરંતુ હવે કદાચ તેની જરૂર નહીં પડે. જોકે, પાછળથી તેમણે પત્રકારોને કહ્યું કે તેમણે સત્તાવાર રીતે આ બેઠક રદ કરી નથી, પરંતુ તેનું ભવિષ્ય અનિશ્ચિત થઈ ગયું છે. હું એપીઈસી માટે જઈશ, પરંતુ અમારી બેઠક થશે કે કેમ તેનો મને ખ્યાલ નથી. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here