અમેરિકાની સુપ્રીમ કોર્ટે પ્રમુખ ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફને ગેરકાયદે ઠેરવ્યા પછી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારે ધૂંધવાયા છે. ટ્રમ્પે દુનિયાના દેશો પર ૧૫ ટકા ગ્લોબલ ટેરિફ નાંખવાની જાહેરાત કર્યા પછી હવે વિવિધ કાયદા હેઠળ અલગ અલગ ટેરિફ નાંખવાની જાહેરાત કરી રહ્યા છે. આ શ્રેણીમાં ટ્રમ્પે બુધવારે ભારતમાંથી સોલાર પેનલોની આયાત પર પ્રારંભિક ૧૨૬ ટકા ટેરિફ નાંખવાની જાહેરાત કરી છે. આ સિવાય તેમણે ઈન્ડોનેશિયા પર ૮૬થી ૧૪૩ ટકા અને લાઓસ પર ૮૧ ટકા ટેરિફ નાંખવાની દરખાસ્ત કરી છે. આ સાથે પ્રમુખ ટ્રમ્પે ધમકી પણ આપી છે કે જે દેશોએ અત્યાર સુધી અમેરિકાને લૂંટયું છે તેવા દેશો હવે તેમને અબજો ડોલર આપી રહ્યા છે અને છતાં આ દેશો ખુશ છે. અમે આ દેશો સાથે સોદા કર્યા અને બધા સોદા પૂરા થઈ ગયા છે. અમેરિકા સાથે સોદો કરનારા દેશો જાણે છે કે સુપ્રીમના ચુકાદા છતાં પ્રમુખ તરીકે મારી પાસે જે સત્તા છે તેનાથી તેમને વધુ નુકસાન થઈ શકે છે.અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ મહિનાની શરૂઆતમાં ભારત સાથે વચગાળાના વેપાર કરારની જાહેરાત કરી હતી, જેના પર આગામી મહિને હસ્તાક્ષર થવાના હતા અને એપ્રિલથી તેનો અમલ શરૂ થવાનો હતો. પરંતુ અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફને ગેરકાયદે ઠેરવ્યા પછી હવે બંને દેશો વચ્ચે વેપાર સોદાની વાટાઘાટો અટવાઈ ગઈ છે. આ ઘટનાક્રમ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ભારતમાંથી આયાત થતી સોલાર પેનલો પર ૧૨૬ ટકા ટેરિફ નાંખીને ભારતને મોટો ફટકો આપ્યો છે.

અમેરિકન વાણિજ્ય વિભાગે કહ્યું કે, ભારતે તેના ઉત્પાદકોને ખોટી રીતે સબસિડી આપી છે, જેનાથી તેઓ સસ્તા ઉત્પાદનો વેચીને અમેરિકન કંપનીઓને નુકસાન પહોંચાડી રહ્યા હતા. એ જ રીતે ઈન્ડોનેશિયા પર ૮૬થી ૧૪૩ ટકા અને લાઓસ પર ૮૧ ટકા ડયુટીની પણ ટ્રમ્પે દરખાસ્ત કરી છે.કેટલાક અમેરિકન સોલાર ઉત્પાદકોએ આ માગ કરી હતી. આ મામલામાં અંતિમ નિર્ણય ૬ જુલાઈ સુધીમાં આવશે.
મીડિયા અહેવાલ મુજબ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતની સોલર કંપનીઓનો અમેરિકન બજારમાં પ્રવેશ મુશ્કેલ થઈ જશે. ૨૦૨૪માં ભારતે અમેરિકામાં ૭૯.૨૬ કરોડ ડોલર (અંદાજે રૂ. ૬,૫૦૦ કરોડ)ના સોલર ઉત્પાદનોની નિકાસ કરી હતી, જે ૨૦૨૨ની સરખામણીમાં ૯ ટકા વધુ હતી. ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકામાં પણ વિપરિત અસર થશે. તેનાથી અમેરિકામાં સોલાર પ્રોજેક્ટ બનાવતી કંપનીઓ અને સામાન્ય ગ્રાહકોનો ખર્ચ વધી શકે છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના રેસિપ્રોકલ ટેરિફને ગેરકાયદે ગણાવતા સુપ્રીમ કોર્ટના ચુકાદાની વધુ એક વખત આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, જે દેશો દાયકાઓથી આપણને લૂંટી રહ્યા હતા, તે હવે આપણને અબજો ડોલર આપી રહ્યા છે, છતાં આ દેશો હવે ખુશ છે અને આપણે પણ. અમે સોદા કર્યા છે. બધા જ સોદા પૂરા થઈ ગયા છે અને તેઓ ખુશ છે. અમેરિકામાં કોઈ મોંઘવારી નથી, જબરજસ્ત વિકાસ થયો અને સૌથી મોટી વાત એ હતી કે કેવી રીતે ડોનાલ્ડ ટ્રમ્પે અર્થતંત્રનું યોગ્ય આકલન કર્યું જ્યારે અર્થશાસ્ત્રમાં ૨૨ નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રીઓ ખોટા સાબિત થયા છે.
ટ્રમ્પે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ગેરકાયદે ઠરેલા રેસિપ્રોકલ ટેરિફ પછી દુનિયાના દેશો પર ૧૫ ટકા ગ્લોબલ ટેરિફ નાંખવાની જાહેરાત કરી હતી. હવે તેમણે કહ્યું કે, સુપ્રીમના ચુકાદા છતાં બધા જ દેશો અને કંપનીઓ અગાઉ કરાયેલા સોદાને જાળવી રાખવા માગે છે. કારણ કે તેઓ જાણે છે કે પ્રમુખ તરીકે મારી પાસે નવો સોદો કરવાની જે કાયદાકીય શક્તિ છે તે તેમના માટે વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

