WORLD : ટ્રમ્પે ગ્રીનલેન્ડ મુદ્દે ટેરિફને ‘હથિયાર’ બનાવતા યુરોપના દેશો ભડક્યા, કહ્યું- અમે ધમકીઓથી ડરતા નથી

0
7
meetarticle

 ગ્રીનલેન્ડ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓના કારણે અમેરિકા અને યુરોપ હવે ખૂલીને સામસામે આવી ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા એક મહિનાથી ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ધમકી આપી રહ્યા છે. જેનો ડેન્માર્ક વિરોધ કરે છે. વેનેઝુએલા પર બાદ તો ટ્રમ્પે ખૂલીને કહેવાનું શરૂ કર્યું કે હવે અમે ગ્રીનલેન્ડ કોઈ સંધિ અથવા લીઝ પર નહીં લઈએ, માલિક જ બનીશું. અંતે હવે તેમણે ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકાનો સાથ ન આપનારા દેશો પર વધારાનો 10 ટકા ટેરિફ ઝીંકવાનો આદેશ આપ્યો છે. જે બાદ યુરોપના દેશો કહી રહ્યા છે કે અમે આવી ધમકીઓથી ડરતા નથી. 

ડોનાલ્ડ ટ્રમ્પે કયા કયા દેશો પર ટેરિફ લગાવ્યો અને શું ધમકી આપી? ટ્રમ્પે શનિવારે જાહેરાત કરી કે પહેલી ફેબ્રુઆરીથી આઠ યુરોપિયન દેશોના સામાન પર અમેરિકામાં વધારાના 10 ટકા ટેરિફ લાગશે. કારણ કે તેઓ ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકાનો વિરોધ કરી રહ્યા છે. આ એ જ દેશો છે જે ગ્રીનલેન્ડમાં સૈન્ય અભ્યાસ કરી રહ્યા છે. આ આઠ દેશોમાં ડેન્માર્ક, નૉર્વે, સ્વીડન, ફ્રાંસ, જર્મની, યુકે, નેધરલેન્ડ અને ફિનલેન્ડ સામેલ છે. 

આટલું જ નહીં ટ્રમ્પે એમ પણ ધમકી આપી છે કે જો ગ્રીનલેન્ડની ખરીદીની ડીલ ન થઈ તો જૂન મહિનાથી આ દેશો પર વધારાના 25 ટકા ટેરિફ વસૂલાશે. 

અમેરિકા સામે એક થઈ રહ્યા છે યુરોપના દેશો, ફ્રાંસે કહ્યું- ધમકીથી ડરતા નથી

અમેરિકા પોતાની દરેક વાત મનાવવા માટે ટેરિફને હથિયાર બનાવી રહ્યું છે. એવામાં હવે યુરોપના દેશો ખૂલીને વિરોધ કરી રહ્યા છે. યુરોપિયન યુનિયનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન અને યુરોપિયન પરિષદના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટાએ કહ્યું છે કે ટેરિફના કારણે અમેરિકા અને યુરોપના સંબંધો નબળા થશે. યુરોપ પોતાનું સાર્વભૌમત્વ જાળવી રાખવા કટિબદ્ધ છે. 

ફ્રાંસમાં પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું છે કે, યુરોપ તથા દુનિયાના અન્ય દેશોના સાર્વભૌમત્વ તથા સ્વતંત્રતા માટે ફ્રાંસ કટિબદ્ધ છે. આ જ આધારે ફ્રાંસ યુક્રેનનું સમર્થન કરે છે તથા ડેન્માર્ક દ્વારા ગ્રીનલેન્ડમાં આયોજિત સૈન્ય અભ્યાસમાં સામેલ થયા. આર્ક્ટિક ક્ષેત્ર તથા યુરોપની સરહદોની સુરક્ષા દાવ પર છે. ફ્રાંસ કોઈની ધમકીઓથી ડરતુ નથી. અમે કોઈના દબાણમાં કામ નહીં કરીએ. પછી ભલે તે યુક્રેનનો મામલો હોય કે પછી ગ્રીનલેન્ડનો. ટેરિફની ધમકીઓ સંપૂર્ણપણે ખોટી છે. જો આ ધમકીઓ ખરેખર લાગુ થશે તો યુરોપના તમામ દેશો એક થઈને તેનો જવાબ આપશે. 

યુકેના PMએ પણ ટ્રમ્પને આપ્યો જવાબ 

યુકેના વડાપ્રધાન કીર સ્ટારમરે ટ્રમ્પને જવાબ આપતા કહ્યું છે કે, ગ્રીનલેન્ડ ડેન્માર્કનો હિસ્સો છે અને તેનું ભવિષ્ય કરવાની સત્તા ગ્રીનલેન્ડ અને ડેન્માર્કના લોકોના હાથમાં જ છે. નાટોના સહયોગી દેશો પર જ ટેરિફ લગાવવાનો નિર્ણય તદ્દન ખોટો છે. અમે આ મુદ્દો અમેરિકાની સરકાર સામે ઉઠાવીશું. 

સ્વીડને કહ્યું- યુરોપના દેશો એક થઈને અમેરિકાને જવાબ આપશે 

સ્વીડના વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસને પણ કહ્યું છે કે, સ્વીડન કોઈ પણ પ્રકારની બ્લેકમેલિંગ સ્વીકારશે નહીં. ડેન્માર્ક અને ગ્રીનલેન્ડના કોઈ પણ નિર્ણય લેવાનો અધિકાર માત્ર ત્યાંનાં લોકોનો જ છે. આ મુદ્દો માત્ર અમુક દેશોનો નહીં, સમગ્ર યુરોપનો મુદ્દો છે. અમે આ મુદ્દેએ નૉર્વે તથા બ્રિટેન સહિતના અન્ય દેશો સાથે મળીને ચર્ચા કરીશું અને સંયુક્ત જવાબ આપીશું. 

ટૂંકમાં સરળ શબ્દોમાં સમજો ગ્રીનલૅન્ડનો ઇતિહાસ (ટાઇમલાઇન) 

ઈ. સ. પૂર્વે 2500 

સાકાક સંસ્કૃતિના લોકો કેનેડાથી બરફ પર ચાલીને ગ્રીનલૅન્ડ આવ્યા 

ઈ. સ. 982 

આઇસલૅન્ડથી હાંકી કાઢવામાં આવેલા વાઇકિંગ એરિકે અહીં વસવાટ કર્યો અને ગ્રીનલૅન્ડ નામ આપ્યું 

ઈ. સ. 1000 

એરિકના પુત્ર લીફ એરિક્સે અહીં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો 

ઈ. સ. 1450

રહસ્યમય રીતે વાઇકિંગ્સ ગ્રીનલૅન્ડ છોડી ગયા અથવા મૃત્યુ પામ્યા (દુષ્કાળ અને હિમયુગ) 

1721 

મિશનરી હંસ એગેડે ફરી ગ્રીનલૅન્ડ શોધ્યું અને અહીં ડેન્માર્ક-નૉર્વેની કોલોની સ્થપાઈ 

19401-45 (બીજું વિશ્વયુદ્ધ  

જર્મનીએ ડેન્માર્ક પર કબજો કર્યો અને અમેરિકાએ ગ્રીનલૅન્ડની રક્ષા કરી 

1953 

ડેન્માર્કે ગ્રીનલૅન્ડને કોલોનીને બદલે એક પ્રોવિન્સ એટલે કે પ્રાંતનો દરજ્જો આપ્યો 

1979 

ગ્રીનલૅન્ડને પોતાની જુદી સંસદ અને આંતરિક સરકારની સ્વતંત્રતા મળી 

1985 

ગ્રીનલૅન્ડ યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળ્યું

2009

ગ્રીનલૅન્ડને કુદરતી સંપત્તિ, ન્યાયતંત્ર વગેરેની વધુ સત્તા મળી 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here