અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય તણાવ અને યુદ્ધની ધમકીઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે એક ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) માં ઈરાનને એક અત્યંત મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક પદ માટે પસંદ કરવામાં આવ્યું છે, જેના કારણે અમેરિકા અને ઈઝરાયેલમાં રોષ જોવા મળી રહ્યો છે.

UNમાં ઈરાનને મળી મોટી જવાબદારી
એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનને પરમાણુ કાર્યક્રમ મુદ્દે 10 દિવસનું અલ્ટીમેટમ આપી રહ્યા છે, તો બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનને ‘યુનાઈટેડ નેશન્સ સ્પેશિયલ કમિટી ઓન ધ ચાર્ટર’ ના વાઇસ-ચેર (ઉપાધ્યક્ષ) તરીકે ચૂંટવામાં આવ્યું છે. 18 ફેબ્રુઆરી 2026 ના રોજ ન્યૂયોર્કમાં UN હેડક્વાર્ટર ખાતે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કમિટીનું મુખ્ય કામ આંતરરાષ્ટ્રીય શાંતિ જાળવવી અને દેશો વચ્ચેના વિવાદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાનું છે.
કમિટીની ભૂમિકા અને મહત્વ
વર્ષ 1974 માં સ્થપાયેલી આ સ્પેશિયલ કમિટી UN ચાર્ટરના મૂળભૂત સિદ્ધાંતોને મજબૂત કરવા માટે સીધી રીતે કાર્ય કરે છે. તેની જવાબદારીઓમાં આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરાવવું અને વૈશ્વિક સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓ પર દેખરેખ રાખવાનો સમાવેશ થાય છે. ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સીએ જણાવ્યું છે કે, જ્યારે કેટલાક સભ્યો એકતરફી વલણ અપનાવીને UN ના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરી રહ્યા છે, ત્યારે આ કમિટીમાં ઈરાનની ભૂમિકા વધુ મહત્વની બની જાય છે.
અમેરિકા અને ઈઝરાયેલનો ઉગ્ર વિરોધ
ઈરાનની આ નિમણૂકથી ઈઝરાયેલ લાલઘૂમ થયું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાયેલના એમ્બેસેડર ડેની ડેનને આ નિર્ણયને “નૈતિક રીતે વાહિયાત” ગણાવ્યો છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, જે સરકાર પોતે UN ના પાયાના સિદ્ધાંતો તોડે છે, તે તેને મજબૂત કરવાની નેતૃત્વની સ્થિતિમાં કેવી રીતે બેસી શકે? ઉલ્લેખનીય છે કે, ઈરાને કોઈપણ ઔપચારિક મતદાન વગર સર્વસંમતિથી આ પદ હાંસલ કર્યું છે, જે અમેરિકા માટે રાજદ્વારી સ્તરે મોટો ફટકો માનવામાં આવે છે.

