અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દરમિયાન તેમના અધ્યક્ષપદે ઔપચારિક રીતે ‘બોર્ડ ઓફ પીસ’નું પહેલું ચાર્ટર લોન્ચ કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્રની જેમ જ બનાવાયેલા વૈશ્વિક સંગઠન ‘બોર્ડ ઓફ પીસ’ શરૂઆતમાં ગાઝા પર ફોકસ કરશે અને ત્યાર બાદ દુનિયાના અન્ય વિવાદો ઉકેલવા માટે તેનો વિસ્તાર થઈ શકે છે. આ જાહેરાત સમયે પાકિસ્તાન સહિત નવ મુસ્લિમ દેશો સાથે ૨૦ જેટલા દેશો ‘બોર્ડ ઓફ પીસ’માં જોડાવા તૈયાર થયા હતા. આ સમયે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સરખામણી સરમુખત્યાર સાથે કરી અને કહ્યું કે, દુનિયાને ક્યારેક તાનાશાહની જરૂર હોય છે.

દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ટ્રમ્પે પોતાની સરખામણી સરમુખત્યાર સાથે કરી હતી. પોતાની જ પ્રશંસા કરતા ટ્રમ્પે કહ્યું કે, મારું ભાષણ સારું રહ્યું અને તેને સારી સમીક્ષા મળી. મને આ બાબતનો વિશ્વાસ નથી થઈ રહ્યો. સામાન્ય રીતે મને એક ભયાનક તાનાશાહ કહેવાય છે. હા, હું એક સરમુખત્યાર છું, પરંતુ ક્યારેક દુનિયાને તાનાશાહની જરૂર હોય છે. પોતાના નિર્ણયો અંગે ટ્રમ્પે કહ્યું કે, તે વિચારધારા કરતાં વધુ વ્યવહારિક્તા પર આધારિત છે. આ બધું કોમન સેન્સ પર આધારિત છે. અહીં રૂઢીવાદી અથવા ઉદાર થવા જેવું કશું નથી. તે મોટાભાગે ૯૫ ટકા કોમનસેન્સ પર આધારિત છે અને મારી પાસે તે જ છે.
દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમની સાથે ટ્રમ્પે ‘બોર્ડ ઓફ પીસ’ની રચનાની પણ જાહેરાત કરી હતી. મધ્ય-પૂર્વમાં ગાઝામાં શાંતિની સ્થાપના, ગાઝાના પુનર્ગઠન માટે ‘પીસ બોર્ડ’ બનાવવાની કલ્પનાને આગળ વધારતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્રની જેમ ‘પીસ બોર્ડ’ નામનું નવું સંગઠનન બનાવવાની જાહેરાત કરી હતી અને દુનિયાના દેશોને તેમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું. આ કલ્પનાને સાર્થક કરતા પ્રમુખ ટ્રમ્પે સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમની બેઠકો દરમિયાન ઔપચારિક રીતે ‘બોર્ડ ઓફ પીસ’ના પહેલા ચાર્ટરની જાહેરાત કરી હતી.
પીસ બોર્ડની જાહેરાત કરતા પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, ગાઝા યુદ્ધવિરામ ડીલ હેઠળ હમાસે હથિયાર છોડવા પડશે નહીં તો પેલેસ્ટાઈન આંદોલનનો અંત આવશે. ઈસ્લામિક જૂથ હાથમાં રાઈફલ લઈને પેદા થયા હતા. સાથે તેમણે ઉમેર્યું કે, પીસ બોર્ડ સંપૂર્ણપણે બની જશે પછી આપણે જે ઈચ્છીશું તે બધું જ કરી શકીશું. આ બોર્ડ સંયુક્ત રાષ્ટ્ર સાથે મળીને કામ કરશે.
ટ્રમ્પે ફરી એક વખત ભારત અને પાકિસ્તાનના સંઘર્ષનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, છેલ્લા કેટલાક સમયમાં મેં ૮ યુદ્ધો રોક્યા. એક યુદ્ધ તો પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ જાય તેવી આશંકા હતી. ટ્રમ્પે આ રીતે આડકતરી રીતે ભારત-પાકિસ્તાન સંઘર્ષનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો હતો.
પ્રમુખ ટ્રમ્પે જાહેર કરેલું બોર્ડ ઓફ પીસ શરૂઆતમાં ગાઝામાં શાંતિ અને સ્થિરતા પર ધ્યાન કેન્દ્રીત કરશે. ત્યાર બાદ આ સંગઠન આખી દુનિયામાં વિવાદાસ્પદ મુદ્દાઓનો ઉકેલ લાવશે. ટ્રમ્પે બનાવેલા આ નવા સંગઠનમાં પાકિસ્તાન સહિત અનેક દેશો સભ્ય બનવા માટે તૈયાર થયા છે. આ દેશોમાં મધ્ય-પૂર્વના સાઉદી અરબ, કતાર, ઈન્ડોનેશિયા સહિત નવ મુસ્લિમ દેશોનો સમાવેશ થાય છે. આ પીસ બોર્ડમાં કાયમી સભ્ય બનવા માટે ૧ અબજ ડોલરની ફી ચૂકવવાની છે અને આ ફી ચૂકવવા પાકિસ્તાન પણ તૈયાર થઈ ગયું છે. ટ્રમ્પે પીસ બોર્ડની જાહેરાત કરી ત્યારે દુનિયાના ૨૦ જેટલા દેશોના પ્રમુખો, વડાપ્રધાન અને ટોચના ડિપ્લોમેટ હાજર હતા.
દાવોસમાં બોર્ડ ઓફ પીસમાં સભ્ય તરીકે જોડાવા માટે હસ્તાક્ષર સમારંભમાં મંચ પર અનેક દેશોના પ્રમુખોએ દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફષ આર્જેન્ટિનાના પ્રમુખ ઝેવિયર માઈલી, ઈન્ડોનેશિયાના પ્રમુખ પ્રબોવો સુબિયાંતો, પેરાગ્વેના કન્ઝર્વેટિવ પ્રમુખ સેંટિયાગો પેના, ઉઝબેકિસ્તાનના પ્રમુખ શૌકત મિર્ઝિયોયેવનો સમાવેશ થાય છે. ત્યાર બાદ વ્હાઈટ હાઉસનાં પ્રેસ સચીવ કેરોલિના લેવિટ્ટે જણાવ્યું કે, બોર્ડ ઓફ પીસનું ચાર્ટર લાગુ થઈ ગયું છે અને આ એક આંતરરાષ્ટ્રીય સંગઠન બની ગયું છે.
ટ્રમ્પના પીસ બોર્ડથી ભારતે અંતર જાળવ્યું
પીસ બોર્ડમાં પાકિસ્તાન સહિત દુનિયાના 20 દેશો જોડાઈ ગયા
- ફ્રાન્સ, બ્રિટન, નોર્વે, સ્વીડન, સ્લોવેનિયાનો ટ્રમ્પના પીસ બોર્ડમાં જોડાવા ધરાર ઈનકાર
દાવોસ : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સ્થાપિત નવા વૈશ્વિક સંગઠન ‘બોર્ડ ઓફ પીસ’માં પાકિસ્તાન સહિત દુનિયાના ૨૦ દેશો જોડાયા છે. ટ્રમ્પે દાવોસમાં ગુરુવારે ‘બોર્ડ ઓફ પીસ’ની જાહેરાત કરી ત્યારે અનેક દેશોના વડાઓએ તેમાં જોડાવા માટે હસ્તાક્ષર કર્યા હતા જ્યારે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા સમિતિના ટોચના પાંચ સભ્ય દેશોમાંથી અમેરિકા સિવાય કોઈ દેશ આ બોર્ડમાં જોડાવા તૈયાર નથી. ભારતે પણ ટ્રમ્પના પીસ બોર્ડથી અંતર જાળવ્યું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના અધ્યક્ષપદે ‘બોર્ડ ઓફ પીસ’ની રચનાની જાહેરાત કરી દીધી છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે આ નવા સંગઠનમાં જોડાવા માટે અનેક દેશો તૈયાર છે. દુનિયાના ૨૦ દેશો ટ્રમ્પના નવા સંગઠનમાં સામેલ થઈ ગયા છે. આ દશોમાં આર્જેન્ટિના, અલ્બેનિયા, આર્મેનિયા, અઝરબૈજાન, બહરૈન, બેલારુસ, બલ્ગેરિયા, ઈજિપ્ત, હંગેરી, ઈન્ડોનેશિયા, જોર્ડન, કઝાખસ્તાન, કોસોવો, મોરોક્કો, મોંગોલિયા, પાકિસ્તાન, કતાર, સાઉદી અરબ, તૂર્કી, સંયુક્ત આરબ અમિરાત, ઉઝબેકિસ્તાન, વિયેતનામનો સમાવેશ થાય છે.
જોકે, ટ્રમ્પના આ નવા સંગઠનમાં જોડાવા માટે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા સમિતિના મુખ્ય પાંચ સભ્ય દેશોમાંથી ફ્રાન્સ અને બ્રિટન સહિત નોર્વે, સ્લોવેનિયા, સ્વીડને ધરાર ઈનકાર કરી દીધો છે. તેમણે ટ્રમ્પના આ નવા સંગઠનથી સંયુક્ત રાષ્ટ્ર સંઘનું મહત્વ ઘટી જશે તેવી આશંકા વ્યક્ત કરી છે. વધુમાં ચીન, રશિયા, ભારત, કંબોડિયા, ક્રોએશિયા, સાયપ્રસ, ગ્રીસ, જર્મની, ઈટાલી, યુરોપીયન યુનીયન, પેરાગ્વે, સિંગાપોર, થાઈલેન્ડ અને યુક્રેન જેવા દેશોએ આ સંગઠનમાં જોડાવા ટ્રમ્પનું આમંત્રણ મળ્યું હોવાનું સ્વિકાર્યું છે, પરંતુ તેમાં જોડાવા અંગે હાલ કોઈ જાહેરાત કરી નથી. રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને ટ્રમ્પના પીસ ઓફ બોર્ડમાં જોડાવા અને એક અબજ ડોલરની ફી ભરવા પણ તૈયારી દર્શાવી. જોકે, પુતિને કહ્યું કે, ગાઝાના પુનર્ગઠન માટે અમેરિકા દ્વારા ફ્રીઝ કરાયેલા તેના ભંડોળમાંથી પોતે એક અબજ ડોલરની ફી ભરવા તૈયાર છે અને બાકીનું ભંડોળ પોતે પાછું મેળવશે.

