બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર ઓક્ટોબરમાં ભારતના પ્રવાસે આવી શકે છે. પીએમ સ્ટારમરનો આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે બંને દેશો પોતાના આર્થિક સંબંધો સુધારવા પર ભાર મૂકી રહ્યા છે. લગભગ બે મહિના પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુકે-ભારત ફ્રી ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કરવા માટે બ્રિટનનો પ્રવાસ કર્યો હતો.

UKના PM ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં હાજરી આપી શકે
એક અહેવાલ પ્રમાણે 7 થી 9 ઓક્ટોબર દરમિયાન મુંબઈમાં યોજાનારા ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (GFF)માં પીએમ સ્ટારમર હાજરી આપી શકે છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી અને પીએમ સ્ટારમર વચ્ચે શિખર વાટાઘાટો થશે. લંડન અને નવી દિલ્હી વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ પર પણ વાત ચાલી રહી છે. જો કે, આ વેપાર કરાર હજુ પણ યુકેમાં બહાલી પ્રક્રિયા (Ratification Process) માંથી પસાર થઈ રહ્યો છે અને તે 2026માં જ અમલમાં આવવાની અપેક્ષા છે.
અમેરિકાનો ભારત પર ટેરિફ બોમ્બ
જુલાઈના છેલ્લા અઠવાડિયામાં બંને નેતાઓની મુલાકાત બાદ ઘણું બધું બદલાઈ ગયું છે. ખાસ કરીને વેપાર જગતમાં. જુલાઈમાં જ ટ્રેડ ડીલ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય વસ્તુઓ પર 25% ટેરિફ લગાવી દીધો હતો. પરંતુ જ્યારે અમેરિકાએ ભારત દ્વારા રશિયન તેલની ખરીદી પર 25% વધારાનો ટેરિફ લગાવ્યો ત્યારે બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો, જેનાથી કુલ ટેરિફ 50% થઈ ગયો.
ડોનાલ્ડ ટ્રમ્પના રાજકીય પ્રવાસની યજમાની
જોકે, બીજી તરફ બ્રિટને તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પના રાજકીય પ્રવાસની પણ યજમાની કરી હતી. જ્યાં તેમણે ટેકનોલોજી અને પરમાણુ ઉર્જા કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. યુરોપિયન યુનિયને જણાવ્યું છે કે, અમે ભારત સાથે સંબંધો સુધારવા માગીએ છીએ, પરંતુ તેણે રશિયા સાથે લશ્કરી અભ્યાસ અને તેની પાસે તેલ ખરીદવા પર ચિંતા વ્યક્ત કરી છે.

