WORLD : બરફનું અભૂતપૂર્વ તોફાન : અડધું અમેરિકા બાનમાં

0
18
meetarticle

દુનિયામાં પોતાની જોહુકમી ચલાવતું અમેરિકા કુદરતના કેર સામે લાચાર છે. મધ્ય અમેરિકામાં શુક્રવારથી જ બરફીલો ઠંડો પવન ફુંકાવાનું અને ઉત્તર-પશ્ચિમી ટેક્સાસથી ઓક્લાહોમા સિટી સુધીના વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ ગયા છે. વધુમાં ‘વિન્ટર સ્ટોર્મ ફર્ન’ શનિવાર અને રવિવારે અડધાથી વધુ અમેરિકા પર ત્રાટકવાની આશંકા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વિન્ટર સ્ટોર્મ ઓક્લાહોમા સિટીથી લઈને ન્યૂયોર્ક, બોસ્ટન સુધી ૨૩૦૦ માઈલ વિસ્તારમાં ફેલાઈ શકે છે, જેને પગલે ૧૭ રાજ્યોએ ઈમરજન્સી જાહેર કરી છે તથા ૨૩ કરોડથી વધુ લોકો તેની ઝપેટમાં આવી શકે છે. બરફના તોફાનના જોખમના પગલે ૯૫૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરી દેવાઈ છે.અમેરિકાના હવામાન વિભાગના અંદાજ મુજબ બરફીલું તોફાન માત્ર પર્વતીય પ્રદેશો નહીં પરંતુ મેદાની વિસ્તારોમાંથી પણ પસાર થઈ શકે છે. નેશનલ વેધર સર્વિસે પૂર્વીય ટેક્સાસથી ઉત્તરીય કેરોલીના સુધી બરફના થર જામી શકે છે. આ તોફાનથી પડનારો બરફ અને હિમપ્રપાત ટેક્સાસથી લઈને ન્યૂ ઈંગ્લેન્ડ સુધી ૨,૩૦૦થી વધુ માઈલના ક્ષેત્રમાં ફેલાઈ શકે છે, જેને પગલે આખા દેશમાં ઠંડા પવન ફૂંકાશે. બરફના તોફાનના કારણે ૯૫૦૦ ફ્લાઈટ્સ રદ કરી દેવાઈ છે, જેના કારણે હજારો પ્રવાસીઓના કાર્યક્રમો ખોરવાઈ ગયા છે. ફ્લાઈટ અવેરના આંકડા મુજબ શનિવારે કુલ ૩૫૮૧ ફ્લાઈટ્સ જ્યારે રવિવારે ૬,૧૫૦ ફ્લાઈટ્સ રદ કરી દેવાઈ છે.

બરફના તોફાન વચ્ચે શનિવારે સવારે વીજળી ગુલ થઈ જતાં હીટર બંધ થઈ જવાથી ૬૭,૦૦૦થી વધુ અમેરિકનોએ હાડગાળતી ઠંડીમાં મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડયો હતો. બરફના તોફાનનો સામનો કરવા માટે ફેમાએ લગભગ ૩૦ સર્ચ અને રેસ્ક્યુ ટીમને એલર્ટ પર રાખી છે. ઉપરાંત તોફાનગ્રસ્ત વિસ્તારોમાં ૭૦ લાખથી વધુ ભોજન પેકેટ, ૬ લાખ ધાબલા અને ૩૦૦ જનરેટર પહોંચાડાયા છે.

કપરા સમયમાં નેચરલ ગેસના ભાવમાં જબરજસ્ત ઉછાળો આવ્યો

હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે આ સપ્તાહના અંતે થનારી હિમવર્ષા ૧૯૯૩ના સુપરસ્ટોર્મ પછી અમેરિકાની સૌથી મોટી અને ખતરનાક ઘટનાઓમાંથી એક હોઈ શકે છે. અનેક સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીઓ પહેલાથી જ બંધ કરી દેવાઈ છે. ટેક્સાસમાં સ્થિતિ સૌથી નાજુક હોવાનું જણાવાઈ રહ્યું છે, જ્યાં લગભગ પાંચ વર્ષ પહેલા આવેલી જીવલેણ ઠંડી જેવી સ્થિતિ બનવાનું જોખમ છે. આવા સમયે નેચરલ ગેસના ભાવમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે, જે સ્થિતિની ગંભીરતાને વધુ ડરામણી બનાવે છે.

બરફનું તોફાન દક્ષિણથી ઉત્તર-પૂર્વ તરફ આગળ વધી શકે

ટેક્સાસના કેટલાક ભાગ અને ઓક્લાહોમામાં શુક્રવાર રાતથી જ થીજાવી દેતો વરસાદ અને ઝરમર બરફ પડવાનું શરૂ થઈ ગયું હતું. દક્ષિણમાં ભારે વિનાશ વેર્યા પછી બરફનું તોફાન ઉત્તર-પૂર્વ તરફ આગળ વધી શકે છે. આ સિવાય દક્ષિણી મેદાનો, મિસિસિપી ખીણ, ટેનેસી ખીણ અને દક્ષિણ-પૂર્વમાં વ્યાપકરૂપે હિમવર્ષા અને કરાં પડવાની આશંકા છે.

તોફાનના ડરથી લોકોએ સપ્તાહોનું કરિયાણું ભરી લીધું

અમેરિકાના અનેક વિસ્તારોમાં ખૂબ જ મોટી સંખ્યામાં બરફ જામી શકે છે અને તેથી લાંબા સમય માટે વીજળી ગુલ થવાની પણ શક્યતા છે. ઉપરાંત રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થવાની આશંકા છે. લોકોએ તોફાનના ડરથી કરિયાણાની દુકાનો બહાર લાંબી લાઈનો લગાવી છે. અનેક સ્ટોર્સમાં કેટલાક કલાકોમાં જ સામાન ખૂટી પડયો હતો. આ તોફાનના કારણે અમેરિકાની અડધાથી વધુ વસતીએ શૂન્યથી નીચેના તાપમાનનો સામનો કરવો પડી શકે છે.

ફેડરલ સરકાર તોફાનનો સામનો કરવા તૈયાર : પ્રમુખ ટ્રમ્પ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, અમેરિકામાં આ શનિવાર અને રવિવારે રેકોર્ડ કોલ્ડ વેવ અને અસાધારણ બરફના તોફાન અંગે મને માહિતી અપાઈ છે. ટ્રમ્પ સરકાર રાજ્યો અને સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન કરી રહી છે. ફેમા આ તોફાનનો સામનો કરવા માટે તૈયાર છે. તેમણે લોકોને સુરક્ષિત અને સલામત રહેવા સલાહ પણ આપી હતી.

પોલાર વોર્ટેક્સની ઠંડી હવાઓ બરફના તોફાન સાથે મિક્સ થઈ

બરફના તોફાન સાથે પોલાર વોર્ટેક્સની ઠંડી હવાઓ પણ મિક્સ થઈ શકે છે, એટલે કે બમણા વિનાશની આશંકા છે. કેટલાક વિસ્તારમાં એક સપ્તાહ સુધી અતિશય ઠંડી અને ખતરનાક રીતે પવન ફૂંકાવાની આશંકા છે. અપર મીડવેસ્ટના કેટલાક ભાગમાં પહેલાથી જ ઠંડો પવન અનુભવાઈ રહ્યો છે. શિકાગો અને મીડવેસ્ટના વિસ્તારોમાં તાપમાન માઈનસ ૩૬થી માઈનસ ૪૮ ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે જવાની શક્યતા છે.

માણસને ખુલ્લામાં પાંચ-10 મિનિટમાં ફ્રોસ્ટબાઈટનું જોખમ

આ અસાધારણ ઠંડી પાંચથી ૧૦ મિનિટોમાં જ ફ્રોસ્ટબાઈટનું કારણ બની શકે છે. ફ્રોસ્ટબાઈટની ઝપેટમાં આવનારા માણસના શરીરનો ભાગ કાળો પડી શકે છે. સ્થિતિ એટલી ખરાબ બની શકે છે કે સરકારે લોકોને ઘરોમાં જ રહેવાની સલાહ આપી છે અને જરૂર ન હોય તો પાંચથી સાત મિનિટથી વધુ બહાર ખુલ્લામાં નહીં રહેવા ચેતવણી આપી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here