મહિનાઓ સુધી વાટાઘાટો બાદ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થઈ છે. અમેરિકાએ ભારત પરનો ટૅરિફ 50 ટકાથી ઘટાડીને 18 ટકા કર્યો છે. ટ્રેડ ડીલની જાહેરાત સમયે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારતે અમેરિકાને ખાતરી આપી છે કે તે હવે રશિયા પાસેથી ઓઇલ નહીં ખરીદે. આ મામલે હવે રશિયાએ મોટું નિવેદન આપ્યું છે.

ભારત અમારી પાસેથી ઓઇલ નહીં ખરીદે તેવું કોઈ નિવેદન નથી આપ્યું: રશિયા
મંગળવારે રશિયાના રાષ્ટ્રપ્રમુખના કાર્યાલય ક્રેમલિન દ્વારા ઓઇલ મુદ્દે મોટું નિવેદન આપવામાં આવ્યું. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું છે કે, ભારતે હજુ સુધી અમને એવી કોઈ સત્તાવાર જાણકારી નથી કે હવે તેઓ રશિયાથી ઓઇલ ખરીદવાનું બંધ કરી દેશે.
PM મોદી સાથે ટેલિફોનિક વાતચીત બાદ ટ્રમ્પે કહ્યું- ભારત રશિયાથી ઓઇલ નહીં ખરીદે
ગઇકાલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેલિફોનિક વાતચીત કરી. જે બાદ બંને નેતાઓએ સોશિયલ મીડિયા પર ટ્રેડ ડીલ અંગે જાહેરાત કરી. જોકે આ જાહેરાતમાં ડોનાલ્ડ ટ્રમ્પે 2 એવી જાહેરાત કરી છે જેને લઈને ચિંતા વધી હતી. આ મામલે ભારત સરકારે હજુ સુધી કોઈ સ્પષ્ટતા આપી નથી. અમેરિકાએ ભારત પરનો ટૅરિફ ઘટાડીને 18 ટકા કર્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે ભારત હવે રશિયાથી ઓઇલ ખરીદવાનું બંધ કરી દેશે. જેથી યુક્રેન યુદ્ધ રોકવામાં મદદ મળશે. આ સિવાય તેમણે બીજો એક દાવો એવો પણ કર્યો કે ભારતમાં અમેરિકાની પ્રોડક્ટ્સ પર ટૅરિફમાં ધરખમ ઘટાડો કરાશે. એનર્જી, ટેકનિક, કૃષિ સહિતના સેક્ટરમાં અમેરિકાની વસ્તુઓ માટે ભારતના માર્કેટના દરવાજા ખોલવામાં આવશે. ટ્રમ્પનો દાવો છે કે અમેરિકાની 500 અબજ ડૉલરની વસ્તુઓ ભારતમાં વેચાશે.
જોકે PM મોદીના નિવેદનમાં ક્યાંય રશિયાના ઓઇલ કે કૃષિ પ્રોડક્ટ્સના ઉલ્લેખ નહીં
ટ્રેડ ડીલ અંગે ટ્રમ્પની સાથે વડાપ્રધાન મોદીએ પણ ટ્વિટ કરીને જાહેરાત કરી હતી. જોકે તેમણે તેમના નિવેદનમાં ક્યાંય ભારત રશિયાથી ઓઇલ નહીં ખરીદે તેવી કોઈ પુષ્ટિ કરી નથી. કૃષિ પ્રોડક્ટ્સને લઈને પણ તેમણે કોઈ પુષ્ટિ નથી કરી.

