રશિયા અને ભારત વચ્ચે એક ખાસ અને મોટી ડિફેન્સ ડીલ થવા જઈ રહી છે. રશિયાની સંસદના બંને ગૃહ સ્ટેટ ડ્યૂમા (નીચલા ગૃહ) અને ફેડરેશન કાઉન્સિલ(ઉપલા ગૃહ) માં આ ડીલ સંબંધિત બિલ પસાર થઇ ગયું છે અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને પણ આ બિલ પર હસ્તાક્ષર કરીને કાયદા તરીકે મંજૂરી આપી દીધી છે. આ ડીલ હેઠળ ભારત અને રશિયા વચ્ચે સૈન્ય દળ, યુદ્ધ જહાજો અને ફાઇટર જેટ્સની એકબીજાના સૈન્ય અડ્ડાઓ પર તહેનાતી અને તેમને લોજિસ્ટિક (જરૂરિયાતનો માલસામાન) પહોંચાડવામાં આવશે.

રશિયન કેબિનેટના જણાવ્યા મુજબ, આ કરારથી બંને દેશના યુદ્ધ જહાજોને એકબીજાના પોર્ટ પર રોકાવાની અને હવાઇ ક્ષેત્રના ઉપયોગ કરવાની સુવિધા મળશે. જેનાથી બંને દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ, સૈન્ય તાલીમ કાર્યક્રમ, કુદરતી આપત્તિના સમયે માનવતાવાદી સહાય અને પરસ્પર સહમતિથી યુદ્ધ તેમજ અન્ય પરિસ્થિતિઓમાં પણ ઉપયોગ કરી શકાશે.

