મધ્ય-પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ હવે ભયાનક વળાંક લઈ રહ્યું છે. ઈઝરાયલ અને અમેરિકાના હુમલા બાદ હવે ઈરાન સાથે સીધી જંગ શરૂ થઈ ગઈ છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સીસ (IDF) એ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે તેમની વાયુસેનાએ ઈરાનની રાજધાની તેહરાન અને લેબેનોનની રાજધાની બૈરુત પર એકસાથે મોટા પાયે હુમલા શરૂ કર્યા છે. IDF એ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, આ ઓપરેશન ઈરાની શાસન અને હિઝબુલ્લાહ આતંકી સંગઠનના સૈન્ય ઠેકાણાઓ તેમજ કમાન્ડ સેન્ટરોને નષ્ટ કરવા માટે કરવામાં આવી રહ્યું છે.

IRGCના 5 સભ્યોના મોત અને તેહરાનમાં તબાહી
અહેવાલો અનુસાર, તેહરાન પર કરવામાં આવેલી એર સ્ટ્રાઈકમાં ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ(IRGC)ના 5 સભ્યો માર્યા ગયા છે. ઈઝરાયલની આ વ્યૂહનીતિ હેઠળ બૈરુતના દક્ષિણી વિસ્તારો અને ડઝનબંધ ગામોમાં લોકોને પહેલાથી જ વિસ્તાર ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી હતી. નેતન્યાહૂ સરકારના આ આક્રમક વલણને કારણે સમગ્ર મધ્ય-પૂર્વમાં સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની ગઈ છે અને ગમે ત્યારે મોટું યુદ્ધ થઈ શકે છે.
અમેરિકાએ તેના રાજદ્વારીઓને પરત બોલાવ્યા
બગડતી સુરક્ષા સ્થિતિને જોતા અમેરિકાએ પણ સતર્કતા વધારી દીધી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા બહેરીન, ઈરાક અને જોર્ડન સ્થિત પોતાની પોસ્ટ પરથી બિન-જરૂરી સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારોને તાત્કાલિક હટી જવાના આદેશ આપવામાં આવ્યા છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના આ સંઘર્ષની અસર હવે પડોશી દેશો પર પણ જોવા મળી રહી છે, જેને પગલે અમેરિકાએ સુરક્ષાના કારણોસર આ મોટો નિર્ણય લીધો છે.

