ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર કરેલા હુમલા બાદ મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે. ઈરાન ઈઝરાયલની સાથે સાથે અમેરિકાના મિત્ર રાષ્ટ્રો ગણાતા ગલ્ફ દેશો પર હુમલા કરી રહ્યું છે. સૈન્ય ઠેકાણાની સાથે સાથે ઓઈલ અને ગેસના પ્લાન્ટ પર પણ હુમલા થઈ રહ્યા છે. એવામાં ભારતના પડોશી દેશ શ્રીલંકાના પ્રમુખે મોટું નિવેદન આપ્યું છે.

અમેરિકાએ બે વખત ફાઈટર જેટ ઉતારવા મંજૂરી માંગી છતાં શ્રીલંકાનો ઈનકાર
શ્રીલંકાના પ્રમુખનો દાવો છે કે અમેરિકાએ બે વખત પોતાના ફાઈટર જેટ ત્યાં લેન્ડ કરવાની મંજૂરી માંગી હતી, જોકે તેમણે સ્પષ્ટ ઈનકાર કરી દીધો. પ્રમુખ અનુરા કુમારા દિસનાયકેએ શુક્રવારે સંસદમાં આ વાતની જાહેરાત કરી. દિસનાયકેએ કહ્યું કે, જિબૂતીથી અમેરિકાના બે યુદ્ધ વિમાનોએ 4 અને 8 માર્ચના રોજ શ્રીલંકાના એરપોર્ટ પર લેન્ડ કરવાની મંજૂરી માંગી હતી, પરંતુ અમેરિકાના આ બંને અનુરોધનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. શ્રીલંકાના પ્રમુખે કહ્યું, અનેક દબાણો હોવા છતાં અમે અમારી તટસ્થતા જાળવી રાખવા માંગીએ છીએ. અમે ઝૂકીશું નહીં. મિડલ ઈસ્ટનું યુદ્ધ પડકારો ઉભા કરે છે, પરંતુ તટસ્થ રહેવા માટે અમે દરેક શક્ય પ્રયાસ કરીશું.
તેમણે વધુમાં કહ્યું કે, અમેરિકા જિબૂતીના એક બેઝ પરથી આઠ એન્ટી-શિપ મિસાઈલોથી સજ્જ બે ફાઈટર જેટ મટ્ટલા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લાવવા માંગતુ હતું. અમે સાફ ઈનકાર કરી દીધો.
શ્રીલંકાએ ઈરાનના એક યુદ્ધ જહાજને આશરો આપ્યો હતો
નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ જ 4 માર્ચ 2026ના રોજ અમેરિકાની સબમરીને શ્રીલંકાના દક્ષિણ કિનારાથી લગભગ 80 કિમી દૂર આંતરરાષ્ટ્રીય જળસીમામાં ઈરાનના યુદ્ધ જહાજ IRIS Dena પર હુમલો કર્યો હતો. આ હુમલામાં જહાજ ડૂબી ગયું હતું. તથા ઓછામાં ઓછા 87 નૌસૈનિકો માર્યા ગયા હતા, ઘણા ગુમ થયા હતા. આ દરમિયાન શ્રીલંકાએ ઈરાનના જહાજ તરફથી મળેલા ડિસ્ટ્રેસ સિગ્નલ પર તાત્કાલિક પ્રતિક્રિયા આપી હતી. શ્રીલંકાની નૌસેના અને વાયુસેનાએ મોટા પાયે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન શ્રીલંકાએ 87 મૃતદેહો બહાર કાઢ્યા અને 32 ઘાયલ નૌસૈનિકોને બચાવીને સારવાર અપાવી હતી. શ્રીલંકાએ સૈનિકોના મૃતદેહોને સન્માનપૂર્વક ઈરાન મોકલ્યા હતા.
હુમલાના એક દિવસ બાદ અન્ય એક જહાજ IRIS Bushehrએ ટેકનિકલ ખામી સર્જાતાં શ્રીલંકા પાસે મદદ માંગી હતી. શ્રીલંકાએ માનવીય ધોરણે તેને મંજૂરી આપી હતી.

