તાજેતરમાં પોલૅન્ડના આકાશમાં રશિયન ડ્રોન ઉડતાં ખળભળાટ મચી ગયો. 19 ડ્રોનમાંથી માત્ર 7ને ઇન્ટરસેપ્ટ કરી શકાયા, જે પોલૅન્ડની સુરક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા દર્શાવે છે. આ ઘટના બાદ, નાટો દેશોની બેઠકમાં ડ્રોન હુમલાઓ સામે લડવાની તેમની નબળી તૈયારી અંગે ચર્ચા થઈ. નાટોના મહાસચિવ માર્ક રૂટ અને EU રાજદૂતોની બેઠકમાં પ્રતિનિધિઓએ જણાવ્યું કે ડ્રોન હુમલાઓ સામે લડવા માટે નાટો સભ્ય દેશો પૂરતા તૈયાર નથી. તેમણે એ પણ ચિંતા વ્યક્ત કરી કે સસ્તા ડ્રોન હુમલાઓનો સામનો કરવા માટે ખૂબ મોંઘા સાધનોનો ઉપયોગ કરવો પડે છે.

રશિયાના સસ્તા ડ્રોન, નાટોના મોંઘા હથિયારો
બેઠક દરમિયાન એક રસપ્રદ વાત સામે આવી કે રશિયા દ્વારા માત્ર 11,000 ડૉલરના ડ્રોનનો ઉપયોગ હુમલા માટે થાય છે, જેના જવાબમાં નાટોના સભ્ય દેશો 4 લાખ ડૉલરની મોંઘી અને જટિલ એર-ટુ-એર મિસાઇલનો ઉપયોગ કરે છે. ઓસ્ટ્રિયાના અખબારે પણ આ અંગે લખ્યું છે કે, ડ્રોનનો સામનો કરવા માટે F-35 ફાઇટર જેટ, ઇટાલીના સર્વેલન્સ પ્લેન અને જર્મન પેટ્રિઅટ એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરવામાં આવી હતી, તેમ છતાં 19 રશિયન ડ્રોનમાંથી માત્ર 7ને જ રોકી શકાયા.
નાટો દ્વારા ડ્રોન હુમલાઓ સામે નિષ્ફળતાની સ્વીકૃતિ
નાટો દેશોએ ડ્રોન હુમલાઓનો સામનો કરવામાં પોતાની નિષ્ફળતા સ્વીકારી છે. પોલૅન્ડના અધિકારીઓએ પણ જણાવ્યું કે તેઓ રશિયા દ્વારા મોકલવામાં આવેલા માત્ર 3થી 4 ડ્રોનને જ તોડી શક્યા હતા. આ રશિયન ડ્રોનના કારણે નાટો દેશોમાં હલચલ મચી ગઈ છે. પોલૅન્ડના આકાશમાંથી ડ્રોનનું પસાર થવું તેમની સાર્વભૌમત્વને પડકાર ગણવામાં આવે છે, જેના કારણે પોલૅન્ડે આ મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવવાની માંગ પણ કરી છે.

