સાઉદી અરબે એક ઐતિહાસિક પગલું ભરતા, 50 વર્ષ જૂની વિવાદાસ્પદ ‘કફાલા’ પ્રાયોજકપદ્ધતિ (Sponsorship System) ને સંપૂર્ણપણે નાબૂદ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી સાઉદી અરબમાં કામ કરતા 25 લાખથી વધુ ભારતીયો સહિત લગભગ 1.3 કરોડ પ્રવાસી મજૂરોને સીધો ફાયદો થશે. માનવાધિકાર સંગઠનો દ્વારા “આધુનિક યુગની ગુલામી” તરીકે ઓળખાતી આ સિસ્ટમનો અંત એ લાખો કામદારો માટે સ્વતંત્રતાના નવા સૂર્યોદય સમાન છે.

શું હતી ‘આધુનિક ગુલામી’ સમાન આ કફાલા સિસ્ટમ?
કફાલા એ અરબી શબ્દ છે જેનો અર્થ ‘પ્રાયોજકપદ્ધતિ’ થાય છે. 1950ના દાયકામાં જ્યારે ખાડી દેશોમાં ઓઈલની શોધ થઈ, ત્યારે વિદેશી મજૂરો પર નિયંત્રણ રાખવા માટે આ સિસ્ટમ બનાવવામાં આવી હતી. આ સિસ્ટમ હેઠળ, કોઈપણ પ્રવાસી મજૂરનો કાનૂની દરજ્જો તેના માલિક કે નોકરીદાતા સાથે જોડાયેલો રહેતો હતો, જેને ‘કફીલ’ કહેવામાં આવે છે.કેવી રીતે ગુલામ બની જતા હતા?
આ ‘કફીલ’ પાસે મજૂરના તમામ અધિકારો રહેતા હતા – વિઝા આપવાથી લઈને નોકરી બદલવા, દેશ છોડવા કે પાસપોર્ટ પોતાની પાસે રાખવા સુધીના નિર્ણયો તે જ કરતો હતો. આના કારણે મજૂરો કાયદેસર રીતે તેમના માલિકના ગુલામ બની જતા હતા. જો કોઈ મજૂર પર અત્યાચાર થાય, તો પણ તે કફીલની પરવાનગી વિના નોકરી બદલી શકતો ન હતો કે દેશ છોડી શકતો ન હતો. આ જ કારણોસર આ સિસ્ટમને “આધુનિક ગુલામી” કહેવામાં આવી.
ભારતીયો પર અત્યાચારની દર્દનાક કહાણીઓ
આ સિસ્ટમ હેઠળ હજારો ભારતીયો શોષણ અને અત્યાચારનો ભોગ બન્યા છે.
કર્ણાટકની નર્સનો કિસ્સો: 2017માં, કર્ણાટકની એક નર્સને સારા પગારના વાયદા સાથે સાઉદી અરબ લઈ જવામાં આવી, પરંતુ ત્યાં તેના કફીલે તેનો પાસપોર્ટ જપ્ત કરી તેને ગુલામ બનાવી દીધી. તેને ભૂખી રાખવામાં આવતી, માર મારવામાં આવતો અને એકવાર તો તેને ત્રીજા માળેથી નીચે ફેંકી દેવામાં આવી હતી. તત્કાલીન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના હસ્તક્ષેપ બાદ તેને બચાવી લેવાઈ હતી.
મહાવીર યાદવનો કિસ્સો: 2010માં, બિલ્ડિંગ પેઇન્ટર મહાવીર યાદવ સાઉદી ગયા. તેમના માલિકે તેમનો પાસપોર્ટ જપ્ત કરી લીધો, પગાર રોકી દીધો અને અમાનવીય પરિસ્થિતિમાં વધુ પડતું કામ કરાવ્યું. છ વર્ષના શારીરિક અને માનસિક ત્રાસ બાદ, તણાવને કારણે 2016માં હાર્ટ એટેકથી તેમનું મૃત્યુ થયું.
સાઉદીના નિર્ણયની શું થશે અસર?
આ નવી વ્યવસ્થા હેઠળ, સાઉદી અરબ હવે કોન્ટ્રાક્ટ-આધારિત રોજગાર પ્રણાલી અપનાવશે. આનાથી પ્રવાસી મજૂરોને નીચેના મુખ્ય અધિકારો મળશે:
તેઓ તેમના માલિક (કફીલ)ની પરવાનગી વિના નોકરી બદલી શકશે.
તેઓ કોઈપણ સમયે દેશ છોડીને પોતાના વતન પાછા જઈ શકશે.
જો તેમની સાથે કોઈ અન્યાય થાય, તો તેઓ સીધા લેબર કોર્ટમાં ફરિયાદ કરી શકશે.
શા માટે લેવાયો આ નિર્ણય અને અન્ય ખાડી દેશોનું શું?
આ નિર્ણય સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના ‘વિઝન 2030’નો એક ભાગ છે, જેનો હેતુ દેશની છબી સુધારવાનો અને અર્થતંત્રને આધુનિક બનાવવાનો છે. આંતરરાષ્ટ ટ્રીય દબાણ પણ આ નિર્ણય પાછળનું એક મોટું કારણ છે. જોકે, સાઉદી અરબનો આ નિર્ણય પ્રશંસનીય છે, પરંતુ અન્ય ખાડી દેશો જેવા કે UAE, કુવૈત, બહેરીન અને ઓમાનમાં આજે પણ કફાલા જેવી સિસ્ટમ કોઈને કોઈ સ્વરૂપમાં ચાલુ છે. એક અંદાજ મુજબ, આ દેશોમાં હજુ પણ લગભગ 75 લાખ ભારતીયો સહિત 2.4 કરોડ પ્રવાસી મજૂરો આવી કઠોર વ્યવસ્થાઓ હેઠળ જીવી રહ્યા છે. તેથી, સાઉદી અરબમાં કફાલાનો અંત એક મોટી જીત છે, પરંતુ ખાડીના અન્ય દેશોમાં પ્રવાસી મજૂરોના અધિકારો અને ગરિમા માટેનો સંઘર્ષ હજુ ચાલુ છે.

