WORLD : સાત દેશોના નાગરિકોના અમેરિકામાં પ્રવેશ પર ટ્રમ્પનો પ્રતિબંધ અમલમાં

0
38
meetarticle

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સાત દેશોના નાગરિકોના અમેરિકા પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર આ વર્ષની શરૂઆતમાં હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રતિબંધોનો અમલ ગુરુવારથી શરૂ થયો છે. આ સાથે પ્રમુખ ટ્રમ્પે એચ-૧બી વિઝાના નિયમોમાં ફેરફાર કરતા લોટરી સિસ્ટમ રદ કરીને તેના બદલે ‘વેઈટેડ સિલેક્શન સિસ્ટમ’ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુર્કિના ફાસો, લાઓસ, માલી, નાઇજર, સિએરા લિઓન, સાઉથ સુદાન અને સીરિયા જેવા સાત દેશોના નાગરિકોના અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર આ વર્ષની શરૂઆતમાં હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રતિબંધોનો અમલ ૧ જાન્યુઆરીને ગુરુવારથી થવાનો હતો.

અમેરિકામાં કોંગ્રેસનલ બજેટ ઓફિસ (સીબીઓ)ના ૨૯ ડિસેમ્બરના દસ્તાવેજો મુજબ પ્રમુખ ટ્રમ્પે મૂકેલા પ્રતિબંધો સાત દેશોના વસાહતીઓ અને બીનવસાહતીઓ બંને પર લાગુ પડશે. વ્હાઈટ હાઉસે કહ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર સલામતીના કારણોસર આ નિયંત્રણો મૂકવામાં આવ્યા છે જ્યારે ઈમિગ્રન્ટ્સની તરફેણ કરનારાઓનું કહેવું છે કે ટ્રમ્પે મૂકેલા પ્રતિબંધો મુખ્યત્વે આફ્રિકન અને મુસ્લિમ દેશોને નિશાન બનાવે છે.આ સિવાય ટ્રમ્પે અફઘાનિસ્તાન, બર્મા, ચાડ, રિપબ્લિક ઓફ કોન્ગો, ઈક્વેટોરિયલ ગિની, એરિટ્રેઆ, હૈતિ, ઈરાન, લિબીયા, સોમાલિયા, સુદાન, યેમેનના નાગરિકોના અમેરિકામાં પ્રવેશ પર મૂકેલા પ્રતિબંધો ચાલુ જ છે. આ ઉપરાંત ટ્રમ્પે વેનેઝુએલા અને ક્યુબાના નાગરિકોના અમેરિકામાં પ્રવાસ પર આંશિક પ્રતિબંધો મૂકેલા છે.

આ પ્રતિબંધો એવા સમયે અમલમાં આવ્યા છે જ્યારે ટ્રમ્પે આ સપ્તાહની શરૂઆતમાં એચ૧-બી વિઝાના નિયમોમાં ફેરફાર કર્યા છે. ટ્રમ્પે આ સપ્તાહની શરૂઆતમાં એચ૧-બી વિઝામાં જૂની લોટરી સિસ્ટમ હટાવીને ‘વેઈટેડ સિલેક્શન સિસ્ટમ’ લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. નવી સિસ્ટમમાં રેન્ડમ લોટરીની જગ્યાએ સેલરી અને સ્કિલના આધારે એચ૧-બી વિઝા માટેની ઉમેદવારી નિશ્ચિત થશે. એટલે કે એચ૧-બી વિઝા લોટરી નહીં પરંતુ અરજદારની સ્કિલ અને પગાર પર નિર્ભર રહેશે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ તૈયાર કરેલી નવી યોજના મુજબ અરજદારોની સંખ્યા ઉપલબ્ધ વિઝાની સંખ્યા કરતા વધુ હોય તો યુએસસીઆઈએસ બધી જ અરજીઓની યાદી તૈયાર કરશે અને તેમની અરજીઓને અલગ અલગ સેલરી લેવલમાં વિભાજિત કરશે. જે ઉમેદવારો પાસે વધુ સેલરીવાળી નોકરીઓ હશે તેમની પસંદગીને પ્રાથમિક્તા અપાશે. જોકે, નવો નિયમ માત્ર એવા સમયે લાગુ થશે જ્યારે એચ૧-બી વિઝા અરજીઓ વિઝા મર્યાદાથી વધુ થઈ જશે. દરમિયાન અમેરિકાના પ્રતિબંધોના જવાબમાં બુર્કિના ફાસો અને માલીએ અમેરિકન નાગરિકોના તેમના દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. બંને પશ્ચિમી આફ્રિકન દેશોના વિદેશ મંત્રીઓએ અલગ અલગ નિવેદનોમાં આ નિર્ણયની જાહેરાત કરી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here