અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-પાકિસ્તાન સહિત સાત યુદ્ધો અટકાવીને દુનિયામાં શાંતિના મસિહા બનવાના વારંવાર દાવા કરવાની સાથે નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવા ભારે હવાતિયા માર્યા હતા, જેના પગલે સમગ્ર દુનિયાની નજર શુક્રવારે નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત પર હતી. જોકે, નોર્વેની નોબેલ શાંતિ સમિતિએ કોઈપણ ધાક-ધમકી કે દબાણમાં આવ્યા વિના વેનેઝુએલાનાં લોકતંત્ર સમર્થક મહિલા નેતા મારિયા કોરિના મચાડોને વર્ષ ૨૦૨૫નો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કર્યો હતો.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મે ૨૦૨૫માં ભારત-પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ અટકાવીને દુનિયાને પરમાણુ યુદ્ધથી બચાવી હોવાનો દાવો કર્યો હતો. ટ્રમ્પના આ દાવાને ભારતે નકારી કાઢ્યો હતો, પરંતુ પાકિસ્તાને તેનું સમર્થન કરીને નોબેલ શાંતિ પુરસ્કાર માટે અમેરિકન પ્રમુખ ટ્રમ્પનું નામ નોમિનેટ કર્યું હતું. ત્યાર પછી ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સહિત કેટલાક દેશોના નેતાઓએ આ વર્ષે ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ તેવી ભલામણ કરી હતી.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે છેલ્લા છ મહિનામાં ૫૫થી વધુ વખત ભારત-પાકિસ્તાન યુદ્ધ અટકાવ્યાનો દાવો કર્યો હતો. ટ્રમ્પે શુક્રવારે પણ નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત પહેલાં ફિનલેન્ડના વડાપ્રધાન સાથેની મુલાકાત વખતે ભારત-પાકિસ્તાન યુદ્ધ તેમણે રોક્યું હોવાનું ગાણું ગાયું હતું. એટલું જ નહીં આ સિવાય ટ્રમ્પે ઈઝરાયેલ-ઈરાન, ઈઝરાયેલ-હમાસ સહિત સાત યુદ્ધો રોકીને દુનિયામાં શાંતિ લાવવા અસાધારણ કામ કર્યું હોવાનું કહ્યું હતું.
નોબેલ સમિતિએ આ વર્ષે શાંતિ પુરસ્કાર માટે વેનેઝુએલાનાં લોકતંત્રનાં સમર્થક વિપક્ષનાં મહિલા નેતા મારિયા કોરિના મચાડોની પસંદગી કરી હતી. નોબેલ સમિતિએ કહ્યું કે, વેનેઝુએલાના લોકોના લોકતાંત્રિક અધિકારો માટે અથાક સંઘર્ષ અને દેશને તાનાશાહીથી લોકતંત્રના માર્ગ તરફ લઈ જવાના પ્રયાસો બદલ મારિયા મચાડોની નોબેલ શાંતિ પુરસ્કાર માટે પસંદગી કરાઈ છે.
મારિયા મચાડોએ વેનેઝુએલામાં અત્યંત વિપરિત પરિસ્થિતિઓમાં પણ લોકતંત્રની જ્યોતિ પ્રગટાવી રાખી અને નિરંકુશ શાસન વિરુદ્ધ શાંતિપૂર્ણ સંઘર્ષ ચાલુ રાખ્યો. સમિતિએ તેમને લેટિન અમેરિકામાં નાગરિક સાહસનાં અસાધારણ ઉદાહરણ ગણાવ્યાં છે. એક સમયે વિભાજિત વિપક્ષને એકત્ર કરીને ૨૦૧૩માં વાન્તે વેનેઝુએલાનાં રાષ્ટ્રીય સંકલનકાર બન્યાં અને તેમણે વેનેઝુએલામાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીની માગણીને રાષ્ટ્રીય આંદોલન બનાવ્યું. જોકે, નોબેલ શાંતિ પુરસ્કાર માટે મચાડોની પસંદગી એવા સમયે કરાઈ છે જ્યારે વેનેઝુએલામાં ફરી એક વખત તાનાશાહી શાસન આવી ગયું છે અને દેશ માનવીય તથા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. વેનેઝુએલામાં મોટાભાગની જનતા ગરીબીમાં છે જ્યારે સત્તા સાથે સંકળાયેલા લોકો અમર્યાદિત લાભ મેળવી રહ્યા છે.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પ નોબેલ શાંતિ પુરસ્કાર માટે તેમની પસંદગી ના થતાં ધુંધવાઈ ગયા હતા. અમેરિકાએ નોબેલ સમિતિ પર શાંતિના બદલે રાજકારણને મહત્વ આપવાનો આક્ષેપ કર્યો હતો. વ્હાઈટ હાઉસે કહ્યું કે, નોબેલ સમિતિએ અમેરિકન પ્રમુખ ટ્રમ્પના શાંતિ પ્રયાસોની સંપૂર્ણપણે અવગણના કરી, પરંતુ ટ્રમ્પ શાંતિ માટે પ્રયત્નો કરતા રહેશે અને યુદ્ધ સમાપ્ત કરાવતા રહેશે. ડૉનાલ્ડ ટ્રમ્પે પૂર્વ પ્રમુખ બરાક ઑબામા ઉપર વેધક પ્રહારો કરતા કહ્યું હતું કે, તેમણે દેશ કે દુનિયા માટે કશું કર્યું ન હતું છતાં તેમને શાંતિ માટેનું ‘નોબેલ પ્રાઇઝ’ અપાયું હતું. ઓબામાને ૨૦૦૯માં પ્રમુખ બન્યાના આઠ મહિના પછી નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત થયો હતો. તે સમયે પણ ભારે હોબાળો થયો હતો.

