ભૂખ સંકટ અંગે કામ કરતી અગ્રણી આંતરરાષ્ટ્રીય સંસ્થા અને સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય સહાયતા એજન્સીએ મંગળવારે ચેતવણી આપી છે કે અફઘાનિસ્તાનમાં ૧.૭ કરોડથી વધુ લોકો આવનારા ઠંડીના મહિનાઓમાં ભૂખની ગંભીર સમસ્યાનો સામનો કરી શકે છે.

ભૂખનો સામનો કરી રહેલા લોકોની સંખ્યા ગયા વર્ષની સરખામણીમાં ૩૦ લાખ વધારે છે.
ભૂખની સમસ્યા પર નજર રાખતી ઇન્ટેગ્રેટેડ ફૂડ સિક્યુરિટી ફેઝ ક્લાસિફિકેશન (આઇપીસી)ના રિપોર્ટ અનુસાર આર્થિક મુશ્કેલીઓ, વારંવાર દુકાળ, આંતરરાષ્ટ્રીય સહાયમાં ઘટાડો તથા પાડોશી દેશો ઇરાન અને પાકિસ્તાનમાંથી અફઘાનિસ્તાનીઓના ઘરે પરત ફરવાને કારણે ખાદ્ય સુરક્ષા અને સંશાધનો પર દબાણ વધ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામમાં ખાદ્ય સુરક્ષાના ડાયરેક્ટર જીન-માર્ટિન બાઉરે જીનિવામાં પત્રકારોને જણાવ્યું હતું કે આઇપીસી આપણને બતાવે છે કે અફઘાનિસ્તાનમાં ૧.૭ કરોડ લોકો ગંભીર ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહ્યાં છે. જે ગયા વર્ષની સરખામણીમાં ૩૦ લાખ વધારે છે.તેમણે રોમથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જણાવ્યું હતું કે લગભગ ૪૦ લાખ બાળકો ગંભીર કુપોષણની સ્થિતિમાં છે. ૪૦ લાખ પૈકી ૧૦ લાખ બાળકો એટલી હદે કુપોષિત છે કે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવારની જરૃર છે.
આઇપીસી રિપોર્ટ અનુસાર અફઘાનિસ્તાનમાં ખાદ્ય સહાયતા ફક્ત ૨.૭ ટકા વસ્તી સુધી જ પહોંચી શકે છે. આ સ્થિતિ નબળુ અર્થતંત્ર, ઉંચી બેકારી અને વિદેશથી આવતા રેમિટન્સમાં ઘટાડાને કારણે વધુ ખરાબ બની રહી છે.

