પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શુક્રવારે આખી રાત સતત ગોળીબારી ચાલુ રહ્યો હતો અને બન્ને તરફથી સામસામો તોપમારો પણ થયો હતો આના કારણે બંને દેશો વચ્ચે ખુલ્લા યુદ્ધ જેવી જ પરિસ્થિતિ ઉભી થઈ હતી. સામસામે થયેલા આ ગોળીબારમાં પાંચ લોકો માર્યા ગયા છે. જેમાં એક સૈનિકનો પણ સમાવેશ થાય છે. પાંચ નાગરિકો પણ ઘાયલ થયા છે જ્યારે સરહદી વિસ્તારોમાં આવેલા મકાનોને ભારે નુકસાન થયું હતું.

યુદ્ધ નિષ્ણાતો તેમ પણ કહે છે કે, ગઈકાલે ફૂલ-મુન પછીનો બીજો જ દિવસ હોવાથી બંને તરફથી સ્થાનિક સેના અધિકારીઓએ ચંદ્રપ્રકાશનો લેવાય તેટલો લાભ લઈ ‘સામાવાળા’ને વધુમાં વધુ નુકસાન કરવા માટે જબરજસ્ત લશ્કરી કાર્યવાહી શરૂ કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, બંને દેશો વચ્ચે બે મહિના પૂર્વે યુદ્ધવિરામ સમજૂતી થઈ હતી પરંતુ બેમાંથી એક પણ પક્ષે તે યુદ્ધવિરામ પાળ્યો જ નથી તેટલું જ નહીં પરંતુ યુદ્ધવિરામ ભંગ માટે એક બીજા પર આક્ષેપ મૂકતા રહ્યા છે. આ સાથે આ ગોળીબારી અને તોપમારાના લીધે દેશો વચ્ચેની શાંતિ-મંત્રણા પડી ભાંગી છે. આ અંગે પાકિસ્તાનના પોલીસ ઑફિસર મોહમ્મદ સાદીકે દાવો કર્યો હતો કે, ‘અફઘાન દળોએ સૌથી પહેલાં અમન પાસેની સરહદે ગોળીબાર શરૂ કર્યો હતો તે સામે અમારા દળોએ જવાબી કાર્યવાહી શરૂ કરી હતી.’ જ્યારે અફઘાન અધિકારીઓએ જુદી જ વાત કરી હતી. તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે કહ્યું હતું કે, પાકિસ્તાને પહેલાં હેન્ડ ગ્રેનેડ ફેંક્યા હતા. આ સાથે ગોળીબારી પણ શરૂ કરી હતી. તેથી અફઘાન દળોને વળતા હુમલા કરવા સિવાય અન્ય વિકલ્પ રહ્યો ન હતો. આ સાથે તેઓએ કહ્યું હતું કે, આમ છતાં અમે યુદ્ધ વિરામ માટે તૈયાર જ છીએ.’

