જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝના એક લીક કૉલથી જાણ થાય છે કે, યુરોપના નેતાઓમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને લઈને કેટલો અવિશ્વાસ છે. આ લીક કૉલમાં જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને ચેતવણી આપતા સાંભળી શકાય છે. આ કૉલમાં મેર્ઝ કહે છે કે, ‘આવનારા દિવસોમાં તમારે વધુ સતર્ક રહેવાની જરૂર છે, અમેરિકન રમત રમી રહ્યા છે, તમારી સાથે પણ અને અમારી સાથે પણ.

‘પશ્ચિમી ગઠબંધનમાં તણાવ
લીક થયેલા કૉલ અનુસાર, યુરોપિયન નેતાઓએ યુક્રેનમાં રશિયાનું યુદ્ધ ખતમ કરવા માટે અમેરિકાના પ્રયાસો પર ઊંડો અવિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ ખુલાસાથી પશ્ચિમી ગઠબંધનની અંદર વધતા તણાવ વિશે જાણ થાય છે.
જર્મન ન્યૂઝ વીકલીએ કહ્યું કે, તેને સોમવારે યુક્રેનના પ્રમુખ વલોડિમિર ઝેલેન્સકી અને ઘણા યુરોપિયન દેશોના રાષ્ટ્રપ્રમુખો વચ્ચે થયેલા કોન્ફરન્સ કૉલની લેખિત નોટ્સ મળી છે. જેમાં જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ અને ફ્રેન્ચ પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોએ કથિત રીતે સવાલ કર્યો કે, શું વોશિંગ્ટન મૉસ્કો સાથે પોતાની બેક ચેનલ વાતચીતમાં કીવ (યુક્રેનની રાજધાની)ના હિતોની રક્ષા કરશે?
અમેરિકા દગો આપશેઃ ફ્રાન્સ પ્રમુખ
અહેવાલો અનુસાર, ફ્રાન્સના પ્રમુખ મેક્રોને કૉલ દરમિયાન ચેતવણી આપી હતી કે, “સુરક્ષા ગેરંટી અંગે સ્પષ્ટતા વિના અમેરિકા યુક્રેનને પ્રદેશ પર દગો આપે તેવી શક્યતા છે.
“ઝેલેન્સ્કીને આપી ચેતવણી
લીક થયેલા કૉલ મુજબ, જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે ઝેલેન્સકીને કહ્યું કે, “આગામી દિવસોમાં તમારે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે. અમેરિકનો તમારી અને અમારી બંને સાથે રમત રમી રહ્યા છે.” જર્મન ચાન્સેલરના કાર્યાલયે વાતચીતની ગોપનીયતાને ટાંકતા આ મુદ્દે કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
નોંધનીય છે કે, લીક થયેલી નોટ્સમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દૂત, ઉદ્યોગપતિ સ્ટીવ વિટકૉફ અને ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર વિશે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી, જે આ અઠવાડિયે જ વાટાઘાટો માટે ક્રેમલિન પહોંચ્યા હતા.
નાટો સેક્રેટરીએ ઝેલેન્સ્કીના રક્ષણની કરી ભલામણ
અહેવાલ અનુસાર, ફિનલેન્ડના પ્રમુખ એલેક્ઝાન્ડર સ્ટબે કથિત રીતે કહ્યું હતું કે, “આપણે યુક્રેન અને વલોડિમિરને આ લોકો સાથે એકલા છોડી શકીએ નહીં.” અહીં વલોડિમિર ઝેલેન્સ્કીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, હાલ તેમના કાર્યાલયે પણ આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. લીક થયેલા કૉલમાં નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટનો ઉલ્લેખ છે, જેમણે નેતાઓને આગ્રહ કર્યો કે, “આપણે વોલોડિમિરનું રક્ષણ કરવું જોઈએ.”

