WORLD : અમેરિકાએ ઘરમાં ઘૂસી પ્રમુખ માદુરોનું ‘અપહરણ’ કર્યું

0
32
meetarticle

દુનિયામાં યુદ્ધો બંધ કરાવી શાંતિની વાતો કરતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવા વર્ષ ૨૦૨૬ની શરૂઆતમાં જ વેનેઝુએલાની રાજધાની કારાકાસ સહિત સાત શહેરો પર હવાઈ હુમલો કર્યો હતો. વધુમાં પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો કે, તેમની સ્પેશિયલ ડેલ્ટા ફોર્સ વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો અને તેમનાં પત્ની સિલિઆ ફ્લોરેસને પકડીને દેશની બહાર અજ્ઞાાત સ્થળે લઈ છે. કથિત રીતે ‘ધરપકડ’ કરાયેલા વેનેઝુએલાના પ્રમુખ માદુરોની તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. નિકોલસ માદુરો સામે ન્યૂયોર્કની કોર્ટમાં ગુનાઈત આરોપો હેઠળ કાર્યવાહી થશે તેમ અમેરિકન એટર્ની જનરલ પામ બોન્ડીએ કહ્યું હતું. બીજીબાજુ અમેરિકાના હવાઈ હુમલા પછી વેનેઝુએલાએ દેશમાં ઈમર્જન્સી જાહેર કરી છે.

વેનેઝુએલા સાથે તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે અમેરિકન સૈન્ય દળોએ ૨ અને ૩ વચ્ચેની રાતે વેનેઝુએલાની રાજધાની કારાકાસ તથા , મિરાંડા, અરાગુઆ અને લા ગુએરા રાજ્યોના સાત શહેરોમાં અચાનક જ ભારે હવાઈ હુમલા કર્યા હતા. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર અમેરિકન સૈન્યે ફુએર્તે તિઉના આર્મી બેઝ અને લા કાર્લોટા એરબેઝ જેવા મહત્વપૂર્ણ સ્થળોને નિશાન બનાવ્યા હતા. અમેરિકાએ આધુનિક એફ-૩૫ જેવા ફાઈટર જેટ, અપાચે અને ચિનૂક જેવા હેલિકોપ્ટર તથા મિસાઈલોથી સાત શહેરો પર હુમલો કર્યો હતો. આ હુમલો ૩૦ મિનિટથી પણ ઓછો સમય ચાલ્યો અને સાત વિસ્ફોટો થયા. જોકે, આ હુમલામાં જાનહાની અથવા મિલકતને નુકસાનના કોઈ અહેવાલ નથી.

બીજીબાજુ વેનેઝુએલાની માદુરો સરકાર અમેરિકાના હુમલાનો જવાબ આપે તે પહેલાં જ અમેરિકન સૈન્યની ડેલ્ટા ફોર્સે રાજધાની કારાકસમાં વિશેષ ઓપરેશન કરીને પ્રમુખ નિકોલસ માદુરો અને તેમનાં પત્ની સિલિઆ ફ્લોરેસને પકડીને દેશની બહાર અજ્ઞાાત સ્થળે ઉઠાવી ગઈ હતી. દુનિયાને વેનેઝુએલા પર અમેરિકાના હુમલાની જાણ થઈ ત્યાં તો પ્રમુખ ટ્રમ્પે તેમના સૈન્યે માદુરો અને તેમના પત્નીને પકડી લીધા હોવાની જાહેરાત કરી હતી.

માદુરો પર 2020માં યુએસ કોર્ટમાં નાર્કો-ટેરરિઝમના આરોપ મૂકાયા

અમેરિકન એટર્ની જનરલ પામ બોન્ડીએ જણાવ્યું હતું કે, વેનેઝુએલાના નેતા નિકોલસ માદુરો અને તેમના પત્ની સિલિઆ ફ્લોરેસ સામે ન્યૂયોર્કની કોર્ટમાં ગુનાઈત આરોપો ઘડાશે. આ દંપતી ટૂંક સમયમાં જ અમેરિકન કોર્ટમાં અમેરિકન ધરતી પર અમેરિકન ન્યાયનો સામનો કરશે. માદુરો પર ૨૦૨૦માં ન્યૂયોર્કમાં નાર્કો ટેરરિઝમના આરોપ મૂકાયા હતા, પરંતુ ડ્રગ્સની દાણચોરીમાં તેમની પત્ની પણ સંડોવાયેલી હોવાની તેમને જાણ નહોતી.

માદુરો અને તેમના પત્ની ક્યાં છે તેની કોઈને ખબર નથી : ઉપપ્રમુખ રોડ્રિગ્સ

દરમિયાન અમેરિકાના હુમલાના પગલે વેનેઝુએલામાં ઈમર્જન્સી જાહેર કરી દેવાઈ છે. વેનેઝુએલાના કાયદા મુજબ પ્રમુખ નિકોલસ માદુરોની ગેરહાજરીમાં ઉપપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્સ વચગાળાના પ્રમુખ તરીકે દેશનું સુકાન સંભાળશે. તેમણે અમેરિકા પાસેથી માદુરો અને તેમના પત્ની જીવિત હોવાના પુરાવા માગ્યા હતા. તેમણે કહ્યું કે, માદુરો અને તેમના પત્ની ક્યાં છે તેની કોઈને ખબર નથી. બીજીબાજુ સંરક્ષણ મંત્રી વ્લાદિમીર પાદરિનો લોપેશે સમગ્ર દેશમાં સૈન્યની તૈનાતીના આદેશ આપ્યા છે. તેમણે અમેરિકાના હુમલાની આકરી ટીકા કરી છે.

વેનેઝુએલાના રણનીતિક સંશાધનો પર કબજા માટે હુમલો કરાયો : સરકાર

વેનેઝુએલાની સરકારે અમેરિકન સરકારની આક્રમક્તાના જવાબમાં તુરંત ‘સશસ્ત્ર સંઘર્ષ’ અને અમેરિકાના હુમલાના વિરોધમાં નાગરિકોને રસ્તા પર ઉતરી વિરોધ કરવા હાકલ કરી છે. વેનેઝુએલા સરકારે કહ્યું કે, આ હુમલાને સામ્રાજ્યવાદી હુમલાને હરાવવા આખા દેશને એક થવું પડશે. આ હુમલાનો આશય વેનેઝુએલાના રણનીતિક સંશાધનો, વિશેષરૂપે ક્રૂડ ઓઈલ અને ખનીજો પર કબજો કરવાના આશયથી કરાયો છે. વધુમાં આ હુમલો દેશની આઝાદી ખતમ કરવાના આશયથી થયો છે, જેમાં અમેરિકા સફળ નહીં થાય. અમેરિકાનો આ હુમલો વેનેઝુએલામાં સત્તા પરિવર્તન માટે વસાહતી યુદ્ધ થોપવાના પ્રયાસો સમાન છે, જેને પાછલા બધા પ્રયાસોની જેમ નિષ્ફળ બનાવાશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here