અમેરિકા દ્વારા ચીનથી આયાત થતા માલ પર વધારાના 100 ટકા ટેરિફની જાહેરાત કર્યાં બાદ ચીને રવિવારે અમેરિકા પર આકરા પ્રહારો કર્યા હતા અને બેવડા ધોરણો અપનાવવાનો આરોપ લગાવ્યો હતો. ચીનના વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું, ‘અમેરિકાના નિવેદનો કહેવાતા બેવડા ધોરણોનું ઉદાહરણ છે.’ નોંધનીય છે કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનથી આયાત થતા માલ પર વધારાના 100 ટકા ટેરિફની જાહેરાત કર્યાં પછી આ પ્રતિક્રિયા આવી છે. આ પગલાંને બંને દેશો વચ્ચે પહેલાથી જ ચાલી રહેલા વેપાર તણાવને વધુ વધારતા જોવામાં આવી રહ્યું છે.

ખનીજ પ્રતિબંધોનો જવાબ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવા ટેરિફ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, આ પગલું ચીન દ્વારા ખનિજો પર લાદવામાં આવેલા નવા નિકાસ પ્રતિબંધોના જવાબમાં લેવામાં આવ્યું છે. આ ખનિજોનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનો, સ્માર્ટફોન અને સંરક્ષણ સાધનો જેવા મહત્ત્વના ઉદ્યોગોમાં થાય છે.
ચીનની પ્રતિક્રિયા: વાટાઘાટોનું વાતાવરણ નબળું પડ્યું
ચીનના વાણિજ્ય મંત્રાલયે અમેરિકાના આ પગલાંની ટીકા કરી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે આ પગલાંથી ચીનના હિતોને ગંભીર નુકસાન થયું છે. તેના કારણે બંને પક્ષો વચ્ચે આર્થિક અને વેપાર વાટાઘાટો માટેનું વાતાવરણ ખૂબ જ નબળું પડ્યું છે. મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું કે ‘દરેક વળાંક પર ઊંચા ટેરિફ લાદવાની ધમકી આપવી એ ચીન સાથે વાટાઘાટો કરવાનો યોગ્ય રસ્તો નથી.’
બેવડા ધોરણોનો આરોપ
ચીનના પ્રતિભાવમાં અમેરિકાની નીતિઓ પર સીધો હુમલો કરવામાં આવ્યો છે. ચીને કહ્યું છે કે ‘અમેરિકા વૈશ્વિક વેપારમાં સ્વતંત્રતાની હિમાયત કરે છે અને સાથે સાથે સંરક્ષણવાદી નીતિઓ પણ લાગુ કરે છે.’ ચીને આરોપ લગાવ્યો કે અમેરિકા પોતાના હિતોને અનુરૂપ આંતરરાષ્ટ્રીય નિયમોનું અર્થઘટન કરે છે અને પછી જ્યારે અન્ય દેશો સમાન સિદ્ધાંતો અપનાવે છે ત્યારે તેમને દોષી ઠેરવે છે.
APEC સમિટ પહેલા નવો તણાવ
અમેરિકા અને ચીન વચ્ચેનો આ નવો તણાવ એવા સમયે આવ્યો છે જ્યારે બંને દેશોના ટોચના નેતાઓ ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ – આગામી એશિયા-પેસિફિક આર્થિક સહયોગ (APEC) સમિટમાં મળવાના છે. વિશ્લેષકો માને છે કે ચીનનો આકરો પ્રતિભાવ સૂચવે છે કે બેઇજિંગ પણ સંભવિત બદલો લેવાના પગલાં (Retaliatory Measures) લેવાનું વિચારી શકે છે, જેનાથી વૈશ્વિક સપ્લાય ચેઈન અને બજારો પર ગંભીર અસર પડી શકે છે.

