અમેરિકન પ્રમુખ ટ્રમ્પના આદેશથી વેનેઝુએલામાં શુક્રવારે મોડી રાતે અમેરિકન સૈન્યના આક્રમણ અને પ્રમુખ નિકોલસ માદુરો અને તેમના પત્ની સિલિઆ ફ્લોરેસને ઉઠાવી જવાના પગલાંની દુનિયાભરમાં આકરી ટીકા થઈ રહી છે. ટ્રમ્પના આ પગલાં મુદ્દે દુનિયા બે ભાગમાં વિભાજિત થઈ ગઈ છે. વેનેઝુએલાએ આ મુદ્દે સંયુક્ત રાષ્ટ્રની બેઠક બોલાવવાની માગ કરી છે ત્યારે રશિયા અને ચીને અમેરિકાનો ખુલ્લેઆમ વિરોધ કરતા કહ્યું, અમેરિકાનું આક્રમણ દાદાગીરી છે. નિકોલસ માદુરો અને તેમના પત્નીને તુરંત છોડી દેવા જોઈએ. ભારતે આ મુદ્દે ાવચેતીપૂર્ણ નિવેદન આપતા વેનેઝુએલાના લોકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

વેનેઝુએલામાં અમેરિકન સૈન્ય કાર્યવાહી ‘ખતરનાક ઉદાહરણ’, આંતરરાષ્ટ્રીય કાયદાનું સન્માન થયું નથી ઃ સંયુક્ત રાષ્ટ્રનો દાવો
વેનેઝુએલા પર અમેરિકન એરસ્ટ્રાઈક અને પ્રમુખ નિકોલસ માદુરોને ઉઠાવી જવાની ઘટનાને રશિયા અને ચીને આંતરરાષ્ટ્રીય કાયદાના ગંભીર ભંગ ગણાવી છે. તેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઈમર્જન્સી બેઠક બોલાવવાની વેનેઝુએલાની માગનું સમર્થન કર્યું છે.
ચીનના વિદેશ મંત્રાલયે બેઈજિંગમાં કહ્યું કે, અમેરિકાનું આ પગલું ‘હેજેમોનિક એક્શન’ છે, જે આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના મૂળ સિદ્ધાંતોનો ખુલ્લેઆમ ભંગ કરે છે. ચીન આ કાર્યવાહી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરે છે અને કોઈપણ સંપ્રભૂ દેશના પ્રમુખ વિરુદ્ધ બળપ્રયોગનો આકરો વિરોધ કરે છે. ચીને નિકોલસ માદુરો અને તેમના પત્ની સિલિઆ ફ્લોરેસને તુરંત છોડી મૂકવા માગ કરી હતી.
ચીનના વિદેશ મંત્રાલયે ઉમેર્યું કે, અમેરિકાની આ કાર્યવાહી માત્ર વેનેઝુએલાની સંપ્રભુતાનો ભંગ નથી, પરંતુ તેનાથી સંપૂર્ણ લેટિન અમેરિકા અને કેરેબિયન ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષાનું ગંભીર જોખમ પેદા થઈ ગયું છે. ચીને અમેરિકાને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવાની અને અન્ય દેશોની સુરક્ષા અને સંપ્રભૂતાનો ભંગ કરવાનું બંધ કરવા ચેતવણી આપી હતી.
રશિયાએ પણ અમેરિકાની સૈન્ય કાર્યવાહીને ‘સશસ્ત્ર આક્રમક્તા’ ગણાવી હતી. રશિયન વિદેશ મંત્રાલયે કહ્યુ ંકે, અમેરિકાએ વેનેઝુએલા પર સૈન્ય હુમલો કર્યો છે, જે અત્યંત ચિંતાજનક અને નીંદનીય છે. આ પ્રકારના હુમલાને યોગ્ય ઠરાવવા માટે અપાયેલા તર્ક સંપૂર્ણપણે નિરાધાર છે. વર્તમાન પરિસ્થિતિમાં સૌથી જરૂરી છે સ્થિતિને વધુ બગડતી રોકવી અને વાતચીત મારફત સમાધાન લાવવું.
તેમણે ઉમેર્યું કે, લેટિન અમેરિકાને ૨૦૧૪માં જાહેર કરાયેાલ ‘શાંતિ ક્ષેત્ર’ જાળવી રાખવું જોઈએ અને વેનેઝુએલાને કોઈપણ બાહ્ય, વિશેષરૂપે સૈન્ય હસ્તક્ષેપ વિના પોતાના ભવિષ્યનો નિર્ણય કરવાનો પૂરો અધિકાર છે. વેનેઝુએલાની જનતા સાથે એકતા દર્શાવતા રશિયાએ બોલિવેરિયન સરકારના રાષ્ટ્રીય હિતો અને સંપ્રભૂતાની રક્ષાના પ્રયત્નોનું સમર્થન કર્યું છે. રશિયાએ પણ અમેરિકાને નિકોલસ માદુરો અને તેમની પત્નીને છોડવા જણાવ્યું હતું.
વેનેઝુએલા મુદ્દે ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, વેનેઝુએલામાં હાલની ઘટનાઓ ખૂબ જ ચિંતાજનક છે. અમે બદલાતી સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. ભારત વેનેઝુએલાના લોકોની ભલાઈ અને સુરક્ષા માટે સંપૂર્ણપણે કટીબદ્ધ છે. અમે લેટિન અમેરિકામાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે બધા જ સંબંધિત લોકોને વાતચીત મારફત શાંતિથી મુદ્દાનો ઉકેલ લાવવા હાકલ કરીએ છીએ.
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્તોનિયો ગુટેરેસે વેનેઝુએલામાં અમેરિકાની સૈન્ય કાર્યવાહી અને તેના પ્રમુખ નિકોલસ માદુરો તથા તેમની પત્નીને ઉઠાવી જવાની ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, અમેરિકાનું આક્રમણ ‘ખતરનાક ઉદાહરણ’ સમાન છે અને તેમાં આંતરરાષ્ટ્રીય કાયદાના નિયમોનું સન્માન કરાયું નથી અને વિશેષરૂપે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરની જોગવાઈઓનું પાલન નથી કરાયું.

