શું પાકિસ્તાનને કાશ્મીર સહિત દરેક મુદ્દે સમર્થન આપતું તૂર્કિયે હવે દગાબાજી પર ઉતરી આવ્યુ છે? તુર્કીને રશિયા પાસેથી મળેલી S-400 મિસાઈલ સિસ્ટમ હવે ભારતને આપશે. વાસ્તવમાં આ વાત તૂર્કિયેના એક મીડિયા રિપોર્ટથી નીકળી છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રશિયાએ 2019માં તૂર્કિયેને આપેલી જમીનથી હવામાં પ્રહાર કરતી S-400 મિસાઈલ સિસ્ટમ પાછી ખરીદવાની ઓફર કરી છે. રશિયાએ તેને ભારત સહિત અન્ય દેશોને વેચવાની ઓફર કરી હોવાના અહેવાલ છે. એક અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે.

અમેરિકાને ખુશ કરવા તૂર્કિયે પાકિસ્તાનને આપશે ઝટકો
અહેવાલ પ્રમાણે તૂર્કિયે કથિત રીતે ફાઈટર જેટ, ડ્રોન અને મિસાઇલોને શોધી કાઢવા, તેને ટ્રેક કરવા અને નષ્ટ કરવામાં સક્ષમ લાંબા અંતરની સિસ્ટમને લઈને અમેરિકા સાથે પોતાના વિવાદનો અંત આણવા માંગે છે. આ સિસ્ટમનું સ્થાન લેવા માટે તૂર્કિયે ખુદ એક ડિફેન્સ સિસ્ટમ વિકસાવી રહ્યું છે. આવી સ્થિતિમાં તે રશિયન ડિફેન્સ સિસ્ટમ પોતાની પાસે રાખીને અમેરિકાને નારાજ કરવા નથી માગતું.મીડિયાએ વધુમાં જણાવ્યું કે અંકારા હજુ પણ S-400 ડિફેન્સ સિસ્ટમનો એક્ટિવપણે ઉપયોગ નથી કરતું. આ સાથે જ તેને ક્યારેય ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (NATO) માં સામેલ કરવામાં નથી આવ્યું. તુર્કીની મોટાભાગની મિસાઈલો પણ પોતાની અડધી લાઈફ પૂરી કરી ચૂકી છે, જેના કારણે તેમના જાળવણી ખર્ચ એક મોટો બોજ બની ગયો છે.
રશિયા અપગ્રેડ કરશે, પછી ભારતને મળશે
બીજી તરફ અહેવાલમાં કેટલાક ભારતીય મીડિયાના હવાલે એ સૂચવ્યું હતું કે, આ સોદાના પરિણામે ભારતને પોતાની S-400 ડિફેન્સ સિસ્ટમ મળી શકે છે, જેને રશિયા પહેલા અપગ્રેડ કરશે. ત્યારબાદ જ ચીન અને પાકિસ્તાન જેવા ખતરાનો સામનો કરવા માટે તહેનાત કરવામાં આવશે. જોકે, રશિયા કે તૂર્કિયે બંનેમાંથી કોઈએ હજુ સુધી આ અહેવાલની પુષ્ટિ કરી નથી. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે રશિયા યુક્રેન યુદ્ધ મોરચા પરથી નિકાસ માટે કોઈપણ S-400 છોડી શકશે નહીં. તૂર્કિયેએ હવે ઘણી હદ સુધી અમેરિકા સાથે સોદો કરી લીધો છે અને હવે તેને આ સિસ્ટમોની જરૂર નથી, જ્યારે ભારત શક્ય તેટલી વહેલી તકે આવી વધુ સિસ્ટમો મેળવવા આતુર છે.
S-400 પર અમેરિકાએ લગાવ્યા છે પ્રતિબંધ
બંને પક્ષોના હિત પહેલા કરતાં વધુ જરૂરી છે, કારણ કે, રશિયાને વૈશ્વિક હથિયાર બજારમાં પોતાની ઝડપથી ઘટતી ભૂમિકા પાછી મેળવવી પડશે, કારણ કે 2022થી તેનું મોટાભાગનું ઉત્પાદન નિકાસથી હટીને અગ્રિમ મોરચે સ્થાનાંતરિત થઈ ગયુ છે. નવો ટ્રિપ કોરિડોર રશિયાના સમગ્ર દક્ષિણ પરિધિ ક્ષેત્રમાં અમેરિકા-તૂર્કિયે લશ્કરી-વ્યૂહાત્મક ભાગીદારીનો પાયો નાખે છે, જો કે શરત એ છે કે, S-400 સંબંધિત અમેરિકન પ્રતિબંધો હટાવવામાં આવે. મે મહિનામાં ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત-પાકિસ્તાન અથડામણોએ નવી દિલ્હી માટે હવાઈ સંરક્ષણને નવી પ્રાથમિકતા બનાવી દીધી છે.અહેવાલ પ્રમાણે કેટલીક શક્તિઓ હજુ પણ આ સોદાને નિષ્ફળ બનાવી શકે છે. મુખ્યત્વે યુએસ અને રશિયાના કટ્ટરપંથીઓ જેઓ ક્રમશ: નાટો સાથી દ્વારા મોસ્કોને લશ્કરી સાધનો વેચવા તથા એ હથિયાર પ્રણાલીને પાછી ખરીદવાના સિદ્ધાંત સામે વાંધો ઉઠાવી શકે છે જેને તેણે નાટો સહયોગીઓને વેચ્યા હતા, જે હવે યુક્રેનને ભંડોળ પૂરું પાડી રહ્યું છે.

