રશિયન ઓઈલની ખરીદીને લઈને અમેરિકા અને ભારત ફરી એકવાર આમને-સામને આવ્યા છે. અમેરિકાના વ્હાઇટ હાઉસે દાવો કર્યો છે કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અપીલ પર ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી ઘટાડી દીધી છે. જોકે, ભારતે આ દાવાને સ્પષ્ટપણે નકારી કાઢતા કહ્યું છે કે તેની તેલ ખરીદીની નીતિ સંપૂર્ણપણે દેશના ફાયદા અને લોકોની જરૂરિયાતોને આધારે નક્કી થાય છે, કોઈના દબાણ હેઠળ નહીં.

અમેરિકાએ શું કહ્યું?
વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લિવિટે જણાવ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ રશિયા-યુક્રેન યુદ્ધનો અંત ન આવવાથી નારાજ છે. આ કારણે જ અમેરિકાએ રશિયાની બે સૌથી મોટી ઓઇલ કંપનીઓ – રોસનેફ્ટ અને લુકોઇલ પર નવા કડક પ્રતિબંધો લગાવ્યા છે, જેથી રશિયાની કમાણી પર અસર પડે. તેમણે એમ પણ કહ્યું કે ચીને પણ રશિયા પાસેથી તેલ ખરીદવાનું ઓછું કરી દીધું છે અને ટ્રમ્પે યુરોપના દેશોને પણ આમ કરવા જણાવ્યું છે.
ભારતનો મક્કમ જવાબ
બીજી તરફ, ભારતે અમેરિકાના દાવાને ફગાવી દેતા સ્પષ્ટ કર્યું છે કે તેણે કોઈના દબાણમાં આવીને રશિયન તેલની ખરીદી ઘટાડવાનો નિર્ણય લીધો નથી. ભારતે પુનરોચ્ચાર કર્યો કે તેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના લોકો સુધી સસ્તું અને ભરોસાપાત્ર તેલ પહોંચાડવાનો છે અને તે એવા જ નિર્ણયો લેશે જે દેશના હિતમાં હોય. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ સરકારે ભારતીય સામાન પર 50 ટકા સુધીનો ટેક્સ લગાવ્યો હોવાથી બંને દેશો વચ્ચે વેપારને લઈને પહેલેથી જ તણાવ ચાલી રહ્યો છે.
ટ્રમ્પ-પુતિન વચ્ચે પણ તણાવ
અહેવાલો મુજબ, ટ્રમ્પ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનથી પણ નારાજ છે કારણ કે તેમને લાગે છે કે પુતિન શાંતિ માટે પ્રયાસો નથી કરી રહ્યા. આ કારણે બંને નેતાઓ વચ્ચે આ વર્ષે થનારી મુલાકાત પણ હાલ પૂરતી ટળી ગઈ છે. જોકે, વ્હાઇટ હાઉસે કહ્યું છે કે બંને નેતાઓ વચ્ચે વાતચીત સંપૂર્ણપણે બંધ નથી થઈ. આ સમગ્ર ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા, મોસ્કોમાં રાષ્ટ્રપતિ પુતિને અમેરિકન પ્રતિબંધોને “નકામા” ગણાવ્યા અને કહ્યું કે તેનાથી રશિયા પર કોઈ ખાસ અસર નહીં પડે. તેમણે ઉમેર્યું કે કોઈ પણ સ્વાભિમાની દેશ બીજા દેશના દબાણમાં આવીને પોતાના નિર્ણયો બદલતો નથી.

