અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન સહિત વિશ્વભરના દેશો પર ટેરિફ બોમ્બ ફોડી રહ્યા છે. જો કે, તેમના ટેરિફ બોમ્બથી અમેરિકાની જ પરિસ્થિતિ કથળી છે. અમેરિકામાં દેવું સતત વધી રહ્યું છે. વિવિધ એનાલિસ્ટ અને દિગ્ગજ રોકાણકારો અમેરિકામાં મંદીની માઠી અસરોનો દાવો થઈ રહ્યો છે. અમેરિકાના અર્થતંત્ર અને ટ્રમ્પની ટેરિફ અસર મુદ્દે અબજોપતિ રોકાણકાર રે ડાલિયોએ જણાવ્યું કે, અમેરિકા એક પ્રકારથી સંઘર્ષ વિનાના ગૃહયુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે.

ગૃહયુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે અમેરિકા
એક મીડિયા ઇન્ટરવ્યુમાં બ્રિજવાટર ઍસોસિએટ્સના ફાઉન્ડર અબજોપતિ રે ડાલિયોએ અમેરિકાની આર્થિક સ્થિતિ અને ટ્રમ્પના ટેરિફના કારણે નડતાં પડકારો મુદ્દે વાત કરી હતી. તેમણે અમેરિકા પર સતત વધી રહેલા દેવાં મુદ્દે ચિંતા વ્યક્ત કરતાં મોટી ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું કે, હવે અમેરિકા પર દેવાનો બોજો એટલો બધો વધી ગયો છે, તે દેશની ધમનીઓમાં જમા થતી ચરબીની માફક દેખાઈ રહ્યો છે. જો આ સ્થિતિમાં સુધારો ન થયો તો દેશમાં વધતી પોલિટિકલ-ઈકોનોમિક અસ્થિરતા અમેરિકામાં એક ગૃહયુદ્ધને જન્મ આપી શકે છે. આધુનિક ગૃહયુદ્ધ સશસ્ત્ર સંઘર્ષ મારફત નહીં, પણ વધતું દેવું, આર્થિક અસમાનતા અને રાજકીય ઉથલ-પાથલ સંબંધિત હશે.ડાલિયોએ 2008ની મંદીની કરી હતી ભવિષ્યવાણી
ઉલ્લેખનીય છે, ડેલિયોએ 2008માં આવેલી મંદીની ભવિષ્યવાણી પણ કરી હતી અને તેમની ભવિષ્યવાણી બાદ 2008માં ભયાવહ મંદીનું સંકટ આવ્યું હતું. હાલ તેમણે અમેરિકામાં ટેરિફ, રાજકીય મતભેદ અને દેવાના બોજો અંગે ભય વ્યક્ત કરતાં કહ્યું કે, આ એક પ્રકારનું ગૃહયુદ્ધ છે. વર્તમાન સ્થિતિને 1930ના દાયકા સાથે જોડતાં ઘરેલું આર્થિક તંગી અને વૈશ્વિક અશાંતિનો દોર ગણાવ્યો છે.
ઐતિહાસિક ટોચે પહોંચશે અમેરિકાનું દેવું
ડાલિયોના આ દાવાઓ આકસ્મિક નથી. વર્લ્ડ ઑફ સ્ટેટિસ્ટિશિયન દ્વારા જારી કરાયેલા તાજેતરના ડેટા અનુસાર, અમેરિકામાં દેવાનો બોજ $37.2 લાખ કરોડ (આંતરિક અને બાહ્ય) સુધી પહોંચ્યો છે. અહેવાલો અનુસાર, કોંગ્રેસના બજેટ ઓફિસે અંદાજ લગાવ્યો હતો કે 2024માં જાહેર દેવું અમેરિકાની જીડીપીના 99% હતું, અને 2034 સુધીમાં તે 116% થવાનો અંદાજ છે, જે એક ઐતિહાસિક ટોચ છે. અનુભવી રોકાણકારે વધતાં દેવાની તુલના માનવીની ધમનીઓમાં જમા થતી ચરબી સાથે કરતાં ચેતવણી આપી છે કે તે ભવિષ્યના ખર્ચમાં અવરોધ ઊભા કરી શકે છે.
આર્થિક અસમાનતાનું મોટું જોખમ
રે ડાલિયોએ યુનાઇટેડ સ્ટેટ્સમાં આર્થિક અસમાનતા પર પણ ધ્યાન કેન્દ્રિત કરતાં જણાવ્યું કે ટોચના 10% અમેરિકનો દેશની બે તૃતીયાંશથી વધુ સંપત્તિ ધરાવે છે, જ્યારે અડધા લોકો 4% કરતા પણ ઓછી સંપત્તિ ધરાવે છે. જ્યારે સંપત્તિ અને મૂલ્યોમાં મોટી અસમાનતા સર્જાય ત્યારે સંઘર્ષ વધે છે. આ બધા મુદ્દાઓ પર સતર્ક રહેવાની જરૂરિયાત પર ભાર મૂકવો જોઈએ. જો આપણે આ મુદ્દાઓનો ઉકેલ નહીં લાવીએ, તો આપણે વધુ મોટા જોખમોનો સામનો કરવો પડશે.
ટ્રમ્પ ટેરિફના કારણે મંદી
રે ડાલિયોએ અગાઉ મે 2024માં વધતા રાજકીય ધ્રુવીકરણને અર્થતંત્ર માટે એક મુખ્ય અવરોધ તરીકે વર્ણવ્યું હતું. ગયા મહિને જ, તેમણે સંભવિત યુએસ મંદી વિશે ચેતવણી આપી હતી અને આર્થિક અસ્થિરતા માટે ટ્રમ્પના ટેરિફને આંશિક રીતે જવાબદાર ઠેરવ્યું હતું.

