ભારતના હજારો નાગરિકોને અમેરિકાએ મોટી રાહત આપતી જાહેરાત કરી છે. વ્હાઇટ હાઉસ દ્વારા કરાયેલી નવી જાહેરાત મુજબ એચ-૧બી વિઝા માટે સ્પોન્સર કરાયેલા આંતરરાષ્ટ્રીય ગ્રેજ્યુએટ્સ કે જેઓ પહેલાથી જ અમેરિકામાં છે તેમણે એક લાખ ડોલરની ફી નહીં ચુકવવી પડે. આ ઉપરાંત અન્ય કેટલીક રાહતો પણ જાહેર કરવામાં આવી છે.

જાહેર કરાયેલી નવી ગાઇડલાઇન મુજબ એફ-૧ વિઝા વાળા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને એલ-૧ વિઝાવાળા પ્રોફેશનલ્સને ૧ સ્ટેટસ બદલવા માટે કોઇ પણ ચાર્જ નહીં આપવો પડે. આ ઉપરાંત જેની પણ પાસે એચ-૧બી વિઝા છે તેમણે પણ રિન્યૂ કરાવવા માટે એક લાખ ડોલરની ફી નહીં ચુકવવી પડે. આ સુધારા એવા સમયે કરવામાં આવ્યા છે જ્યારે સમગ્ર અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર સામે ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. લોકો નો કિંગ્સ નામે રેલીઓ યોજી રહ્યા છે. અને ટ્રમ્પની તાનાશાહીનો વિરોધ કરી રહ્યા છે.અમેરિકાના સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ ડિપાર્ટમેન્ટે એચ-૧બી વિઝા ધારકોને રાહત આપતી જાહેરાત કરી હતી. જેમાં વધુમાં જણાવાયું છે કે જે પણ વ્યક્તિ પાસે પહેલાથી જ એચ-૧બી વિઝા છે તેમના પર આ એક લાખ ડોલરનો ચાર્જ લાગુ નહીં થાય. આ ઉપરાંત જે પણ લોકો ૨૧મી સપ્ટેમ્બર પહેલા અરજી કરી ચુક્યા છે તેમને પણ આ છૂટ આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ એફ-૧ અથવા તો એલ-૧ વિઝા ધરાવે છે તેમણે પણ એચ-૧બી વિઝામાં સ્ટેટસ ચેન્જ કરાવવા માટે ફીસ નહીં આપવી પડે. જો કોઇના એચ-૧ કે એલ-૧ વિઝા એક્સપાયર થઇ ગયા હોય અને તેઓ અમેરિકા છોડીને જતા રહ્યા હોય તો પણ તેમણે ફરી વિઝા રિન્યૂ કરાવવા કે એચ-૧બી વિઝા માટે ફી નહીં આપવી પડે.

