અમેરિકામાં ગઈકાલે રાત્રે એક શૂટરે આડેધડ ફાયરિંગ કરતાં ત્રણ લોકોના મોત થયા હતાં, જ્યારે અનેક ઘાયલ થયા હતાં. નોર્થ કેરોલિનામાં આવેલી એક રેસ્ટોરન્ટમાં એક શૂટરે બોટમાંથી આડેધડ ફાયરિંગ કર્યું હતું. જેથી રેસ્ટોરન્ટમાં અફરાતફરી મચી હતી.
નોર્થ કેરોલિનામાં પ્રચલિત પબ અને રેસ્ટોરન્ટ અમેરિકન ફિશ કંપનીમાં શનિવારે રાત્રે લગભગ 9.30 વાગ્યે એક શૂટર બોટમાં બેસીને આવ્યો હતો. અને તેણે બોટ પરથી જ રેસ્ટોરન્ટ પર આડેધડ ફાયરિંગ કર્યું હતું. આ રેસ્ટોરન્ટ વિલ્મિંગટનથી 20 માઈલ દૂર સાઉથપોર્ટ યાટ બેસિન વિસ્તારમાં 150 યાટ બેસિન ડ્રાઈવ પર આવેલી છે.

પોલીસે જણાવ્યા અનુસાર, આ ફાયરિંગમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત થયા હતાં. જ્યારે સાત લોકો ગંભીર રૂપે ઈજાગ્રસ્ત પામ્યા હતા. ઈજાગ્રસ્તોને તુરંત નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. સીટી મેનેજર નોહ સાલ્ડો આ ઘટનાના પ્રત્યક્ષદર્શી હતા. તેમણે જણાવ્યું કે, શૂટર બોટમાંથી નીચે ઉતરી રેસ્ટોરન્ટ તરફ ધસી આવ્યો હતો. અને ભીડ પર ફાયરિંગ શરૂ કર્યું હતું. આ ઘટનામાં અનેકને ઈજા થઈ હતી. જેમાં ઘણા ગંભીર હોવાથી મોતનો આંકડો વધવાની શક્યતા છે.
શહેરના વહીવટીતંત્રે રહેણાંકોને ઘટના સ્થળથી દૂર રહેવા અપીલ કરી છે. હુમલાખોર સાયકો હોવાની આશંકા સાથે લોકોને ઘરમાં જ રહેવા પણ અપીલ કરી છે. તેમજ કંઈ શંકાસ્પદ જણાય તો 911 પર કૉલ કરવા કહ્યું છે. આરોપી ફાયરિંગ કરી ફરાર થયો હતો. પોલીસે આરોપીની શોધ શરૂ કરી છે. બ્રુન્સવિક કાઉન્ટી શેરિફની ઓફિસ સીટી ઓફ સાઉથપોર્ટ પોલીસ ડિપાર્ટમેન્ટને તપાસમાં મદદ કરી રહ્યું છે.

