WORLD : અમેરિકા એચ-1બી વિઝા પર વધુ આકરા નિયંત્રણો લાદવા માટે તૈયાર

0
40
meetarticle

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-૧બી વિઝાના કારણે અમેરિકનોની રોજગારી પર ગંભીર અસર પડતી હોવાનો દાવો કરતા એચ-૧બી વિઝાની ફી વધારીને ૧ લાખ ડોલર કરી દીધી હતી. હવે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત એચ-૧બી વિઝાધારકોને વધુ મોટો ઝટકો આપવાની તૈયારી કરી રહ્યા છે. ટ્રમ્પ સરકાર એચ-૧બી વિઝા માટે એમ્પ્લોયર દ્વારા પરમિટના ઉપયોગ અને તેના માટે પાત્રતા પર વધુ આકરા નિયંત્રણો લાદવાની તૈયારી કરી રહી છે. ટ્રમ્પના આ સંભવિત નિર્ણયની લાખો ભારતીયો પર અસર થઈ શકે છે.

અમેરિકન ગૃહ મંત્રાલયે એચ-૧બી વિઝા શ્રેણીમાં સુધારા માટે તેમના એજન્ડામાં એક નિયમમાં ફેરફારની દરખાસ્ત કરી છે. ‘રિફોર્મિંગ ધ એચ-૧બી નોનઈમિગ્રન્ટ વિઝા ક્લાસિફિકેશન પ્રોગ્રામ’ મથાળા હેઠળ ફેડરલ રજિસ્ટરની ઔપચારિક રીતે લિસ્ટેડ પ્રસ્તાવોમાં અનેક ટેકનિકલ પાસાનો સમાવેશ કરાયો છે, જેનાથી ભારતીયોની ભરતી પર ગંભીર અસર થઈ શકે છે. ગૃહમંત્રાલયની આ દરખાસ્તોમાં એચ-૧બી માટેની પાત્રતામાં સુધારા, કાર્યક્રમની જરૂરિયાતોનો ભંગ કરનારા એમ્પ્લોયર્સની વધુ આકરી તપાસ જેવા નિયમોનો સમાવેશ થાય છે.

આ ફેરફારોની અસર અમેરિકામાં કામ કરવાની ઈચ્છા રાખતા હજારો ભારતીય પ્રોફેશનલ્સ તથા વિદ્યાર્થીઓ પર પડવાની આશંકા છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે શું અમેરિકન ગૃહ મંત્રાલય એવા એમ્પ્લોયર્સ અને પદોને મર્યાદિત કરવાની યોજના બનાવી રહ્યું છે, જેમને વાર્ષિક મર્યાદામાંથી છૂટ અપાઈ છે. ટ્રમ્પ સરકાર આ છૂટની મર્યાદામાં ફેરફાર કરે તો આ પગલું બિનનફાકારક રિસર્ચ સંગઠનો, યુનિવર્સિટીઓ અને સ્વાસ્થ્ય સેવા સંસ્થાનો પર અસર કરી શકે છે, જે હાલમાં આ છૂટનો લાભ ઉઠાવી રહી છે.

સૂત્રોએ જણાવ્યું કે, સૂચિત ફેરફારોનો અમલ ડિસેમ્બરમાં થઈ શકે છે. આ ફેરફારોનો આશય એચ-૧બી વિઝા નોન-ઇમિગ્રન્ટ કાર્યક્રમમાં સુધારો લાવવાનો અને અમેરિકન કર્મચારીઓના પગાર તથા કામની સ્થિતિને વધુ સારી રીતે સુરક્ષિત કરવાનો છે. નવા નિયમો આ વર્ષે ડિસેમ્બરમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. આ પહેલા કેટલાક રિપોર્ટોમાં કહેવાયું હતું કે, ટ્રમ્પ સરકાર પરંપરાગત એચ-૧બી લોટરીની જગ્યાએ પગાર આધારિત પસંદગી વ્યવસ્થા લાવવાની યોજના બનાવી રહી છે. ટ્રમ્પ સરકારના અધિકારીઓએ લોટરી સિસ્ટમને અયોગ્ય ગણાવી હતી.

એચ-૧બી એક અસ્થાયી વિઝા કેટેગરી છે, જે ભારતીયો સહિત હાઈ-સ્કિલ વિદેશી નાગરિકોને અમેરિકામાં કામ કરવાની તક આપે છે. સામાન્ય રીતે ગ્રીન કાર્ડ મેળવતા પહેલા અમેરિકામાં લાંબો સમય રહેવા અને કામ કરવાની આ એકમાત્ર રીત છે. એચ-૧બી વિઝાનો આશય અમેરિકન કંપનીઓને એવા કુશળ પ્રોફેશનલ્સની ભરતીની તક આપે છે, જે અમેરિકામાં મળવા મુશ્કેલ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here