પાકિસ્તાનના સેના પ્રમુખ ફીલ્ડ માર્શલ અસીમ મુનીર અને વડાપ્રધાન શાહબાઝ શરીફ હાલમાં અમેરિકાના પ્રવાસે છે. ‘ઓપરેશન સિંદૂર’ થયા બાદથી જ અસીમ મુનીર સતત અમેરિકાની મુલાકાતો લઈ રહ્યા છે. આ મુલાકાત પૂરી થયા પછી શાહબાઝ શરીફે ફરી એકવાર એવો દાવો કર્યો કે ભારતના સંઘર્ષ સમયે ટ્રમ્પે સીઝફાયર કરાવ્યું હતું. નોંધનીય છે કે, આ મુલાકાત અગાઉ, અમેરિકાના ઈરાન પરના હુમલાની બરાબર પહેલા, મુનીર અને ટ્રમ્પ વચ્ચે વ્હાઇટ હાઉસમાં લાંબા સમય સુધી લંચ પર વાતચીત થઈ હતી.

જોર્ડન મારફતે પાકિસ્તાનને F-16 ફાઇટર જેટની સપ્લાયની સંભાવના
આ દરમિયાન, વિશ્વસનીય સૂત્રો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકા પાકિસ્તાની સેના પ્રમુખને 16 નવા અત્યાધુનિક F-16 ફાઇટર જેટ ભેટમાં આપવાની તૈયારી કરી રહ્યું છે. વધુમાં, સૂત્રોનો દાવો છે કે આગામી એક સપ્તાહની અંદર પાકિસ્તાનને તેમાંથી 8 F-16 ફાઇટર જેટ મળી પણ શકે છે. જોકે, આ માહિતીની સત્તાવાર પુષ્ટિ હજી સુધી પાકિસ્તાન કે અમેરિકા, કોઈએ પણ કરી નથી. અમેરિકા આ 16 F-16 ફાઇટર જેટની સપ્લાય ખાડી દેશ જોર્ડન મારફતે પાકિસ્તાનને કરી શકે છે, કારણ કે ખાડી દેશો F-16 ફાઇટર જેટનો મોટો ઉપયોગ કરે છે.
અમેરિકા પર પાકિસ્તાનની નિર્ભરતાનું કારણ
સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘ઓપરેશન સિંદૂર’માં ભારતીય હુમલાને કારણે પાકિસ્તાનનું સુરક્ષા માળખું તૂટી પડ્યું હતું અને ચીની હથિયારો નિષ્ફળ ગયા હતા. આ જ કારણે અસીમ મુનીર સતત અમેરિકાના પ્રવાસો કરી રહ્યા છે.
ભારત હાલમાં ફ્રાન્સ અને રશિયા પાસેથી રાફેલ અને સુખોઈ-57 જેવા અત્યાધુનિક જેટ ખરીદવાનું વિચારી રહ્યું છે. જ્યારે પાકિસ્તાન, જે દાયકાઓથી ભારત સામે અમેરિકી F-16 નો ઉપયોગ કરી રહ્યું છે, તેની પાસે હાલમાં 76 F-16 જેટ છે. જોકે, તેમાંથી માત્ર 18 જ આધુનિક બ્લોક 52 કેટેગરીના છે, જે ભારતીય રાફેલની સરખામણીમાં ક્ષમતામાં ઘણા પાછળ છે.
ભારતીય રાફેલ સામે પાકિસ્તાન સક્ષમ નથી
પાકિસ્તાની F-16 ફાઇટર જેટ જૂની AIM-120C-5 એર-ટુ-એર મિસાઇલથી સજ્જ છે, જે હવે ઘણી જૂની થઈ ગઈ છે. એટલું જ નહીં, AIM-120D મિસાઇલ પણ ભારતના મજબૂત સુરક્ષા કવચને માત આપી શકે તેમ નથી. ભારતના આ કવચમાં રાફેલ, S-400 મિસાઈલ સિસ્ટમ, અવકાશ આધારિત ISR અને AEW&C (એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ) જેવી સિસ્ટમ્સનો સમાવેશ થાય છે, જે એક અભેદ્ય સુરક્ષા કવચ બનાવે છે.આ F-16 ફાઇટર જેટ અમેરિકન આશ્રયના પ્રતીક છે. અમેરિકાએ આ જેટના ઉપયોગ માટે ખૂબ કઠોર શરતો રાખી છે, જેના કારણે તેમને ભારત વિરુદ્ધ તૈનાત કરવા ખૂબ મુશ્કેલ છે. પાકિસ્તાનને F-16 આપવાથી તેની ટેકનોલોજી ચીનના હાથમાં જવાનો પણ ખતરો છે. આ જ કારણ છે કે અમેરિકા પાકિસ્તાનમાં તેની કડક દેખરેખ રાખે છે.
બીજી તરફ ચીને પાકિસ્તાનને JF-17 બ્લોક 3 અને J-10C ફાઇટર જેટ આપ્યા છે, જેનો ઉપયોગ તેણે ભારતના રાફેલ અને સુખોઈ સામે કર્યો હતો. જોકે, ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન તેમનું પ્રદર્શન મિશ્ર રહ્યું હતું. યુદ્ધ દરમિયાન ચીની વિમાનની વિશ્વસનીયતા સાબિત થઈ શકી નહીં. આ જ કારણ છે કે પાકિસ્તાન વિશ્વસનીયતા માટે અમેરિકી F-16 પર નિર્ભર છે અને માત્ર સંખ્યા વધારવા માટે ચીની ફાઇટર જેટ ખરીદે છે.

