અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૫૦ ટકા જેટલો જંગી ટેરિફ નાંખ્યા પછી વિદેશી પ્રોફેશનલ્સ માટેના એચ-૧બી વિઝા પરની ફી વધારીને ૧ લાખ ડોલર કરી દીધી છે. ટ્રમ્પના આ નિર્ણયથી ભારતીયોને સૌથી મોટો ફટકો પડયો છે, કારણ કે અમેરિકન કંપનીઓમાં કામ કરતા ૭૦ ટકા પ્રોફેશનલ્સ ભારતીય છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે ટ્રમ્પના પ્રતિબંધોના કારણે ભારતને નુકસાન જવાના બદલે ફાયદો વધુ થયો છે. ટ્રમ્પે એચ-૧બી વિઝા ફીમાં જંગી વધારો કરતા ૧૭૦૦ જેટલી અમેરિકન કંપીઓ તેમના ઓફશોરિંગ ઓપરેશન્સ માટે ભારત તરફ વળી રહી છે. તે ભારતમાં સ્થિત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સનો લાભ ઉઠાવી રહી છે.ટ્રમ્પ સરકારે આ મહિનાની શરૂઆતમાં એક્ઝિક્યુટિવ આદેશ પર હસ્તાક્ષર કરીને વિદેશમાંથી આયાત કરાતા પ્રતિભાશાળી પ્રોફેશનલ્સ માટેની એચ-૧બી વિઝા અરજીઓ પરની ફી ૧,૫૦૦-૪,૦૦૦ ડોલરથી ૭૦ ગણી વધારીને ૧ લાખ ડોલર કરી નાંખી છે. ટ્રમ્પ સરકારે અમેરિકનોની નોકરીઓ આંચકી લેવાતી હોવાનો અને રાષ્ટ્રીય સુરક્ષાનો દાવો કરીને એચ-૧બી વિઝા ફીમાં વધારો કર્યો હતો.

જોકે, ટ્રમ્પનો આ નિર્ણય અમેરિકા માટે લાભદાયકના બદલે નુકસાનકારક બની શકે છે. નિષ્ણાતોનું માનવું છેકે ભારતમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (જીસીસી)માં તીવ્ર ઊછાળો આવી રહ્યો છે. અમેરિકન કંપનીઓ આટી પ્રોફેશનલ્સ પાસેથી અમેરિકામાં કામ કરાવવાના બદલે ઓફશોર સ્કેલિંગનો નવો રસ્તો અપનાવી રહી છે. મેકકિન્સે અને એએનએસઆર જેવી કંપનીઓનું માનવું છે કે આગામી બેથી ત્રણ વર્ષમાં ભારતમાં જીસીસીની સંખ્યામાં ૬૦ ટકાનો વધારો થઈ શકે છે.
કોઈપણ બહુરાષ્ટ્રીય કંપનીઓ પોતાના મુખ્યાલય સિવાય ભારત સહિત અન્ય દેશોમાં ઓફશોર ઓફિસો ધરાવતી હોય છે.
અગાઉ બહુરાષ્ટ્રીય કંપનીઓ આઈટી સપોર્ટ, કસ્ટમર સર્વિસ, એકાઉન્ટિંગ, બેક ઓફિસ જેવા કામ આઉટસોર્સ કરતી હતી. એટલે કે ટીસીએસ, ઈન્ફોસિસ, વિપ્રો જેવી થર્ડ-પાર્ટી કંપનીને કામ આપતી હતી. પરંતુ હવે કંપનીઓ વિદેશમાં પોતાની જ ઓફિસો ખોલવાનું વલણ અપનાવી રહી છે, જેથી કંપનીઓ વિદેશી પ્રોફેશનલ્સને એચ-૧બી વિઝા મારફત અમેરિકામાં બોલાવવાના બદલે ભારતમાં જ સ્થાનિક ટેલેન્ટને હાયર કરી શકશે.
જીસીસી કંપનીઓનું એવું મોડેલ છે, જેમાં તેઓ આઉટસોર્સિંગ પર ખર્ચ કરવાના બદલે ભારત જેવા પ્રતિભાઓથી સમૃદ્ધ દેશોમાં સીધા જ પોતાની ઓફિસો ખોલશે, જેથી તેમનો પડતર ખર્ચ બચશે, વધુ સારંપ નિયંત્રણ અને તેમને ઈનોવેશનનો લાભ મળશે. ભારત માટે આ મોટી તક છે, કારણ કે અહીં આઈટી સ્કિલ્સ અને પડતરનું કોમ્બિનેશન કંપનીઓને જીસીસી સેટઅપ માટે આકર્ષિક કરે છે.
ભારતમાં હાલમાં અંદાજે ૧૭૦૦થી વધુ જીસીસી કામ કરી રહી છે, જે દુનિયાના વૈશ્વિક જીસીસીની સંખ્યાના અડધાથી વધુ છે. આ જીસીસીમાં ૧૭ લાખથી વધુ લોકો કામ કરે છે. ફોર્ચ્યુન ૫૦૦ની ૩૦ ટકા કંપનીઓના જ જીસીસી ભારતમાં છે. એટલે કે ભારતમાં જીસીસીના વિકાસની હજુ ઘણી તકો છે.
ભારત જીસીસીના વિકાસની સાથે હાઈવેલ્યુ ઈનોવેશનનું હબ બનશે. ભારતમાં આ કંપનીઓ લકઝરી કારનાં ડેશબોર્ડની ડીઝાઇનથી લઈને દવાના સંશોધન સુધીના ઈનોવેશન માટે ટેકનિકલ સપોર્ટનું હબ બનશે. દુનિયામાં એક તરફ આર્ટિફિશ્યલ-ઇન્ટેલિજન્સ તરફ પ્રવાહ વધી રહ્યો છે.
તો બીજી તરફ વીસા ઉપર ટ્રમ્પ સરકારે કઠોર નિયમો મુકયા છે, તેથી અમેરિકામાં કર્મચારીઓ- સક્ષમ કર્મચારીઓ માટે કંપનીઓને મુશ્કેલી પડે છે. તેથી આ કંપનીઓએ પોતાનું કાર્ય ક્ષેત્ર ભારતમાં ફેરવવા નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે.
ભારતમાં જીસીસીનો વિકાસ થઈ રહ્યો છે. બીજી તરફ ભારતમાં બળવાન નેતૃત્વ છે. સાથે ભારતમાં સક્ષમ અને કુશળ કર્મચારીઓ મળી શકે છે. ડીલાઈટે-ઇંડીયાના પાર્ટનર અને જીસીસી ઇન્ડસ્ટ્રી લીડર રોહન બોવોએ કહ્યું હતું કે, જીસીસી અત્યારે એક વિશિષ્ટ સ્થાન પર છે. તે ઇન હાઉસ એન્જિન બની રહ્યું છે. તેમનું કાર્યક્ષેત્ર આર્થિક સેવાઓથી શરૂ કરી ટેકનિકલ સહાય સુધી વિસર્યું છે. જીસીસીએ વધુ વ્યૂહાત્મક બનવાની અને નવીનીકરણ તરફ વળવાની જરૂર છે.

