અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ૧ નવેમ્બરથી વધારાના ૧૦૦ ટકા ટેરિફની જાહેરાત કરીને નવેસરથી ટ્રેડ વોરની આશંકા ઊભી કરી છે ત્યારે ચીને પણ વળતો પલટવાર કર્યો છે. ચીને ટ્રમ્પના ટેરિફને મનફાવે તેવા બેવડા માપદંડ ગણાવતા જવાબી પગલાં લેવાની ચેતવણી આપી છે. ચીને કહ્યું, અમે યુદ્ધથી ડરતા નથી, જરૂર પડશે તો અમેરિકા સામે ટ્રેડવોરના મેદાનમાં ઉતરવા પણ તૈયાર છીએ.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૧ નવેમ્બરથી ચીનના ઉત્પાદનો પર ૧૦૦ ટકા ટેરિફની સાથે મહત્વપૂર્ણ અમેરિકન ઉત્પાદિત સોફ્ટવેર પર આકરા નિયંત્રણોની જાહેરાત કરી છે. આ જાહેરાત અંગે પ્રતિક્રિયા આપતા ચીને રવિવારે જણાવ્યું કે, અમેરિકાના નવા વેપાર હુમલાને સાંખી નહીં લેવાય. તેને જબરજસ્ત જવાબ આપવામાં આવશે.ચીનના વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું કે, ટેરિફનું વોશિંગ્ટનનું પગલું મનફાવે તેવા બેવડા માપદંડનું વિશેષ ઉદાહરણ છે. અમે આ પગલાંની આકરી ટીકા કરીએ છીએ. મંત્રાલયે આકરા શબ્દોમાં કહ્યું કે, અમેરિકાનું કોઈપણ પગલું ચીનના હિતોને ગંભીર નુકસાન પહોંચાડશે તો તેઓ દ્વિપક્ષીય આર્થિક અને વ્યાપારિક વાટાઘાટોનું વાતાવરણ નબળું કરે છે. ચીન યુદ્ધ કરવા માગતું નથી, પરંતુ લડવાથી ડરતું પણ નથી. જરૂર પડશે તો તે જવાબી કાર્યવાહી પણ કરશે. અમેરિકા આ જ પ્રકારનું વલણ ચાલુ રાખશે તો ચીન પોતાના હિતોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા સ્વતંત્ર છે. ચીન અમેરિકન ટેરિફથી ડરવાનું નથી.
ચીનના વાણિજ્ય મંત્રાલયે કહ્યું કે, મેડ્રિડમાં તાજેતરમાં જ થયેલી વેપાર વાટાઘાટો પછી પણ અમેરિકાએ ચીન વિરુદ્ધ સતત નવા પ્રતિબંધો નાંખ્યા છે. ચીનની અનેક કંપનીઓનો નિકાસ નિયંત્રણો અને પ્રતિબંધિત યાદીમાં સમાવેશ કર્યો છે. દરેક બાબત પર ઊંચા ટેરિફ લગાવવાની ધમકી આપવી એ ચીન સાથે વાતચીતની યોગ્ય રીત નથી. અમે અણેરિકાને આગ્રહ કરીએ છીએ કે તે પોતાની ખોટી ટેવો તુરંત સુધારે અને ચીન-અમેરિકાના આર્થિક-વ્યાપારિક સંબંધોને સ્થિર, સ્વસ્થ બનાવે.

