પ્રમુખ પુતિનના નેતૃત્વ નીચે રશિયાએ તાજેતરમાં સૌથી ઘાતક શસ્ત્રો બનાવવા શરૂ કરી દુનિયામાં સનસનાટી ફેલાવી દીધી છે. તેમણે અસામાન્ય અંતર સુધી અચૂક પ્રહાર કરી શકે તેવા પરમાણુ ઊર્જા સંચાલિત ક્રૂઝ મિસાઇલ્સ ‘બુરેવેસ્તનિક’ અને ‘પરમાણુ સુનામી’ ઉત્પન્ન કરવામાં સક્ષમ સબમરીન ‘ડ્રોન-પોલિડોન’ મુખ્ય છે. હવે પુતિને ઘોષણા કરી છે કે, રશિયાએ આગામી પેઢીનાં પરમાણુ ઊર્જા સંચાલિત ક્રૂઝ મિસાઇલ્સને વિકસાવવાનું શરૂ કરી દીધું છે.

ન્યૂઝ એજન્સી ‘તાસ’ના જણાવ્યા પ્રમાણે ક્રેમ્બીનમાં ‘આર્મ્સ-ડેવલપર્સના સન્માન સમારોહમાં આપેલા વક્તવ્યમાં પુતિને જણાવ્યું હતું કે આ નવા મિસાઇલ્સ ધ્વનિ કરતાં ૩ ઘણા ઝડપી હશે અને ભવિષ્યમાં તેની ઝડપ વધારવામાં પણ આવશે. જે ગતિ હાઈપર સોનિક હશે.’ (હાઈપર-સોનિક એટલે ધ્વનિ કરતાં પણ પાચ ગણી વધુ ઝડપ).આ સાથે પ્રમુખે કહ્યું કે, ‘અલંગાર્ડ’ મિસાઇલ્સ ‘બેટરીઝ’ હવે યુદ્ધ, ડયુટી માટે તૈનાત થઈ ચૂકી છે.
‘તાસ’ વધુમાં જણાવે છે કે, રશિયાએ મધ્યમાન અંતર સુધી પ્રહાર કરી શકે તેવી મિસાઇલ શ્રેણી ‘ઓરેશ્નિક’ તૈયાર કરી લીધી છે. તેનું મોટાપાયે ઉત્પાદન શરૂ થઈ ચૂક્યું છે. ‘ડયુટી’ ઉપર પણ મુકાયા છે.
તેઓએ આગળ કહ્યું કે, ‘આપણે ઈન્ટર-કોન્ટીનન્ટલ’ બેલાસ્ટિક મિસાઈલ્સ (આઈસીબીએકસ) તેમજ સબમરીનમાંથી છોડી શકાય તેવા મિસાઇલ્સ પણ બનાવ્યાં છે. ‘બુરેવેસ્તનિક’ મિસાઈલ્સે તો અન્ય તમામ મિસાઇલ્સને પાછળ મુકી દીધા છે. ૨૧ ઓક્ટોબરે જ્યારે તેનું પરીક્ષણ કરાયું ત્યારે એક ‘નાટો’ જહાજ સમુદ્રમાં હતું પરંતુ તે મિસાઈલ તે જહાજને ઓળંગી સાગરમાં પડયું.
તેઓએ આ વક્તવ્યમાં તેમ પણ કહ્યું કે, આપણે તાજેતરમાં જ ‘પોસીડોન’ (પરમાણુ ઊર્જાથી ચાલતી) સબમરીનનું પણ સફળ પરીક્ષણ કર્યું છે સાથે ‘ખાબરોવસ્ક’ નામક નવી એટમિક સબમરીનનું ‘જલ-પ્રક્ષેપણ’ થઈ ચૂક્યું છે જે વિશેષતઃ તો આધુનિકતમ શસ્ત્રો તૈનાત કરવા માટે બનાવવામાં આવી છે.

