ભારતમાં અનેક આતંકી હુમલાઓ કરાવી ચુકેલા આતંકવાદી મસૂદ અઝહરને લઇને નવો ખુલાસો થયો છે. મસૂદનું આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ હવે મહિલાઓને આતંકવાદના રસ્તે ધકેલવા માગે છે. જે માટે એક વિશેષ મહિલા બ્રિગેડ તૈયાર કરી રહ્યું છે. જેનો મુખ્ય ટાર્ગેટ હિન્દુ મહિલાઓ હોવાનો દાવો આ રિપોર્ટમાં કરવામાં આવી રહ્યો છે. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પાકિસ્તાનના બહાવલપુરમાં પણ જૈશના સ્થળો પર હુમલા કર્યા હતા. આ બહાવલપુરથી મસૂદે આ નવા સંગઠનની જાહેરાત કરી છે.

આતંકવાદી સંગઠન જૈશનું મથક ગણાતા બહાવલપુરના મરકઝ ઉસ્માન-ઓ-અલીમાં એક કટ્ટરવાદીઓના કાર્યક્રમને સંબોધતા મસુદ અઝહરે આ મહિલા બ્રિગેડ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે કાર્યકર્તાઓને વિશેષ તાલિમ આપવામાં આવશે અને તેઓ વૈશ્વિક જેહાદમાં સામેલ થશે. મસૂદ અઝહર આ મહિલા બ્રિગેડની જવાબદારી પોતાની બહેનને આપવા જઇ રહ્યો છે. મસૂદે વધુમાં કહ્યું હતું કે આ બ્રિગેડ ભારતીય સશસ્ત્ર દળોમાં હિન્દુ મહિલાઓ અને મહિલા પત્રકારોનો મુકાબલો કરશે.
મસૂદે વધુમાં કહ્યું હતું કે અમે મહિલા જેહાદીઓને આ હિન્દુ મહિલાઓ અને પત્રકારોની સામે લડવા માટે તૈયાર કરીશું. જમાત-ઉલ-મોમિનાતના સભ્યોને બહાવલપુરના મરકઝમાં ૧૫ દિવસ માટેનો દૌરા-એ-તસ્કિયા કોર્સ કરાવવામાં આવશે. જે બાદ તેમને જેહાદ શીખવાડવા માટે વધારાનો બે સપ્તાહનો કોર્સ પણ કરાવવામાં આવશે. મુસ્લિમ મહિલાઓને ભડકાવતા મસૂદ અઝહરે વધુમાં કહ્યું હતું કે જમાત-ઉલ-મોમિનાતમાં સામેલ થનારી મહિલાઓ મૃત્યુ બાદ કબરમાંથી સીધા જન્નત જશે.
પાકિસ્તાનના તમામ જિલ્લાઓમાં આ જમાત-ઉલ-મોમિનાતની શાખા સ્થાપિત કરવામાં આવશે. શાખાની જવાબદારી એવી વ્યક્તિને આપવામાં આવશે જે કે મહિલાઓની સંગઠનમાં ભરતી કરવાની જવાબદારી સંભાળશે. એવા અહેવાલો છે કે મસૂદ અઝહરે આ મહિલા બ્રિગેડની પ્રમુખ પોતાની બહેન સાદિયા અઝહરને બનાવી છે. તેની બીજી બહેન સમાયરા અઝહરને પણ બ્રિગેડનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે. આ સમાયરાએ તો પ્રથમ સપ્તાહમાં જ પાંચ દિવસનો ઓનલાઇન બ્રેઇન વોશ કાર્યક્રમ શરૂ કરી દીધો છે.

