ઇઝરાયેલે લેબેનોનની રાજધાની બૈરુત પર હુમલો કર્યો હતો. ઇઝરાયેલે જણાવ્યું છે કે તેણે હિઝબુલ્લાહના ચીફ ઓફ સ્ટાફને નિશાન બનાવ્યા છે.

તેણે ઇરાનના સમર્થન પ્રાપ્ત આતંકવાદી ગુ્રપને શસ્ત્રો ન બનાવવાની ચેતવણી આપી છે. આ હુમલો ઇઝરાયેલ-હિઝબુલ્લાહ યુદ્ધ સમાપ્ત થવાનાં એક વર્ષ પછી કરવામાં આવ્યો હતો. પોપ લિઓ ૧૪માની લેબેનોન યાત્રા પહેલા ઇઝરાયેલ કરેલા આ હુમલાથી બંને દેશો વચ્ચે ફરી એક વખત તંગદિલી વધી ગઇ છે.
ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયેલ કાટ્ઝે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે ઉત્તરનાં લોકો અને ઇઝરાયેલ દેશને કોઇ પણ ખતરાથી બચાવવા માટે જોરદાર કાર્યવાહી કરતા રહીશું.
ઇઝરાયેલની સરકારના પ્રવક્તા શોશ બેડ્રોસિયને એ જણાવ્યું ન હતું કે ઇઝરાયેલે હુમલા પહેલા અમેરિકાને જાણ કરી છે કે નહીં. તેમણે ફક્ત એટલું જ કહ્યું હતું કે ઇઝરાયેલ પોતાની જાતે નિર્ણયો લે છે.
લેબેનોન આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે બૈરુતના દક્ષિણ વિસ્તારમાં ઇઝરાયેલે કરેલા હુમલામાં ઓછામાં ઓછા એક વ્યકિતનું મોત થયું છે અને અન્ય ૨૧ લોકો ઘાયલ થયા છે.
લેબેનોનનાં પ્રમુખ જોસેફ આઉને એક નિવેદનમાં હુમલાની ટીકા કરી હતી અને ઇઝરાયેલ પર યુદ્ધ વિરામ સમજૂતીનો ભંગ કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને લેબેનોન અને તેના લોકો પર હુમલાઓને રોકવા માટે તાકાત અને ગંભીરતાથી હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી.

