WORLD : ઇઝરાયેલે ગાઝાનો કચ્ચરઘાણ કાઢ્યો ચાર લાખ લોકો શહેર છોડી ભાગ્યા

0
49
meetarticle

ગાઝાપટ્ટીના ગાઝા શહેરમાં ઇઝરાયેલના જમીન આક્રમણનો જબરદસ્ત ખૌફ છે. તેના આક્રમણના ડરથી દસ લાખની વસ્તીવાળા ગાઝા શહેરમાં ચાર લાખથી પણ વધુ લોકો શહેર છોડીને ભાગ્યા છે. આમ ગાઝાની ૪૦ ટકા વસ્તી પલાયન કરી ચૂકી છે. જો કે યુએનના જણાવ્યા મુજબ હજી પણ ત્રણ લાખથી વધુ લોકો ગાઝામાં ફસાયેલા છે. જો કે આ આંકડો હજી પણ વધારે હોઈ શકે છે.

ઇઝરાયેલના આદેશ મુજબ મોટાભાગના ગાઝાવાસીઓ દક્ષિણની બાજુએ આવેલા કેમ્પમાં ભાગી રહ્યા છે. ઇઝરાયેલનું આ ઓપરેશન પૂરું થતાં મોટાભાગની ગાઝાપટ્ટી તેના અંકુશમાં આવી જશે. ઇઝરાયેલના ડિફેન્સે તાજેતરમાં જારી કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે તેણે છેલ્લા બે દિવસમાં ગાઝાના ૧૫૦ જેટલા સ્થળો પર હુમલા કર્યા છે. આ હુમલામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ના મોત થયા છે.

ઇઝરાયેલના લશ્કરનું કહેવું છે કે તેણે આ હુમલામાં હમાસે ખોદેલી સુરંગોને લક્ષ્યાંક બનાવી છે. તેની સાથે હમાસના આતંકવાદીઓ છૂપાયા હોય તેવી બિલ્ડિંગોને નિશાન બનાવી છે. તેનું કહેવું છે કે ગાઝા શહેરમાં હજી પણ હમાસના બેથી ત્રણ હજાર લડાકુઓ છે. ઇઝરાયેલના લશ્કરે જણાવ્યું હતું કે અમે સતત આતંકવાદીઓને ખતમ કરી રહ્યા છીએ. આતંકવાદી સંગઠનના કેટલાય માળખાને ધ્વસ્ત કરવામાં આવી ચૂક્યા છે. ગાઝાને હમાસની શક્તિનું કેન્દ્ર માનવામાં આવે છે. તેથી જ હમાસને ખતમ કરવું હોય તે ગાઝામાં આક્રમક કાર્યવાહી કરવી જ પડશે તેમ હમાસનું માનવું છે. ઇઝરાયેલના લશ્કરે સોમવારથી જ ગાઝા પર ભૂમિ આક્રમણ શરુ કરી દીધું હતું. ઇઝરાયેલના હુમલામાં લીધે ગાઝામાં માનવ ખુવારીનો આંકડો ૬૫ હજારને વટાવી ગયો છે.

ગાઝાપટ્ટીમાં ઇઝરાયેલના અવિરત હુમલાના લીધે સંચાર નેટવર્ક પડી ભાંગ્યું છે. ગાઝાવાસીઓ હવે કોઈપણ રીતે બહારની દુનિયા સાથે સંપર્ક કરી શકવાની સ્થિતિમાં નથી. કદાચ હમાસના આતંકવાદીઓ પાસે સેટેલાઇટ ફોન હોઈ શકે. પણ સામાન્ય ગાઝાવાસી પાસે હવે સંચાર નેટવર્કના નામે કશું જ નથી. તેમની પાસે સ્માર્ટફોન હોય તો તે પણ અહીં ડબલું છે, કારણ કે સર્વિસ પ્રોવાઇડર જ ન હોય તો કોણ સર્વિસ પૂરી પાડશે. ઇઝરાયેલે આખુ નેટવર્ક ખેદાનમેદાન કરી નાખ્યું છે.

ઇઝરાયેલે આ ઉપરાંત યમનના બળવાખોર હુથી શાસિત શહેર હોદેઇદા પર પણ હવાઈ હુમલા કર્યા હતા. ઇઝરાયેલના લશ્કરે જણાવ્યું હતું કે તેણે હોદેઇદા બંદર પર હુથીઓના મિલિટરી ઇન્ફ્રાસ્ટ્રકચરને લક્ષ્યાંક બનાવ્યું છે. હુથીઓએ જણાવ્યું હતું કે અમારી એર ડિફેન્સીસ હાલમાં ઇઝરાયેલના હુમલાનો સામનો કરી રહી છે. હુથી એર ડિફેન્સીસે ઇઝરાયેલના એરક્રાફટને મૂંઝવણમાં મૂકી દીધા હતા અને કેટલાક કોમ્બેટ ફોર્મેશનના કારણે તેણે યમનનું એરસ્પેસ છોડવાની ફરજ પડી હતી. ઇઝરાયેલે અગાઉ સાના પર હુમલો કર્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here