WORLD : ઈથોપિયામાં જ્વાળામુખી ફાટયો : દિલ્હી રાખથી છવાયું

0
57
meetarticle

ઈથોપિયાનો હેલી ગુબ્બી જ્વાળામુખી ૧૨,૦૦૦ વર્ષ પછી અચાનક જ ફાટયો હતો. આ વિસ્ફોટથી રાખ અને સલ્ફર ડાયોક્સાઈડના વાદળ ૧૫ કિ.મી.ની ઊંચાઈ સુધી પહોંચી લાલ સાગર પાર કરી યમન તથા ઓમન સુધી ફેલાયા હતા. જોકે, મંગળવારે આખો દિવસ ઈથોપિયાથી ૪૩૦૦ કિ.મી. દૂર ગુજરાતથી રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ સુધી પશ્ચિમ ભારતના આકાશમાં જ્વાળામુખીની રાખનું સામ્રાજ્ય છવાયેલું રહ્યું હતું અને મંગળવારે રાતે ચીન તરફ આગળ વધી ગઈ હતી. જ્વાળામુખીની રાખના કારણે ભારતમાં ૧૯થી વધુ ફ્લાઈટ પર અસર થઈ હતી, પરંતુ રાહતની વાત એ છે કે જ્વાળામુખી ફાટવાથી કોઈ જાનહાની થઈ નથી.  આફ્રિકા ખંડની પૂર્વે આવેલા ઇથોપિયાના અફાર પ્રાંતમાં ફાટેલા હાયલી ગુબ્બી જ્વાળામુખીના રાખના વાદળ આકાશમાં ૧૪ કિલોમીટર એટલે કે ૪૫૦૦૦ ફૂટ ઊંચે ચઢી જતા પૃથ્વીના અપર ટ્રોપોસ્ફીયરમાં જોવા મળ્યા હતા, તેનાથી હવામાન અથવા હવાની ગુણવત્તા પર કોઈ અસર થઈ નથી. આ વાદળ સોમવારે રાતે જ ગુજરાતથી દિલ્હી સુધી ફેલાયા હતા તેમ હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, રાખના વાદળ મંગળવારે રાતે ચીન તરફ આગળ વધતા ભારતને રાહત મળી છે.  જોકે, રાખના આ વાદળના કારણે મંગળવારે આખો દિવસ પશ્ચિમ ભારતના આકાશમાં વાતાવરણ ધુંધળુ રહ્યું હતું. ઈથોપિયાથી ૪,૩૦૦ કિ.મી. દૂર રાખના વાદળ ગુજરાત, જોધપુર-જેસલમેરથી ભારતમાં પ્રવેશ્યા હતા અને હરિયાણા અને દિલ્હીના આકાશમાં ફેલાયા હતા. આ સિવાય પંજાબ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના પર્વતીય વિસ્તારો તથા હિમાચલ પર પણ તેની અસર જોવા મળી હતી.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે, ચિંતાનું કોઈ કારણ નથી. માત્ર કેટલીક ફ્લાઇટ્સ રદ થઈ હતી અને કેટલીક ફ્લાઈટ્સના શેડયુલ પર અસર થઈ હતી. જ્વાળામુખીની રાખના વાદળોના કારણે દિલ્હી એરપોર્ટ પરથી ૭ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ કરવા સહિત ૧૯ ફ્લાઈટ્સ પર અસર થઈ હતી. અનેક ફ્લાઈટ્સ વિલંબમાં મુકાઈ હતી. એર ઈન્ડિયાએ તેની આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ ૧૩ ફ્લાઈટ્સ રદ કરી હતી. એ જ રીતે અન્ય એરલાઈન્સની ફ્લાઈટ્સ પણ વિલંબમાં મૂકાઈ હતી, જેના પરિણામે હજારો પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ડીજીસીએએ બધી જ એરલાઈન્સને રાખના વાદળોથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ઉડ્ડયન ટાળવાના નિર્દેશ આપ્યા હતા અને તેની એડવાઈઝરી મુજબ ફ્લાઈટ્સના રૂટનું આયોજન કરવા જણાવ્યું હતું.નિષ્ણાતોના જણાવ્યા મુજબ રાખના વાદળ પ્રતિ કલાક ૧૦૦થી ૧૨૦ કિ.મી.ની ઝડપે ભારતમાં પ્રવેશ્યા હતા તથા ૧૫,૦૦૦થી ૪૫,૦૦૦ ફૂટની ઊંચાઈ પર ફેલાયેલા રહ્યા હતા. પરિણામે પશ્ચિમ ભારતમાં દિવસના સમયે પણ સાંજ જેવું વાતાવરણ હતું. આ વાદળોમાં જ્વાળામુખીની રાખ, સલ્ફર ડાયોક્સાઈડ અને કાંચ તથા ખડકોના સૂક્ષ્મ કણ હોવાના કારણે હવાની ગુણવત્તા પર અસર થવાની આશંકા હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here