રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિને પશ્ચિમી દેશોના દબાણ વચ્ચે ભારતને ક્રૂડ ઓઈલનો પૂરવઠો અવિરત ચાલુ રાખવાની જાહેરાત કરી છે ત્યારે જી-૭ દેશો અને યુરોપીયન યુનિયન રશિયન ક્રૂડ ઓઈલની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યાં છે. ઈયુ અને જી-૭ દેશોના સૂચિત પ્રતિબંધોથી રશિયન ક્રૂડ ઓઈલ પરની વર્તમાન પ્રાઈસ લિમિટની સિસ્ટમ સમાપ્ત થઈ શકે છે.

યુક્રેન યુદ્ધ ખતમ કરવા માટે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન પર પશ્ચિમી દેશોના દબાણના અનેક પ્રયત્નો નિષ્ફળ ગયા પછી હવે યુરોપીયન યુનિયન અને જી-૭ દેશોએ રશિયન ક્રૂડ ઓઈલની સમુદ્રી માર્ગે નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધની તૈયારી કરી છે.પશ્ચિમી જહાજો મારફત રશિયન ક્રૂડ ઓઈલની નિકાસ અને વીમા સેવાઓ પરના આ પ્રતિબંધોનો અમલ ૨૦૨૬ની શરૂઆતમાં થવાની શક્યતા છે.
પશ્ચિમી દેશો આગામી વર્ષની શરૂઆતમાં નવા પ્રતિબંધ પેકેજનો અમલ કરવા તૈયારી કરી રહ્યા છે ત્યારે તેમનું આ પગલું રશિયન અર્થતંત્ર માટે મોટા ફટકા સમાન બની શકે છે, કારણ કે ક્રૂડ ઓઈલનું વેચાણ રશિયન અર્થતંત્રમાં મહત્વનો હિસ્સો છે.
પશ્ચિમી દેશોના આ પ્રતિબંધો રશિયન ક્રૂડ ઓઈલ પર પ્રાઈસ કેપને સંપૂર્ણપણે ખતમ કરી દેશે. મીડિયા અહેવાલ મુજબ જી૭ અને યુરોપીયન યુનિયનના ‘સંપૂર્ણ સમુદ્રી સેવાઓ પર પ્રતિબંધ’નો અર્થ એ છે કે રશિયાનું ક્રૂડ ઓઈલ અથવા ઈંધણ લઈ જતા કોઈપણ જહાજને પશ્ચિમી ટેન્કર, વીમા અથવા નોંધણી સેવાઓ નહીં મળે. આ પ્રતિબંધોથી રશિયા માટે તેનું ક્રૂડ ઓઈલ સમુદ્રી માર્ગે ભારત અને ચીન જેવા દેશો સુધી પહોંચાડવું લગભગ અશક્ય બનશે, કારણ કે રશિયાના એક તૃતિયાંશથી વધુ ક્રૂડ ઓઈલની નિકાસ હજુ પણ ગ્રીસ, સાયપ્રસ અને માલ્ટા જેવા ઈયુ દેશોના ટેન્કરોથી થાય છે.
જી૭ અને ઈયુ દેશોનો સંપૂર્ણ પ્રતિબંધોનો પ્રસ્તાવ પસાર થઈ જશે તો રશિયાએ તેના ક્રૂડ ઓઈલની નિકાસ માટે તેના શેડો ફ્લીટ એટલે કે જૂના, ઓછા નિરીક્ષણવાળા, અસ્પષ્ટ માલિકીવાળા જહાજો પર વધુ નિર્ભર રહેવું પડશે.

