ટેલર સ્વિફ્ટની ઈરાઝ ટુરે લાઈવ મ્યુઝિકના અનેક નવા રેકોર્ડ તોડયા હતા. 141 શો સાથે 21 દેશોમાં ફેલાયેલી આ ટુરનો છેલ્લો શો ડિસેમ્બર ૨૦૨૪માં યોજાયો હતો. સ્વિફ્ટની ઈરાઝ ટુર 2 અબજ ડોલરની કમાણી કરનારી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીની પહેલી ટુર બની હતી. મેજિક ઈન ધ ઈરાઝ દ્વારા જાણવા મળ્યું છે કે, ટુરનો દરેક ભાગ પૂરો થતાં સ્વિફ્ટ ડાન્સર્સ, મ્યુઝિશિયન્સ અને ક્રૂ મેમ્બર્સને બોનસ આપતી હતી. તેણે ઈરાઝ ટુર દરમિયાન રૂ. 18000 કરોડની કમાણી કરી હતી જેમાંથી, રૂ. 2000 કરોડ બોનસ તરીકે વહેંચ્યા હતા.ડોક્યુસિરીઝમાં સ્વિફ્ટે કહ્યું કે, ટુરની સફળતા સાથે કર્મચારીઓનેે બોનસ આપવાનો નિર્ણય તેણે સમજીવિચારીને લીધો હતો. ટુરની સફળતા પાછળ ટીમે કરેલી અવિરત મહેનત જવાબદાર હોવાથી તેને બિરદાવવી જરૂરી હતી. દરેક બોનસ સાથે તે જાતે હાથથી લખેલી નોટ્સ પણ આપતી હતી. આ નોટ્સ લખવામાં તેને બે અઠવાડિયાનો સમય લાગ્યો હતો.
સ્વિફ્ટે કહ્યું કે, કર્મચારીઓને થેંક યુ કહેવું ક્રિસમસ મોર્નિંગ જેવું લાગતું હતું. કોલોરાડો સ્થિત ટ્રકિંગ કંપનીના ફાઉન્ડર અને સીઈઓએ જણાવ્યું કે, તેમની કંપની ટુર દરમિયાન કાર્યરત ટ્રાન્સપોર્ટેશન કંપનીઓમાંની એક છે. તેમના દરેક ટ્રક ડ્રાઈવરને સ્વિફ્ટ તરફથી રૂ. 9058450 નો ચેક અને હસ્તલિખિત પત્ર આપવામાં આવ્યો હતો. ટ્રક ડ્રાઈવરોએ આ રકમને જીવન બદલનારી ગણાવી હતી.
ઈરાઝ ટુરની અભૂતપૂર્વ સફળતાએ સ્વિફ્ટની નેટવર્થ એક અબજ ડોલરને પાર પહોંચાડી હતી. આ કમાણીમાંથી સ્વિફ્ટે તેના જૂના રેકોર્ડિંગ્સ ખરીદ્યા હતા. આ માટે તેણે લગભગ રૂ. 3200 કરોડનો ખર્ચ કર્યો હતો. સ્વિફ્ટે કહ્યું કે, મારા ફેન્સના કારણે જ હું મારું મ્યુઝિક પાછું મેળવી શકી હતી.

