મધ્ય પૂર્વમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ભીષણ જંગ જારી છે. ઈઝરાયલે ઈરાનના પરમાણુ પ્લાન્ટ્સ, તેલ ફેક્ટરીઓ અને સૈન્ય મથકો પર અનેક હવાઈ હુમલા કર્યા છે. પરંતુ આટલા ભયાનક યુદ્ધ વચ્ચે પણ ઈરાનનો એક નાનકડો ટાપુ હજુ સુધી સંપૂર્ણ સુરક્ષિત છે. આ ટાપુ છે ‘ખાર્ગ આઇલૅન્ડ’. નિષ્ણાતોનું માનવું છે કે, જો ભૂલથી પણ આ ટાપુ પર હુમલો થયો, તો ઈરાનની અર્થવ્યવસ્થા તો ઠપ્પ થઈ જશે, પણ સાથે જ દુનિયામાં તેલના ભાવ એટલા વધી જશે કે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ શકે છે.

શું છે ખાર્ગ આઇલૅન્ડની ખાસિયત?
ખાર્ગ આઇલૅન્ડ ઈરાનના કિનારાથી માત્ર 25 કિલોમીટર દૂર ઉત્તર તરફ ફારસની ખાડીમાં આવેલો એક નાનકડો કોરલ દ્વીપ છે. 1960ના દાયકામાં અમેરિકન તેલ કંપની ‘અમોકો’ દ્વારા આ ટાપુ વિકસાવવામાં આવ્યો હતો. આજે તે ઈરાનનું સૌથી મહત્ત્વનું તેલ નિકાસ ટર્મિનલ છે. અહીંથી દરરોજ 70 લાખ બેરલ તેલ લોડ કરવાની ક્ષમતા છે. ઈરાનની અર્થવ્યવસ્થાનો 90 ટકા હિસ્સો આ ટાપુ પરથી થતી તેલની નિકાસ પર ટકેલો છે.
અમેરિકા અને ઈઝરાયલે કેમ આ ટાપુને નજર અંદાજ કરી રહ્યા છે?
અમેરિકાએ ઈરાનના અનેક સ્થળો પર હુમલો કર્યો છે, પરંતુ ખાર્ગ આઇલૅન્ડને હજુ સુધી સ્પર્શ પણ કર્યો નથી. તેના મુખ્ય કારણો નીચે મુજબ છે: જો આ ટાપુ નષ્ટ થાય, તો તેલના ભાવ આસમાને પહોંચશે, જેની સીધી અસર અમેરિકા સહિત આખી દુનિયા પર પડશે. ચીન ઈરાનના તેલનું સૌથી મોટું ખરીદદાર છે. આ ટાપુ પર હુમલો એટલે ચીન સાથે સીધી દુશ્મની વહોરવા જેવું છે. જો ખાર્ગ આઇલૅન્ડ પર હુમલો થાય, તો ઈરાન વળતા પ્રહારમાં હોર્મુઝ સામુદ્રધુની બંધ કરી શકે છે, જ્યાંથી દુનિયાનું 20 ટકા તેલ પસાર થાય છે.
હુમલો થયો તો શું થશે?
હડસન ઇન્સ્ટિટ્યૂટના નિષ્ણાતો માને છે કે, અમેરિકા ઈરાનની અર્થવ્યવસ્થાનો પાયો પૂરેપૂરો નાશ કરવા માંગતું નથી. આ અમેરિકા માટે એક ‘રેડ લાઇન’ છે. જો આ રેડ લાઇન ક્રોસ થશે, તો ઈરાન એટલું ઉશ્કેરાઈ શકે છે કે તે સમગ્ર ખાડી વિસ્તારમાં તેલના ટેન્કરો પર હુમલા શરૂ કરી દેશે, જે અંતે મહાયુદ્ધમાં પરિણમી શકે છે.
વર્તમાન સ્થિતિ
ફાયનાન્શિયલ ટાઇમ્સના રિપોર્ટ મુજબ, આટલા તણાવ વચ્ચે પણ ખાર્ગ આઇલૅન્ડ પર તેલનું લોડિંગ સામાન્ય રીતે ચાલુ છે. દુનિયાભરની નજર આ ટાપુ પર છે, કારણ કે આ ટાપુનો ફેંસલો માત્ર ઈરાનનું ભવિષ્ય જ નહીં, પરંતુ વૈશ્વિક શાંતિ અને તેલ બજારની સ્થિતિ પણ નક્કી કરશે.
