WORLD : એચ-1બી ફી વધારો : ટ્રમ્પનું ગાંડપણ અમેરિકન અર્થતંત્રને ડૂબાડશે

0
56
meetarticle

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા સપ્તાહે વિદેશી પ્રતિભાઓ માટે એચ-૧બી વિઝા ફી વધારીને ૧ લાખ ડોલર કરી દીધી છે. આ જાહેરાતથી વૈશ્વિક આઈટી કંપનીઓમાં ભારે હોબાળો મચી ગયો છે. ટ્રમ્પના આ નિર્ણયે વિશેષરૂપે ‘અમેરિકન ડ્રીમ’ જોતા હજારો ભારતીય પ્રોફેશનલ્સને ફટકો પહોંચાડયો છે. બીજીબાજુ નિષ્ણાતોએ પ્રમુખ ટ્રમ્પ પર ટેરિફ પછી હવે ઈમિગ્રેશન નીતિને હથિયાર બનાવવાનો અને તેમનો ‘ઝેનોફોબિક એજન્ડા’ આગળ વધારવાનો આક્ષેપ કર્યો છે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે વિદેશી પ્રતિભાઓને અમેરિકામાં આવતી રોકવાનો ટ્રમ્પનો આ અવિચારી નિર્ણય અમેરિકન અર્થતંત્રને જ ડૂબાડશે.અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્થાનિક પ્રોફેશનલ્સની નોકરીઓ બચાવવા માટે એચ-૧બી વિઝા ફીમાં વધારો કર્યો હોવાનો દાવો કર્યો છે. અમેરિકન સિલિકોન વેલીની કંપનીઓ અત્યાર સુધી નોન-ઈમિગ્રન્ટ પ્રોફેશનલ્સને રોજગારી આપતી હતી. તેમને હવે ટ્રમ્પ સરકારે વિદેશમાંથી કર્મચારીઓ બોલાવવાના બદલે સ્થાનિક પ્રોફેશનલ્સને રોજગારી આપવા સંકેત આપ્યા છે.

પ્રમુખ ટ્રમ્પે ગયા શુક્રવારે આ જાહેરાત કરી ત્યારે ટેક્નોલોજી કંપનીઓમાં ભારે અરાજક્તા ફેલાઈ હતી અને તેમણે તેમના એચ-૧બી વિઝાધારક કર્મચારીઓને ૨૪ કલાકમાં અમેરિકા પરત ફરવા નિર્દેશો આપવા પડયા હતા. આ અરાજક્તાને દૂર કરવા બીજા દિવસે ટ્રમ્પ સરકારે ખુલાસો કરવો પડયો કે, નવી ફી માત્ર નવી અરજીઓ પર લાગુ પડશે અને વાર્ષિક નહીં પરંતુ એક જ વખત આપવાની રહેશે. આ જાહેરાતે અમેરિકન કંપનીઓને આંશિક રાહત આપી છે.

જોકે, મોટાભાગના અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતોનું માનવું છે કે ટ્રમ્પના આ પગલાંથી નોન ઈમિગ્રન્ટ પ્રોફેશનલ્સ કરતાં અમેરિકન અર્થતંત્ર પર વધુ વિપરિત અસર થશે. અમેરિકાના આર્થિક વિકાસને નુકસાન થશે. આ પગલું ટ્રમ્પ પર બેકફાયર થઈ શકે છે.

ઈન્વેસ્ટમેન્ટ બેન્ક બેરેનબર્ગના અર્થશાસ્ત્રી અતાકન બાકિસ્કનને કહ્યું કે, વિઝા મોંઘા કરીને ટ્રમ્પ સરકારે પોતાની જ કંપનીઓ માટે વિદેશી પ્રતિભાઓને આકર્ષવાનું મુશ્કેલ બનાવી દીધું છે. ટ્રમ્પની આ નીતિ વિકાસ વિરોધી નીતિ નિર્ધારણનું ઉદાહરણ છે. તેનાથી પ્રતિભાઓનું પલાયન થશે અને અમેરિકન કંપનીઓની ઉત્પાદક્તા પર વિપરિત અસર પડશે.

દરમિયાન અમેરિકાની અગ્રણી સંસ્થા ઈન્ડિયન અમેરિકન ઈમ્પેક્ટે મંગળવારે જણાવ્યું કે, એચ-૧બી વિઝા ફી વધારવાના ટ્રમ્પનો અવિચારી નિર્ણય સ્થાનિક રોજગારી વધારવા માટે નહીં, પરંતુ ઝેનોફોબિક એજન્ડા આગળ વધારવા ઈમિગ્રેશન નીતિને હથિયાર બનાવવા સમાન છે. તેમણે દાવો કર્યો કે, ટ્રમ્પના અચાનક જાહેર કરાયેલા આ નિર્ણયથી આઈટી સેક્ટરમાં ભારે અરાજક્તા સર્જાઈ હતી. આઈટી કંપનીઓએ મેડિકલ ઈમર્જન્સી સાથે પરિવારની મુલાકાત લેવા અથવા કંપનીના કામથી વિદેશ ગયેલા કર્મચારીઓમાં ગભરાટનું વાતાવરણ સર્જ્યું હતું.

ઈન્ડિયન અમેરિકન ઈમ્પેક્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ચિંતન પટેલે ઉમેર્યું કે, એચ-૧બી ધારકોને નિશાન બનાવીને ટ્રમ્પ અમેરિકાના આર્થિક ભવિષ્ય પર કુઠારાઘાત કરી રહ્યા છે અને અમેરિકામાં જ ભારતીય અમેરિકનો તથા બધા જ વસાહતી સમાજોમાં ભેદભાવ વધારી રહ્યા છે. ટ્રમ્પની આ નીતિ વૈશ્વિક નેતા તરીકે અમેરિકાની છબીને નુકસાન પહોંચાડશે. ટ્રમ્પની ૧ લાખ ડોલરની એચ-૧બી વિઝા ફી અમેરિકન અર્થતંત્ર અને નવીનતાને ઈંધણ પૂરું પાડતા પ્રત્યેક પ્રોફેશનલ્સ અને કોમ્યુનિટીઝ પર ‘સીધો હુમલો’ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here