અમેરિકન ફેડરલ જજે ટ્રમ્પે એચ-૧બી વિઝા ફીમાં જંગી વધારો કરીને એક લાખ ડોલર કરી તેને મંજૂર કરી છે અને તેની સાથે પ્રમુખ તરીકે ટ્રમ્પને આ પ્રકારના નિર્ણયો લેવાની સત્તા હોવાનું કહેતા અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ અને ટ્રમ્પને પડકારનારા ૧૮ ડેમોક્રેટ્સ રાજ્યોને મોટો ફટકો પડયો છે. તેઓ હજી પણ આગળ આ નિર્ણયને પડકારી શકે છે, પરંતુ હાલમાં તો ટ્રમ્પના નિર્ણયને કોર્ટે યોગ્ય ઠેરવ્યો છે.

ટ્રમ્પનો આ નિર્ણય અમેરિકન ટેકનોલોજી કંપનીઓ અને અમેરિકાના તે ઉદ્યોગો માટે મોટો ફટકો છે જે વિદેશી કામદારો પર વધુને વધુ પ્રમાણમાં નિર્ભર છે. આ ચુકાદો એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકન વહીવટીતંત્ર વધુ વેતન મેળવનારા એચ-૧બી વિઝાધારકોની તરફેણમાં લોટરી સિસ્ટમમાં સુધારો કરવા પગલાં ઉઠાવી રહ્યું છે.અમેરિકાના ડિસ્ટ્રિક્ટ જજ બેરિલ હાવેલે જણાવ્યું હતું કે ટ્રમ્પે લોકપ્રિય વિઝા કાર્યક્રમની ફીમાં જંગી વધારો કરીને પોતાના કાયદાકીય અધિકાર ક્ષેત્રની અંદર કામ કર્યુ છે.આ નિર્ણય અમેરિકન વર્કરોને રોજગાર આપવાના વ્યાપક પ્રયત્નો દર્શાવે છે. આ ચુકાદાના પગલે ટ્રમ્પ તંત્રને કાયદાકીય પડકારો ચાલુ રહેવા દરમિયાન પણ એક લાખ ડોલરની એચ-૧બી વિઝા ફી અમલમાં મૂકવાની છૂટ મળી ગઈ છે.
જજ હાવેલે યુએસ ચેમ્બર ઓફ કોમર્સની તે દલીલને ફગાવી દીધી હતી કે ટ્રમ્પ પાસે વિઝા ફીમાં વધારો કરવાની સત્તા જ નથી. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસે પ્રમુખને આ પ્રકારની બાબતો સામે કામે કરવા માટે વ્યાપક અધિકાર આપ્યા છે, જેમને તે રાષ્ટ્રીય અને આર્થિક સુરક્ષા સંલગ્ન ચિંતાઓ સાથે જોડાયેલો માને છે.
ચેમ્બરે તેની દલીલમાં જણાવ્યું હતું કે ટ્રમ્પે ફીમાં કરેલા જંગી વધારાના કારણે એચ-૧બી વિઝા પર આધારિત કારોબારોના શ્રમ ખર્ચમાં નાટકીય વધારો થશે અથવા તો તે બહુ જ ઓછા પ્રમાણમાં વિદેશી સ્કિલ્ડ વર્કરોની આયાત કરી શકશે. યુએસ ચેમ્બર ઉપરાંત ડેમોક્રેટિક રાજ્યો, કંપનીઓના સંગઠનો, સ્વયંસેવી સંગઠનો અને ધાર્મિક સંગઠનોએ પણ ટ્રમ્પના ફીના આદેશને પડકાર્યો છે. ડેમોક્રેટિક ઓબામાના કાર્યકાળમાં નીમાયેલા ન્યાયાધીશે જણાવ્યુ હતું કે ટ્રમ્પનો એચ-૧બી વિઝા ફીમાં વધારાનો નિર્ણય યોગ્ય છે. તેમણે તેના સમર્થનમાં ઘણા ઉદાહરણો આપ્યા હતા જેમા કંપનીઓએ હજારો અમેરિકન કામદારોની છટણી કરીને તેના સ્થાને એચ-૧બી વિઝાધારકોને નોકરી પર રાખ્યા હતા.
એચ-૧બી વિઝા પર બનેલો એક લાખ ડોલર ફીનો નવો નિયમ ૨૭ ફેબુ્રઆરી ૨૦૨૬થી અમલમાં આવવાનો છે. હાલમાં ટ્રમ્પ તંત્ર વર્ષે ૬૫ હજાર વિઝા આપે છે. તેની સાથે ઊંચી ડિગ્રી ધરાવનારાઓ માટે ૨૦ હજાર વધુ વિઝા પણ ઉપલબ્ધ છે. અત્યાર સુધી તેને સંલગ્ન દર સામાન્ય રીતે બે હજારથી પાંચ હજાર ડોલર હતો. હવે તેને વધારીને સીધો એક લાખ ડોલર કરાયો છે. આ નવા વિઝા નિયમથી સૌથી વધુ અસર ભારતીયોને પડશે, કેમકે વિઝા મેળવવામાં સૌથી વધુ હિસ્સેદારી ભારતીયોની છે.

