અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે એક સામાન્ય પેઇનકિલર વિશે મોટું નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે સગર્ભા મહિલાઓએ પેરાસિટામોલ (અમેરિકામાં ટાઈલેનોલ)નું વધુ પડતું સેવન ટાળવું જોઈએ, સિવાય કે ડૉક્ટર દ્વારા સૂચવવામાં ન આવે. તેમણે દાવો કર્યો કે તેનાથી બાળકમાં ઓટિઝમનો ખતરો વધી શકે છે અને બાળકોના રસીકરણના નિયમોમાં પણ ફેરફાર કરવાની વાત કરી. આ નિવેદન આરોગ્ય સચિવ રોબર્ટ એફ. કેનેડી જુનિયરની સલાહકાર સમિતિની બેઠક બાદ આવ્યું, જેમાં કુદરતી ગર્ભાવસ્થા અને રસીકરણ પર ચર્ચા થઈ હતી.

ટ્રમ્પની નવી હેલ્થકેર નીતિ સામે નિષ્ણાતોની ચિંતા
ટ્રમ્પ વહીવટીતંત્રની નવી હેલ્થકેર નીતિથી અમેરિકાના ડૉકટરો અને વૈજ્ઞાનિકો ચિંતિત છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, ગર્ભાવસ્થા દરમિયાન એસિટામિનોફેન (ટાઈલેનોલ) સૌથી સુરક્ષિત પેઇનકિલર છે અને જો તાવ કે પીડાની સારવાર ન થાય, તો તે માતા અને બાળક બંને માટે જોખમકારક છે. અત્યાર સુધીના સંશોધનો એ સાબિત કરતા નથી કે ગર્ભાવસ્થામાં ટાઈલેનોલ લેવાથી ઓટિઝમ થાય છે, કારણ કે તબીબી નિષ્ણાતોનું માનવું છે કે ઓટિઝમનો પેરાસિટામોલ સાથે કોઈ સીધો સંબંધ નથી અને તેના માટે કોઈ એક કારણ જવાબદાર નથી.નવજાત શિશુના રસીકરણ પર ટ્રમ્પના સૂચનો
ટ્રમ્પે ટાઈલેનોલને ‘સારું નથી’ ગણાવતા કહ્યું કે મહિલાઓએ તેને માત્ર ગંભીર તાવ જેવી અત્યંત આવશ્યક સ્થિતિમાં જ લેવું જોઈએ. આ ઉપરાંત, તેમણે નવજાત શિશુના રસીકરણના શેડ્યુલમાં ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો અને કોઈપણ પુરાવા વગર દાવો કર્યો કે હેપેટાઇટિસ-બી જેવી બીમારી માટે જન્મ બાદ તરત રસી આપવી જરૂરી નથી. ટ્રમ્પનું માનવું છે કે બાળક 12 વર્ષનું થાય અને સંપૂર્ણ વિકસિત થાય, ત્યાં સુધી રસી આપવા માટે રાહ જોવી જોઈએ.
હેલ્થ પોલિસીનો ભાગ છે ‘નેચરલ પ્રેગનન્સી’
ટ્રમ્પનું નિવેદન એ સ્વાસ્થ્ય નીતિનો ભાગ છે જે ગર્ભવતી મહિલાઓને ‘કુદરતી’ રીતે ગર્ભધારણ અને પ્રસુતિ માટે પ્રોત્સાહિત કરે છે, જેમાં રસી, દવાઓ અને તબીબી સહાયનો ઉપયોગ ટાળવાની વાત છે. આ નિર્ણયને તેમના આરોગ્ય સચિવ રોબર્ટ એફ. કેનેડી જુનિયર માટે એક જીત માનવામાં આવે છે, જેઓ પહેલા પણ ઓટિઝમ અંગે પુરાવા વગરના દાવા કરી ચૂક્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્ર ‘નેચરલ માતૃત્વ’ અને ‘નેચરલ પ્રેગનન્સી’ને પ્રોત્સાહન આપવા માંગે છે અને તાજેતરમાં કોવિડ રસી તેમજ એન્ટીડિપ્રેસન્ટ્સ વિરુદ્ધ પણ પગલાં લીધાં છે, જેનો નિષ્ણાતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
મહિલાઓના સ્વાસ્થ્ય માટે જોખમી
સરકાર મહિલાઓને ટાઈલેનોલ જેવી પીડા નિવારક દવાઓથી દૂર રહેવાની સલાહ આપી રહી છે અને IVF જેવી આધુનિક સારવારોને નિરુત્સાહિત કરી રહી છે. તેના બદલે, ઓછી સફળતા દરવાળી અને વૈજ્ઞાનિક રીતે ઓછી સમર્થિત રેસ્ટોરેટિવ રિપ્રોડક્ટિવ મેડિસિન (RRM) જેવી તકનીકોને પ્રોત્સાહન આપી રહી છે.
મહિલાઓ પર વધી રહ્યું છે દબાણ
ટ્રમ્પ વહીવટીતંત્રની વિચારસરણી મહિલાઓને દવા, રસી કે તબીબી મદદ વિના માતા બનવા માટે દબાણ કરી રહી છે, જે એક ખતરનાક વલણ છે. પત્રકાર એમી લારોકાના જણાવ્યા મુજબ, મહિલાઓ પર માતા બનવાનું સામાજિક-રાજકીય દબાણ છે, પરંતુ તેમને પૂરતી સહાયતા નથી મળતી, જેમ કે મેટરનિટી લીવ, હેલ્થકેર કે માનસિક સ્વાસ્થ્ય માટે મદદ. આ વિચારસરણી માને છે કે મહિલાઓએ બધું જાતે જ સંભાળવું જોઈએ અને મદદ માંગવા પર તેમને શરમ અનુભવવી પડે છે.

