અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે ગાઝા યુદ્ધના અંત સાથે મધ્ય-પૂર્વમાં શાતિ સ્થાપિત કરવા માટે ‘પીસ પ્લાન’ રજૂ કર્યો છે, જેને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ મંજૂરી આપી દીધી છે. હવે હમાસ આ પીસ પ્લાન સ્વીકારે તો ગાઝામાં ૭૨ કલાકમાં યુદ્ધ બંધ થઈ શકે છે. ગાઝામાં શાંતિ યોજના રજૂ કરવાની સાથે પ્રમુખ ટ્રમ્પે હમાસને આ યોજના સ્વીકારવા ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. આ યોજના મુજબ હમાસે ૭૨ કલાકમાં બંધકોને છોડવાના રહેશે. ટ્રમ્પે હમાસને ચેતવણી આપી છે કે તે શાંતિ યોજના નહીં સ્વીકારે તો ઈઝરાયેલના દરેક પગલાંને તેનું સમર્થન હશે. હમાસે યોજનાની સમીક્ષા માટે ત્રણ દિવસનો સમય માગ્યો છે.

મધ્ય-પૂર્વમાં બે વર્ષ પહેલાં હમાસના આતંકીઓએ ઈઝરાયેલની રાજધાની તેલ અવીવ પર કરેલા હુમલા પછી શરૂ થયેલા યુદ્ધે ગાઝા સિટીમાં ભારે વિનાશ સર્જ્યો છે. છેલ્લા બે વર્ષમાં ગાઝામાં ઈઝરાયેલના અત્યાચારના મુદ્દે હવે દુનિયાના અનેક દેશો એક મંચ પર આવ્યા છે અને યુદ્ધ રોકવા નેતન્યાહુ પર દબાણ કરી રહ્યા છે. આવા સમયે ગાઝામાં શાંતિ સ્થાપવા માટે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સોમવારે વ્હાઈટ હાઉસમાં પ્રમુખ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી.
નેતન્યાહુ સાથેની મુલાકાત પછી વ્હાઈટ હાઉસે ગાઝા યુદ્ધ ખતમ કરવા માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની શાંતિ યોજના રજૂ કરી હતી. નેતન્યાહુ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે કહ્યું કે, તેમની આ યોજના સ્વીકારવા નેતન્યાહુ સહમત છે. આ સાથે ટ્રમ્પે ગાઝાનો નવો નકશો તૈયાર કર્યો છે. આ નકશા મુજબ ગાઝા અને ઈઝરાયેલ વચ્ચે હંમેશા માટે એક બફર ઝોન બનાવાશે. આ એવો ઝોન હશે જેની રેખાને ઈઝરાયેલના સૈનિકો કે પેલેસ્ટાઈનના લોકો પાર કરી શકશે નહીં. આ યોજના મુજબ હમાસના આત્મસમર્પણ પછી ગાઝામાં બનનારા નવા શાસનમાં પ્રત્યક્ષ, પરોક્ષ અથવા કોઈપણ રૂપે હમાસની કોઈ ભૂમિકા નહીં હોય. આત્મસમર્પણ કરી ગાઝામાં સહઅસ્તિત્વ સ્વીકારનારા હમાસના આતંકીઓને મુક્તિ અપાશે અને જેમને ગાઝા છોડીને અન્ય દેશમાં જવું હોય તેમને સેફ પેસેજ અપાશે.
પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, હમાસ આ યોજના સ્વીકારી લેશે તો આગામી ૭૨ કલાકમાં મધ્ય-પૂર્વમાં યુદ્ધનો અંત આવી શકે છે. આ યોજના મુજબ હમાસે ઑક્ટોબર ૨૦૨૩માં ઈઝરાયેલમાંથી અપહરણ કરેલા બંધકોમાંથી જે બચ્યા છે તે બધાને ૭૨ કલાકમાં છોડવાના રહેશે અને મૃત બંધકોના અવશેષો ઈઝરાયેલને સોંપવાના રહેશે. કોઈપણ સ્થિતિમાં તેનાથી વધુ સમય નહીં અપાય. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, મને આશા છે કે અમે શાંતિ માટે સમજૂતી કરી શકીશું. હમાસ આ સમજૂતી સ્વીકારવાનો ઈનકાર કરી દેશે તો જે હંમેશા બન્યું છે તેમ ઈઝરાયેલના દરેક પગલાંને અમેરિકાનું સમર્થન રહેશે.
ટ્રમ્પે હમાસને ચેતવણી આપતા કહ્યું કે, આ શાંતિ સમજૂતીને ઈઝરાયેલ, આરબ દેશો સહિત દુનિયાના મોટાભાગના દેશોનું સમર્થન મળી ગયું છે. આ યોજના મુજબ બંધકોની મુક્તિ પછી ગાઝાના લોકોના લાભ માટે પુનર્વિકાસ કરાશે. આ માટે એક વિશેષ બોડી બનાવાશે, જેનું પ્રમુખપદ ટ્રમ્પ પોતે કરે તેવી સંભાવના છે. આ યોજના મુજબ હમાસ બધા જ બંધકોને છોડી મુકશે તો સામે ઈઝરાયેલ પણ આજીવન કેદની સજા કાપતા ૨૫૦ કેદીઓને છોડશે. સાથે જ ૭ ઑક્ટોબર ૨૦૨૩ પછી અટકાયતમાં લેવાયેલા ૧૭૦૦ ગાઝાવાસીઓને પણ છોડી મૂકશે. ઈઝરાયેલ છોડી મૂકાયેલા પ્રત્યેક બંધકના બદલામાં ૧૫ મૃત ગાઝાવાસીઓના અવશેષ પણ સોંપશે.
પેલેસ્ટાઈનને માન્યતા નહીં, સૈન્ય ગાઝા નહીં છોડે : પીએમ નેતન્યાહુ
તેલ અવીવ : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝામાં યુદ્ધ વિરામ માટે રજૂ કરેલી શાંતિ યોજનાને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ વોશિંગ્ટનમાં ટ્રમ્પની હાજરીમાં સમર્થન કર્યું હતું. પરંતુ ઈઝરાયેલ પહોંચીને તેમણે આ યોજના મુદ્દે યુ-ટર્ન લીધો હોવાનું મનાય છે. નેતન્યાહુએ કહ્યું છે કે, પેલેસ્ટાઈનને કોઈપણ સંજોગોમાં માન્યતા નહીં આપીએ અને ગાઝામાં સૈન્યની પીછેહઠ નહીં થાય. ટ્રમ્પની યોજનાનો અમલ થાય તો પેલેસ્ટાઈનનો સ્વતંત્ર દેશ તરીકેનો રસ્તો ખુલી શકે છે. જોકે, નેતન્યાહુએ મંગળવારે તેમની ટેલિગ્રામ ચેનલ પર હિબુ્રમાં આપેલા નિવેદન મુજબ ગાઝામાં શાંતિ માટેની સમજૂતીમાં પેલેસ્ટાઈનને માન્યતાનો મુદ્દો નહોતો. અમે પેલેસ્ટાઈન દેશનો આકરો વિરોધ કરીશું. વધુમાં ઈઝરાયેલનું સૈન્ય ગાઝા પટ્ટીના મોટાભાગના હિસ્સા પર કબજો જાળવી રાખશે. નેતન્યાહુ તેમની આ વાત પર અડગ રહેશે તો મધ્ય-પૂર્વમાં શાંતિ સ્થાપિત નહીં થઈ શકે. વધુમાં ટ્રમ્પની યોજના સ્વીકારવા બદલ નેતન્યાહુએ ઈઝરાયેલના કટ્ટરવાદી જમણેરી નેતાઓના વિરોધનો પણ સામનો કરવો પડે તેવી શક્યતા છે.

